હેમંત પરમાર, અરવલ્લી. 14 મે, 2026 – લગ્નની કંકોત્રી આપવા નીકળેલા બે યુવક બાઈક સાથે મેશ્વો ડેમમાં ગરકાવ થતાં બંનેએ જીવ ગુમાવ્યા છે. ઘટના અરવલ્લી જિલ્લાના શામળાજી નજીકની છે જ્યાં મેશ્વો ડેમ વિસ્તારમાં સર્જાયેલા કરુણ અકસ્માતે સમગ્ર પંથકને શોકમગ્ન બનાવી દીધું છે. લગ્નની કંકોત્રી આપવા નીકળેલા ત્રણ યુવકોમાંથી બે યુવકોના ડેમમાં ડૂબી જવાથી મૃત્યુ નિપજ્યા છે, જ્યારે એક યુવક ઘાયલ હાલતમાં બચી ગયો હોવાનું જાણવા મળ્યું છે.
મળતી માહિતી મુજબ, દહેગામડાથી કુશ્કી છાપરા ગામે કાકાની દીકરીના લગ્નની કંકોત્રી આપવા માટે ત્રણ યુવકો બાઇક પર જઈ રહ્યા હતા. દેવની મોરીથી શામળાજી તરફ જતા મેશ્વો ડેમની પાળ પર નવા બનાવાયેલા રસ્તા પરથી પસાર થતી વખતે અચાનક બાઇક ચાલકે નિયંત્રણ ગુમાવ્યું હતું. રસ્તા પર આવેલા વળાંક અને કાંકરીઓના કારણે બાઇક સીધી ડેમના પાણીમાં ખાબકી ગઈ હતી.
આ પણ વાંચોઃ પ્રધાનમંત્રીના ૭-મુદ્દાના રાષ્ટ્રીય આહ્વાનને જીસીસીઆઈ દ્વારા સંપૂર્ણ સમર્થન
આ અકસ્માતમાં ત્રણેય યુવકો પાણીમાં તણાઈ ગયા હતા. તેમાંનો એક યુવક કોઈ રીતે બહાર આવી શક્યો હતો અને હાલ સારવાર હેઠળ હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે અન્ય બે યુવકો પાણીમાં લાપતા બન્યા હતા. ઘટનાની જાણ થતાં જ મોડાસા ફાયર સર્વિસની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. ભારે જહેમત બાદ બંને યુવકોના મૃતદેહોને ડેમમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા.
મૃતક યુવકોમાં પુજારા અશ્વિનભાઈ અને ડામોર જયેશભાઈ નટુભાઈનો સમાવેશ થાય છે. પરિવારજનોમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. લગ્નના ખુશીના માહોલ વચ્ચે બે આશાસ્પદ યુવકોના અકાળે મૃત્યુ થતાં ગામમાં ગમગીની છવાઈ ગઈ છે.
આ પણ વાંચોઃ રેલવે મંત્રાલયના અમદાવાદ– ધોલેરા સેમી હાઈ-સ્પીડ ડબલ લાઇન પ્રોજેક્ટને મંજૂરી
સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, મેશ્વો ડેમની પાળ પર તાજેતરમાં નવો રસ્તો બનાવવામાં આવ્યો છે, પરંતુ ત્યાં સુરક્ષા માટે જરૂરી પ્રોટેક્શન વોલ કે રેલિંગ બનાવવામાં આવી નથી. ખાસ કરીને વળાંકવાળા વિસ્તારમાં કાંકરીઓ હોવાને કારણે વાહનો સ્લીપ થવાની શક્યતા વધુ રહે છે. સ્થાનિકો આ અકસ્માત માટે સંબંધિત વિભાગની બેદરકારીને જવાબદાર ઠેરવી રહ્યા છે.
પોલીસે હાલ અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.


