લોકસભામાં રાહુલ ગાંધીના વક્તવ્ય મુદ્દે હોબાળો, જાણો શું છે મામલો?
નવી દિલ્હી, 2 ફેબ્રુઆરી, 2026: Uproar over Rahul Gandhi’s speech in Lok Sabha લોકસભામાં આજે સોમવારે વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ ચીન-ભારત સંબંધ અંગે હજુ પ્રકાશિત નહીં થયેલા પુસ્તક વિશે બોલવાનો પ્રયાસ કરતાં સત્તાપક્ષ તરફથી ભારે હોબાળો થયો હતો. આ ઊહાપોહ વચ્ચે લોકસભાની બેઠક વારંવરા મુલતવી રાખવાની ફરજ પડી હતી.
શું હતો મામલો?
બજેટ સત્રના પ્રારંભે સંસદના બંને ગૃહને રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવેલા સંબોધન પર આભાર પ્રસ્તાવના જવાબ દરમિયાન, રાહુલ ગાંધીએ ભૂતપૂર્વ સૈન્ય વડા નરવણેના પુસ્તક પર આધારિત એક મેગેઝિન રિપોર્ટ ટાંકીને પોતાનું ભાષણ શરૂ કર્યું હતું. આ લેખમાં 2020ની એક કથિત ઘટનાનો ઉલ્લેખ હતો. રાહુલ ગાંધીએ ડોકલામનો ઉલ્લેખ કરતા કહ્યું, “ચીનની 4 ટેન્કો ભારતીય સરહદમાં પ્રવેશી રહી હતી. તેઓ ડોકલામમાં એક પહાડી પર કબજો કરી રહ્યા હતા. સેના પ્રમુખ લખે છે કે ટેન્કો કૈલાશ રેન્જથી માત્ર થોડાક સો મીટરના અંતરે હતી.”
નોંધનીય છે કે, ભારત, ચીન અને ભૂટાનના ટ્રાય-જંક્શન પર આવેલા ડોકલામમાં 2017માં ભારત અને ચીનના સૈન્ય વચ્ચે નાની અથડામણ થઈ હતી. જ્યારે 2020 માં પૂર્વી લદ્દાખના ગલવાનમાં બંને પક્ષો વચ્ચે હિંસક અથડામણ થઈ હતી, જેમાં 20 ભારતીય સૈનિકો વીરગતિ પામ્યા હતા.
રાજનાથ સિંહ અને અમિત શાહનો વળતો પ્રહાર
રાહુલ ગાંધીના ભાષણ દરમિયાન સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે હસ્તક્ષેપ કરતા કહ્યું કે, તેઓ કોઈ “અપ્રકાશિત” પુસ્તકને ટાંકી શકે નહીં અને તેમને ગૃહ સમક્ષ તેને પ્રમાણિત (authenticate) કરવા કહ્યું. સંરક્ષણ મંત્રીએ કહ્યું, “તેમને આ વિષય પર બોલવાની મંજૂરી ન આપવી જોઈએ… હું ઈચ્છું છું કે લોકસભાના વિપક્ષી નેતા તે પુસ્તક ગૃહમાં રજૂ કરે જેનો તેઓ ઉલ્લેખ કરી રહ્યા છે, કારણ કે તે પુસ્તક હજુ પ્રકાશિત જ થયું નથી.”
ગૃહમંત્રી અમિત શાહે પણ રાહુલ ગાંધીને અટકાવ્યા અને પૂછ્યું કે, “જો આ પુસ્તક પ્રકાશિત નથી થયું, તો તમને આ બધી માહિતી કેવી રીતે મળી?”
અખિલેશ યાદવનો ટેકો
સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવે રાહુલ ગાંધીનો બચાવ કરતા કહ્યું કે, “લોહિયા, નેતાજી અને જ્યોર્જ ફર્નાન્ડિઝે આપણને ચીન વિશે ચેતવણી આપી હતી. ચીન સાથે સંબંધિત બાબત અત્યંત સંવેદનશીલ છે. વિપક્ષના નેતાને બોલવા દેવા જોઈએ.”
દરમિયાન, સંસદીય કાર્ય મંત્રી કિરેન રિજિજુએ રાહુલ ગાંધીને સ્પીકરના આદેશનું પાલન કરવા વિનંતી કરી in . હોબાળા વચ્ચે સ્પીકર ઓમ બિરલાએ ચુકાદો આપ્યો કે વિપક્ષના નેતાએ માત્ર રાષ્ટ્રપતિના સંબોધન પર જ બોલવું જોઈએ અને અપ્રકાશિત પુસ્તકના અંશો ટાંકવા જોઈએ નહીં. તેમણે નિયમો વાંચી સંભળાવતા કહ્યું કે એવા પુસ્તક કે અખબારમાંથી કંઈપણ વાંચી શકાય નહીં જેનો સત્રની ચર્ચા સાથે કોઈ સંબંધ ન હોય.
જ્યારે રાહુલ ગાંધીએ પૂછ્યું કે “મારે શું બોલવું તે તમે કહો,” ત્યારે ઓમ બિરલાએ વળતો જવાબ આપ્યો, “હું તમારો સલાહકાર નથી, પરંતુ સ્પીકર તરીકે ગૃહ નિયમો મુજબ ચાલે તે જોવાની મારી ફરજ છે.” સ્પીકરે રાહુલ ગાંધીને આસનનું અપમાન ન કરવા અથવા તેના ચુકાદા વિરુદ્ધ ન જવા જણાવ્યું હતું.


