Site icon Revoi.in

હીલ સ્ટેશન સાપુતારામાં આતંક મચાવનારા બે દીપડા પાંજરે પૂરાયા

Social Share

સાપુતારા, 27 મે, 2026 : Two leopards that created terror were caged રાજ્યના હિલ સ્ટેશન એવા સાપુતારામાં છેલ્લા કેટલાક દિવસથી દીપડાનો ત્રાસ વધ્યો હતો. દીપડાઓ શિકારની શોધમાં હોટલો સુધી આવી જતા હોય પ્રવાસીઓ પણ ખાસ કરીને રાતના સમયે હોટલની બહાર નિકળવામાં ડર અનુભવતા હતા. આ અંગે વન વિભાગને જાણ કરાતા દીપડાને પકડવા માટે પાંજરા મુકવામાં આવ્યા હતા. દરમિયાન બે દીપડા પોંજરે પુરાતા સ્થાનીય લોકો અને સહેલાણીઓએ મોટી રાહત અનુભવી છે.

હીલ સ્ટેશન સાપુતારામાં હાલ ઉનાળાના વેકેશનને કારણે પ્રવાસીઓની ભારે ભીડ જોવા મળી રહી છે. ત્યારે એક હોટલ નજીક અલગ-અલગ સમયે દીપડાના આંટાફેરા સીસીટીવી કેમેરામાં કેદ થતાં સ્થાનિક વહીવટી તંત્ર અને વન વિભાગ એક્શનમાં આવ્યું હતું. વન વિભાગ દ્વારા ગોઠવવામાં આવેલા પાંજરામાં વારાફરતી બંને દીપડાઓ કેદ થઈ જતાં સ્થાનીય લોકો અને સહેલાણીઓએ મોટી રાહત અનુભવી છે.

વન વિભાગના સૂત્રોના કહેવા મુજબ  સાપુતારાની એક જાણીતી હોટલ નજીક રાત્રિના અલગ-અલગ સમયે બે દીપડા મુક્તપણે વિહાર કરતા સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા. સાપુતારા એ ગુજરાતનું અતિ મહત્વનું પ્રવાસન સ્થળ હોવાથી અહીં બારેમાસ પ્રવાસીઓની ભારે ભીડ રહે છે. આવા ગીચ વિસ્તારમાં અને હોટલોની બિલકુલ નજીક હિંસક વન્યજીવોના આંટાફેરા વધતાં પ્રવાસીઓની સુરક્ષા સામે સવાલો ઊભા થયા હતા અને સ્થાનિકોમાં પણ ફફડાટ વ્યાપી ગયો હતો. આ ગંભીર પરિસ્થિતિને જોતાં હોટલ સંચાલકોએ તાત્કાલિક વન વિભાગની શામગાહન રેન્જના અધિકારીઓનો સંપર્ક કરીને જાણ કરી હતી. ઘટનાની ગંભીરતાને સમજીને શામગાહન વન વિભાગની ટીમ તુરંત જ એક્શનમાં આવી હતી અને હોટલની આસપાસના સંભવિત વિસ્તારમાં દીપડાને પકડવા માટે પાંજરા ગોઠવી દીધા હતા. વન વિભાગની આ ત્વરિત કાર્યવાહીને પગલે ટૂંક સમયમાં જ એક કદાવર દીપડો પાંજરે પુરાઈ ગયો હતો. જોકે, સીસીટીવી ફૂટેજ મુજબ હજુ પણ અન્ય એક દીપડો આ વિસ્તારમાં સક્રિય હોવાથી વન વિભાગે પોતાની કામગીરી અટકાવી નહોતી. બાકી રહેલા બીજા દીપડાને પકડવા માટે વન વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા વિસ્તારમાં ‘રાઉન્ડ ધ ક્લોક’ ચોવીસ કલાક સઘન પેટ્રોલિંગ શરૂ રાખવામાં આવ્યું હતું. વન વિભાગની રાત-દિવસની મહેનત આખરે રંગ લાવી હતી અને ગત રાત્રિના સમયે બીજો દીપડો પણ ગોઠવવામાં આવેલા પાંજરામાં પુરાઈ ગયો હતો. હોટલ નજીક ભયનો માહોલ ઉભો કરનારા બંને દીપડાઓ પકડાતાં જ વન વિભાગે આગળની કાર્યવાહી હાથ ધરી છે, જ્યારે સાપુતારાના સ્થાનિકો અને પ્રવાસીઓએ આખરે ભયમુક્ત થઈને રાહતનો શ્વાસ લીધો છે.

Exit mobile version