
UP વિધાનસભા ચૂંટણીઃ “બુથ જીત્યા તો ઉત્તરપ્રદેશ જીત્યા”, અમિત શાહે કાર્યકરોને આપ્યો જીતનો મંત્ર
લખનૌઃ ઉત્તરપ્રદેશમાં આગામી વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. જે માટેની ભાજપ દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. તેમજ ઉત્તરપ્રદેશ વિધાનસભાની ચૂંટણીની ભાજપ દ્વારા ગૃહમંત્રી અમિત શાહને આપવામાં આવી હોય તેવુ ચર્ચાઈ રહ્યું છે. અમિત શાહ હાલ ઉત્તરપ્રદેશના પ્રવાસે છે. દરમિયાન તેમણે વારાણસીમાં ભાજપના નેતાઓ સાથે બેઠક કરી હતી. જેમાં તેમણે કહ્યું હતું કે, ઉત્તરપ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં જીત વર્ષ 2024ના દરવાજા ખોલી દેશે.
પ્રભારી સ્વતંત્ર દેવ સિંહે જણાવ્યું હતું કે, અમિત શાહે પાર્ટીના કાર્યકરોને 300 પ્લસનો મંત્ર આપ્યો હતો. મીડિયા રિપોર્ટ અનુસાર સ્વતંત્ર દેવ સિંહે જણાવ્યું હતું કે, અમિત શાહે વર્ષ 2022માં 300થી વધારે બેઠકો ઉપર જીતની રણનીતિ તૈયાર કરી છે અને વિધાનસભા પ્રવારીઓને જવાબદારીઓ અંગે માર્ગદર્શન આપ્યું હતું. પીએમ નરેન્દ્ર મોદી અને ઉત્તર પ્રદેશના પ્રધાન યોગી આદિત્યનાથને દેશ અને ઉત્તરપ્રદેશમાં ભય અને ભ્રષ્ટાચાર મુક્ત શાસન આપ્યું છે.
શાહે કહ્યું કે ઉત્તરપ્રદેશમાં 2022 પ્રદેશમાં ભાજપની જીત કાર્યકર્તાની મહેનતથી થશે અને જનતાના આશીર્વાદ લઈને ચૂંટણીમાં જીતશે. બુથ જીત્યા તો ઉત્તરપ્રદેશ જીત્યાનો સંકલ્પ પણ લેવાયો છે. બેઠકમાં સદસ્યતા અભિયાન, લોક સંપર્ક તથા વધારેમાં વધારે સભ્યો બનાવવા ઉપર ભાર મુકાયો હતો.બીજી તરફ અમિત શાહના ઉત્તરપ્રદેશના પ્રવાસને લઈને સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવે ટ્વીટ કરીને ભાજપ અને અમિત શાહ ઉપર આકરા પ્રહાર કર્યાં હતા. તેમજ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનો પરાજય થવાનો પણ તેમણે દાવો કર્યો હતો.