રાજકોટ, 11 સપ્ટેમ્બર, 2026 : શહેરના મ્યુનિસિપલ કોર્પોરેશનના કોર્પોરેટરોને હાલમાં અપાતુ ભથ્થુ અપુરતુ લાગતા 40 કોર્પોરેટરોએ પોતાના માસિક ભથ્થામાં સીધો સાડા ત્રણ ગણો વધારો કરવાની માંગ કરી છે. તમામ કોર્પોરેટરોને હાલ દર મહિને રૂપિયા 15000નું ભથ્થુ આપવામાં આવે છે. એમાં વધારો કરીને દર મહિને રૂપિયા 50,000 ભથ્થુ આપવાની માગ કરવામાં આવી છે. આરએમસીની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક પૂર્ણ થતાં જ મેયર ડૉ. નેહલ શુક્લને સત્તાવાર લેખિત પત્ર સોંપવામાં આવ્યો છે. જોકે મેયરે મામલો ભાજપના પ્રદેશ નેતૃત્વ સમક્ષ મુકવા ખાતરી આપી હતી.
રાજકોટ મ્યુનિ.કોર્પોરેશનમાં હાલ ભાજપના 67 અને કોંગ્રેસના 5 મળીને કુલ 72 ચૂંટાયેલા કોર્પોરેટરો છે. કોર્પોરેટરોને દર મહિને ફિક્સ રૂપિયા 15,000નું માનદ વેતન અને બેઠકોના સામાન્ય ભથ્થા ચૂકવવામાં આવે છે. પણ આજના મોંઘવારીના સમયમાં રૂપિયા 15,000નું માનદ વેતન પોસાતુ નથી. કોર્પોરેટરોનું કહેવું છે કે મતવિસ્તારના રોજિંદા પ્રશ્નોના નિરાકરણ, સ્થાનિક મુલાકાતો, કાર્યક્રમોમાં હાજરી અને સતત વધતા પેટ્રોલ-ડીઝલના ખર્ચ સામે આ રકમ ખૂબ જ ઓછી પડે છે. આ મુદ્દે અગાઉ અનૌપચારિક રજૂઆતો થઈ હતી, પરંતુ હવે મહિલા કોર્પોરેટરોની પહેલ હેઠળ 40થી વધુ સભ્યોની સહી સાથેનો લેખિત પત્ર મેયર સહિતના પાંચેય મુખ્ય પદાધિકારીઓને સુપરત કરવામાં આવ્યો છે. અને દર મહિને 50,000ના માનદ વેતન આપવાની માગ કરવામાં આવી છે. આરએમસીના કોર્પોરેટરો દ્વારા અમદાવાદ અને સુરતના કોર્પોરેટરોને અપાતા ઊંચા વેતન માળખાનો દાખલો આપવામાં આવ્યો છે. મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનને અલગથી વેતન, વાહનની સુવિધા, વિવિધ ભથ્થા અને અતિથિ સત્કાર ખર્ચ મળતા હોય છે, જ્યારે સામાન્ય સભ્યો માત્ર માનદ વેતન પર નિર્ભર રહે છે. આથી લોકસેવાની સાથે વ્યક્તિગત આર્થિક બોજ વધ્યો હોવાની લાગણી કોર્પોરેટરો દ્વારા રજૂ કરવામાં આવી છે. મેયરે સ્થાનિક સ્તરે કોઈ તાત્કાલિક વચન આપવાનું ટાળ્યું હતું અને આ સમગ્ર મામલો ભાજપ પ્રદેશ સંગઠન સમક્ષ મૂકીને ત્યાંથી મળનારી લીલી ઝંડી બાદ જ યોગ્ય નિર્ણય લેવાની ખાતરી આપી છે.


