ભરૂચ, 20 મે, 2026: Uncle and nephew drown in Narmada river શહેરના પ્રવાસન સ્થળ એવા કબીરવડ ખાતે નર્મદા નદીમાં સ્નાન કરવા ઉતરેલા મામા-ભાણેજના ડૂબી જતા મોત નિપજ્યા છે. તરવૈયાઓ અને ફાયર બ્રિગેડના જવાનોએ નદીમાંથી બંનેના મૃતદેહ બહાર કાઢ્યા હતા. આ બનાવથી મૃતકના પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.
આ બનાવની વિગત એવી છે કે, ભરૂચના સોન તલાવડી વિસ્તારમાં રહેતા 20 વર્ષીય અમિત વાઘેલાના ઘરે બહારગામ રહેતો ભાણેજ 7 વર્ષીય રાજ રાજેશભાઈ વાઘેલા ઉનાળાના વેકેશનમાં આવ્યો હતો. ગરમીથી રાહત મેળવવા મામા-ભાણેજ કબીરવડ ફરવા ગયા હતા અને બપોરના સમયે નર્મદા નદીમાં નહાવા ઉતર્યા હતા. નદીમાં નહાતી વખતે નાનો રાજ અચાનક ઊંડા પાણીમાં ખેંચાઈ ગયો હતો. ભાણેજને બચાવવા માટે અમિતભાઈ તરત જ પાણીમાં આગળ વધ્યા, પરંતુ પાણીનો પ્રવાહ અને ઊંડાણ વધુ હોવાને કારણે બંને નદીમાં ગરકાવ થઈ ગયા. ઘટનાની જાણ થતાં આસપાસના લોકો, નાવિકો અને માછીમારોએ તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરી હતી. સ્થાનિક તરવૈયાઓ અને ફાયર વિભાગને પણ જાણ કરવામાં આવી હતી.
આ બનાવની જાણ થતાં પરિવારજનો કબીરવડ દોડી આવ્યા હતા. ગત સાંજે લાંબી શોધખોળ બાદ અમિતભાઈનો મૃતદેહ મળી આવ્યો હતો, જ્યારે 7 વર્ષીય રાજની શોધખોળ રાતભર ચાલુ રાખવામાં આવી હતી. આજે બીજા દિવસે ભરૂચ પાલિકાના ફાયર વિભાગની ટીમે લગભગ 8 કલાક સુધી નર્મદા નદીમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. અંતે ફાયર વિભાગના જવાનો અને તરવૈયાઓને રાજનો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે બંને મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવાની કાર્યવાહી હાથ ધરી છે.
સ્થાનિક લોકોના કહેવા મુજબ કબીરવડ યાત્રાધામ ખાતે અનેક સ્થળોએ થતા ગેરકાયદેસર રેતી ખનનના કારણે નદીમાં ઊંડા ખાડા પડી ગયા છે, જેના કારણે નદી વધુ જોખમી બની છે. આ દુર્ઘટના પાછળ રેતી ખનન જવાબદાર હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

