અમદાવાદ, 17 સપ્ટેમ્બર 2026: દેશની અગ્રણી ચા બ્રાન્ડ ‘વાઘ બકરી’ને નવી ઊંચાઈઓ પર પહોંચાડનાર સ્વપ્નદ્રષ્ટા અને ગ્રૂપના ચેરમેન પીયૂષ દેસાઈનું અમદાવાદ ખાતે નિધન થયું છે. એક કુશળ ‘ટી ટેસ્ટર’ અને ઉદ્યોગસાહસિક તરીકે જાણીતા પીયૂષ દેસાઈએ ‘ગુજરાત ટી પ્રોસેસર્સ એન્ડ પેકર્સ લિમિટેડ’નું સક્ષમ નેતૃત્વ કરીને કંપનીનું વાર્ષિક ટર્નઓવર રૂ. 2000 કરોડથી વધુ સુધી પહોંચાડ્યું હતું. તેમના અથાક પ્રયાસોથી જ વાઘ બકરી આજે ભારતની ત્રીજી સૌથી મોટી પેકેજ્ડ ટી કંપની બની છે. પીયુષ દેસાઈના નિધનને પગલે રાજ્યના ઉદ્યોગપતિઓ અને રાજકીય આગેવાનોએ દુઃખ વ્યક્ત કરીને શ્રદ્ધાંજલી પાઠવી હતી. જાણીતા ન્યૂઝ પોર્ટલ રિવોઈ-રિયલ વોઈસ ઓફ ઈન્ડિયા પરિવારે પણ દુઃખ વ્યક્ત કરીને શ્રદ્ધાંજલી પાઠવી હતી.
વર્ષ 1892 માં નરણદાસ દેસાઈ દ્વારા રોપાયેલા વાઘ બકરી બ્રાન્ડના છોડને પીયૂષ દેસાઈએ વિશાળ વટવૃક્ષ બનાવ્યો હતો. તેમણે પરંપરાગત વ્યાપારી મૂલ્યો અને આધુનિક કોર્પોરેટ વ્યૂહરચનાઓનો સુભગ સમન્વય સાધીને કંપનીનું ઝડપી વિસ્તરણ કર્યું હતું. ગુજરાત, પશ્ચિમ અને મધ્ય ભારતના પોતાના પરંપરાગત ગઢમાંથી બહાર નીકળીને તેમણે બ્રાન્ડની પહોંચ દેશવ્યાપી બનાવી હતી. એટલું જ નહીં, તેમની દીર્ઘદ્રષ્ટિના કારણે જ વાઘ બકરી ચા આજે વિશ્વના 30થી વધુ દેશોમાં નિકાસ થાય છે અને ગ્લોબલ ઇન્ડિયન્સની પહેલી પસંદ બની છે.
નિષ્ણાત ટી ટેસ્ટર હોવાના તરીકે પીયૂષભાઈ દરેક બ્લેન્ડની ગુણવત્તા પર જાતે જ બારીક નજર રાખતા હતા. ચા ક્ષેત્રે તેમના આતુલ્ય યોગદાન બદલ તેમને ‘નોર્થ ઈસ્ટર્ન ટી એસોસિએશન’ (NETA) દ્વારા પ્રતિષ્ઠિત ‘લાઈફટાઈમ અચીવમેન્ટ એવોર્ડ’થી પણ નવાજવામાં આવ્યા હતા. તેમની વ્યવસાયિક નૈતિકતા, નમ્ર સ્વભાવ અને નેતૃત્વના ગુણો માટે સમગ્ર વ્યાપારી આલમ તેમને હંમેશા યાદ રાખશે.


