
લખનૌઃ વારાણસીમાં જ્ઞાનવાપી પરિસરમાં સર્વેની કામગીરીનો લઘુમતી કોમ કેટલાક લોકો વિરોધ કરી રહ્યાં છે. બીજી તરફ પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો છે. જ્ઞાનવાપી મસ્જિમાં ઝુમ્માની નમાજ પઢવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યાં હતા. નમાજ બાદ કેટલાક અસામાજીક તત્વોએ માહોલ બગાડવાનો પ્રયાસ કર્યો હતો. નમાજ બાદ કેટલાક શખ્સોએ સુત્રોચ્ચાર કર્યો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર વારાણસીમાં શ્રીકાશી વિશ્વનાથ ધામ-જ્ઞાનવાપી સ્થિત શૃંગાર ગૌરી અને અન્ય દેવી-દેવતાઓની મૂર્તિની વીડિયોગ્રાફી અને સર્વેનો કોર્ટે નિર્દેશ કર્યો હતો. વીડિયોગ્રાફી-ફોટોગ્રાફી અને સર્વેની કામગીરીને લઈને સમગ્ર વિસ્તારમાં ચુસ્ત બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો છે. સર્વે સંબંધિત રિપોર્ટ 10મી મેના રોજ કોર્ટમાં રજૂ કરવામાં આવશે. જ્ઞાનવાપી મસ્જિદમાં સર્વેની કામગીરી પહેલા મોટી સંખ્યામાં લઘુમતી કોમના લોકો ઉમટી પડ્યાં હતા. તેમજ તેમણે આ સામગીરીનો વિરોધ કર્યો હતો. બીજી તરફ હિન્દુઓ દ્વારા પણ વિરોધની સામે નારાજગી વ્યક્ત કરવામાં આવી હતી.
દિલ્હીના રહેવાસી રાખી સિંહ, લક્ષ્મી દેવી, સીતા સાહુ, મંજુ વ્યાસ અને રેખા પાઠકે 18 ઓગસ્ટ 2021ના રોજ વિશ્વ વૈદિક સનાતન સંઘના જીતેન્દ્ર સિંહ વિસેનની આગેવાની હેઠળ વારાણસીની જિલ્લા અદાલતમાં કેસ દાખલ કર્યો હતો. મા શ્રૃંગાર ગૌરીના નિયમિત દર્શન-પૂજા અને અન્ય દેવી-દેવતાઓના રક્ષણની કોર્ટમાં માગણી કરવામાં આવી હતી. બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ કોર્ટે અજયકુમાર મિશ્રાની એડવોકેટ કમિશનર તરીકે નિમણૂક કરી હતી અને જ્ઞાનવાપી પરિસરનો સર્વે કરવાનો આદેશ આપ્યો હતો. એડવોકેટ કમિશનર અજય કુમાર મિશ્રાએ તા. 6 મેના રોજ સર્વેનો નિર્ણય લીધો હતો. અજય કુમાર મિશ્રાના જણાવ્યા અનુસાર જો આજે સર્વેની કામગીરી પૂર્ણ નહીં થાય તો 7 મેના રોજ પૂર્ણ કરવામાં આવશે.
એડવોકેટ કમિશનર અજયકુમાર મિશ્રાએ જણાવ્યું હતું કે, જ્ઞાનવાપી પરિસરના સર્વે માટે વાદી અને પ્રતિવાદી પક્ષ તેમજ પોલીસ-પ્રશાસનને માહિતી આપવામાં આવી છે. પ્રતિવાદીઓમાં મુખ્ય સચિવ સિવિલ, જિલ્લા મેજિસ્ટ્રેટ વારાણસી, પોલીસ કમિશનર વારાણસી, અંજુમન ઉજાપાનિયા મસ્જિદ કમિટી મેનેજમેન્ટના મુખ્ય પ્રબંધક અને ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા બાબા કાશી વિશ્વનાથ ટ્રસ્ટના સચિવનો સમાવેશ થાય છે. વરિષ્ઠ પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે કોર્ટના આદેશ પર કરવામાં આવનાર સર્વેને ધ્યાનમાં રાખીને સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. કાયદો અને વ્યવસ્થાને લઈને સાવચેતી રાખવામાં આવી રહી છે.