કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહ શનિવારે ગુજરાતના પ્રવાસે, અનેક વિકાસકાર્યોનું લોકાર્પણ કરશે
અમદાવાદઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ એક દિવસીય ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. અમિત શાહ 20 મેને શનિવારના રોજ અમદાવાદ- ગાંધીનગર લોકસભા વિસ્તારમાં અંદાજે રૂપિયા 355 કરોડથી વધુના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. જેમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરાયેલા વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. જેમાં નારણપુરા વિસ્તારમાં TP- 29માં રૂપિયા 2.93 કરોડના ખર્ચે તૈયાર થયેલા જિમ્નેશિયમ અને લાયબ્રેરીનું લોકાર્પણ કરશે
સૂત્રોના જણાવ્યા મુજબ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આગામી તા. 20મીને શનિવારના રોજ એક દિવના ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. શાહના હસ્તે શનિવારે અમદાવાદ- ગાંધીનગર લોકસભા વિસ્તારમાં અંદાજે રૂપિયા 355 કરોડથી વધુના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. જેમાં AMC દ્વારા અંદાજે રૂપિયા 300.12 કરોડના ખર્ચે LIG- ફેઝ -2 ના આવાસોનો ડ્રો કરાશે. ગોતા વોર્ડ, સાયન્સ સિટી વિસ્તાર સહિત જુદા જુદા વોર્ડમાં અંદાજે 2000 જેટલા મકાનોનો ડ્રો કરવામાં આવશે. ચાંદલોડિયા વોર્ડમાં રૂપિયા 17 કરોડના ખર્ચે તૈયાર થનારા ડ્રેનેજ પંપીંગ સ્ટેશનનું ખાતમુહૂર્ત કરશે. ગોતા વોર્ડમાં રૂપિયા 18.41 કરોડના ખર્ચે તૈયાર થનારા નવા ફાયર સ્ટેશન અને સ્ટાફ ક્વાર્ટર્સ બનાવવા માટે ખાતમુહૂર્ત કરવામાં આવશે.
આ ઉપરાંત શહેરના નવા વાડજમાં રૂપિયા 7.75 કરોડોના ખર્ચે તૈયાર થનારા રેન બસેરાનું ખાતમૂહુર્ત કરવામાં આવશે. થલતેજ ગામમાં રૂપિયા 5 કરોડના ખર્ચે થલતેજ તળાવ ડેવલપ કરવા માટે ખાતમુહૂર્ત કરાશે. ગોતા, સાયન્સ સિટીમાં રૂપિયા 300 કરોડના LIG મકાનોનો ડ્રો કરાશે. અમિત શાહ જ્યારે પણ ગુજરાત આવે છે ત્યારે પોતાના મતવિસ્તારના વિકાસ કામો અંગેની માહિતી મેળવતા રહેતા હોય છે. દર ત્રણ મહિને કે છ મહીને તેઓ પોતાના મત વિસ્તારોમાં થયેલા વિકાસ કામોની સમીક્ષા કરતા હોય છે. ત્યારે આ વખતે પણ અમિત શાહ પોતાના મત વિસ્તારના વિકાસ કામોની સમીક્ષા કરી શકે છે. તેઓ કાર્યકરો સાથે સમીક્ષા બેઠક તેમજ સરકાર અને સંગઠન સાથે બેઠકો કરશે