HomeગુજરાતીગુજરાતAMTSની બસોના અકસ્માત ઘટાડવા હવે AI કેમેરાથી ડિજિટલ મોનિટરિંગ કરાશે

AMTSની બસોના અકસ્માત ઘટાડવા હવે AI કેમેરાથી ડિજિટલ મોનિટરિંગ કરાશે

અમદાવાદ, 11 સપ્ટેમ્બર, 2026 : Digital monitoring of AMTS buses શહેરમાં એએમટીએસ બસો દ્વારા થતા અકસ્માતોના બનાવોને રોકવા માટે ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. એએમટીએસના બસચાલકો પર મોનિટરિંગ માટે AI આધારિત ડેશ કેમેરા મોનિટરિંગ સિસ્ટમનો પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરાયો છે. બસની ફ્રન્ટ સાઈડ અને ડ્રાઈવર પાસે કેમેરા લગાવાશે. જેથી રોડ પરની અને ડ્રાઈવરની તમામ હરકતો પર AI ડિજિટલ કેમેરાથી સીધી નજર રાખી શકાશે.  પ્રાથમિક ધોરણે ત્રણ બસમાં કેમેરા લગાવી મોનિટરિંગ શરૂ કરાયું છે. જો આ પ્રોજેક્ટ સફળતા મળશે  તો તમામ બસોમાં કેમેરા લગાવવામાં આવશે.

એએમટીએસના ચેરમેન પરાગ નાઈક જણાવ્યું હતું કે, જો એએમટીએસનો બસચાલક બસ ચલાવતી વખતે મોબાઇલ પર વાત કરશે, ધૂમ્રપાન કરશે કે ચાલુ ગાડીએ ઝોકાં ખાશે (ઊંઘશે), તો કંટ્રોલ રૂમમાં તુરંત એલર્ટ જશે. બસ નિયત મર્યાદા કરતાં ઓવર સ્પીડમાં દોડશે તો પણ સિસ્ટમ દ્વારા ચેતવણી આપવામાં આવશે. બેદરકારી બદલ કંટ્રોલ રૂમમાંથી ડ્રાઇવરને વાયરલેસ કે કોલ દ્વારા તુરંત સૂચના અપાશે. આ પાયલોટ પ્રોજેક્ટ અંતર્ગત ત્રણ જેટલી બસોમાં અત્યારે આ મોનિટરિંગ સિસ્ટમ ગોઠવવામાં આવી છે. બસના આગળના ભાગે અને ડ્રાઇવર તરફ કેમેરો રાખવામાં આવ્યો છે. જેથી જો કોઈ અકસ્માત સર્જાશે તો તાત્કાલિક કંટ્રોલરૂમમાં ખબર પડશે અને ડ્રાઇવરની ભૂલ હતી કે અન્ય કોઈ વાહન ચાલકની ભૂલ હતી તેને પણ ઓળખી શકાશે.

આ ઉપરાંત ડેશ કેમ મોનિટરિંગ સિસ્ટમ મારફતે બસની લોકેશનની સાથે બસ સમયસર ચાલી રહી છે કે કેમ તેને લઈને પણ ખબર પડશે. બસના ડ્રાઇવરો દ્વારા ક્યારેક બસ ઊભી રાખી દેવામાં આવતી હોય છે અને તેના કારણે પણ મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડતો હોય છે. એએમટીએસ  બસ મોડી આવતી હોવા અંગેની પણ ફરિયાદો મળતી હોય છે. આ મોનિટરિંગ સિસ્ટમ મારફતે જો ટ્રાફિકના કારણે બસ મોડી પડી હોય તો તે અંગે પણ તરત કંટ્રોલ રૂમમાં જાણ થઈ જશે. આ પાયલેટ પ્રોજેક્ટ સફળ થતાં 900 થી વધુ બસોમાં મોનિટરિંગ સિસ્ટમ લગાવી રોડ પરની ટ્રાફિકની સમસ્યાથી લઈને તમામ બાબતો પણ કોર્પોરેશનના ધ્યાન ઉપર આવી શકે તે પ્રમાણેની સિસ્ટમ ગોઠવવામાં આવશે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular