અમદાવાદ, 11 સપ્ટેમ્બર, 2026 : Strict fire safety rules announced for Ganesh Pandals ગણેશોત્સવને હવે ગણતરીના દિવસ બાકી છે ત્યારે શહેરની સોસાયટીઓ અને પંડાલોમાં ગણેશોત્સવની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે, આ વખતે પંડાલોમાં ફાયર સેફ્ટી માટે માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. ગણેશ ઉત્સવ દરમિયાન કોઈ આકસ્મિક આગ કે નાસભાગ જેવી દુર્ઘટના ન સર્જાય તે માટે દરેક આયોજકે મંડપમાં પૂરતા પ્રમાણમાં માન્ય ફાયર એક્સટિંગ્વિશર રાખવા ફરજિયાત રહેશે. આ સાથે જ પંડાલની અંદર કોઈ પણ પ્રકારનું કાયમી કે ફિક્સ પાર્ટીશન કરવા પર સંપૂર્ણ મનાઈ ફરમાવવામાં આવી છે, જેથી કટોકટીના સમયે ભક્તો સરળતાથી બહાર નીકળી શકે. આ અંગે આયોજકોએ એફિડેવિટ કરીને ફરજિયાત આપવી પડશે.
શહેરમાં દરેક વિસ્તારમાં પંડાલો બનાવીને ગણેશોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. ગણેશોત્સવ દરમિયાન કોઈ આકસ્મિક દૂર્ઘટના ન સર્જાય તે માટે સાવચેતિના આગોતરા પગલાં લઈ શકાય તે માટે એએમસીના ફાયર વિભાગના અધિકારીઓ અને પોલીસના અધિકારીઓ વચ્ચે સંયુક્ત બેઠક મળી હતી. આ બેઠકમાં ચર્ચા બાદ ફાયર એન્ડ ઇમરજન્સી ટીમ દ્વારા ગણેશ પંડાલો માટે ફાયર સેફટીને લઈને ગાઇડલાઇન જાહેર કરવામાં આવી છે. ઉત્સવ દરમિયાન કોઈ આકસ્મિક આગ કે નાસભાગ જેવી દુર્ઘટના ન સર્જાય તે માટે દરેક આયોજકે મંડપમાં પૂરતા પ્રમાણમાં માન્ય ફાયર એક્સટિંગ્વિશર રાખવા ફરજિયાત રહેશે. આ સાથે જ પંડાલની અંદર કોઈ પણ પ્રકારનું કાયમી કે ફિક્સ પાર્ટીશન કરવા પર સંપૂર્ણ મનાઈ ફરમાવવામાં આવી છે.
ફાયર વિભાગ દ્વારા જારી કરાયેલા આદેશ મુજબ, કોઈપણ કટોકટીભરી પરિસ્થિતિમાં લોકો સહેલાઈથી અને સુરક્ષિત રીતે બહાર જઈ શકે તે માટે પંડાલના તમામ અવરજવરના માર્ગો પહોળા અને ખુલ્લા રાખવાના રહેશે. આ ઉપરાંત દરેક મંડપમાં ઓછામાં ઓછા બે ‘ઇમર્જન્સી એક્ઝિટ’ (ઈમરજન્સી બહાર નીકળવાના રસ્તા) રાખવા અનિવાર્ય રહેશે. સુરક્ષાના માપદંડ મુજબ આ બંને એક્ઝિટ ગેટ એકબીજાની સામસામે એટલે કે પરસ્પર વિરુદ્ધ દિશામાં હોવા જરૂરી છે, જેથી એક તરફ અવરોધ ઊભો થાય તો ભક્તો બીજી તરફથી સુરક્ષિત નીકળી શકે.
ફાયર વિભાગ ઉપરાંત આયોજકોએ સ્થાનિક પોલીસ મથક, ટ્રાફિક પોલીસ તેમજ મ્યુનિસિપલ કોર્પોરેશનના સંબંધિત વિભાગો દ્વારા આપવામાં આવતી તમામ સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરી અલગથી મંજૂરી અને NOC મેળવી લેવાની રહેશે. આયોજકોએ ₹300 ના સ્ટેમ્પ પેપર પર ફોટો સાથે નોટરી કરાવી નિયત ફોર્મેટમાં સેલ્ફ ડેક્લેરેશન (સ્વ-ઘોષણાપત્ર) ફાયર વિભાગ સમક્ષ રજૂ કરવું પડશે. આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જ ફાયર વિભાગ દ્વારા પંડાલને અલગથી ઓળખ/માન્યતા અપાશે. નિયમોનું ઉલ્લંઘન કરનારા પંડાલો સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે.


