Homeગુજરાતીગુજરાતભાવનગરના દરિયાકિનારે નિષ્કલંક મહાદેવ મંદિરે ભાદરવી અમાસનો લોકમેળો યોજાયો

ભાવનગરના દરિયાકિનારે નિષ્કલંક મહાદેવ મંદિરે ભાદરવી અમાસનો લોકમેળો યોજાયો

ભાવનગર, 12 સપ્ટેમ્બર, 2026 : Bhadarvi Amavasya folk fair held at Nishkalanka Mahadev Temple on the beach શહેર નજીક આવેલા  કોળિયાક ગામે સમુદ્રમાં બિરાજમાન પાંડવ કાલિન ઐતિહાસિક નિષ્કલંક મહાદેવના સાનિધ્યમાં છેલ્લા બે દિવસથી ચાલતા લોકભાતીગળ મેળાનું ભાદરવી અમાસના દિને સમાપન થયું છે. બે દિવસીય લોકમેળામાં ગામ-પરગામથી આવેલા હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓએ નિષ્કલંક મહાદેવના દર્શન કરી સમુદ્રમાં સ્નાન કરી ધન્યતા અનુભવી હતી. હજારો ભક્તો દરિયામાં ડૂબકી લગાવી નિષ્કલંક થયા ત્યારે નિષ્કલંક મહાદેવ મંદિરે કીડીયારું ઉભરાયું હોય તેવા દૃશ્યો જોવા મળ્યા હતા.

ભાવનગર નજીક આવેલા કોળિયાક ગામના દરિયા કિનારે દર વર્ષની જેમ આ વર્ષે પણ નિષ્કલંક મહાદેવના સાનિધ્યમાં બે દિવસીય લોકમેળો યોજાયો હતો. નિષ્કલંક મહાદેવજીનું મંદિર સમુદ્રમાં આવેલું ઐતિહાસિક છે, સમુદ્રના નીર મહાદેવજીને જળાભિષેક કરતા હોય છે. આધ્યાત્મિક આસ્થા ધરાવતા શિવભક્તો દૂરદૂરથી મહાદેવજીના દર્શન માટે ઉમટી પડયા હતાં અને સવારે નકળંગના દરિયે જાણે કિડીયારૂં ઉભરાયુ હોય એવું દૃશ્ય સર્જાયું હતું. વહેલી સવારે પાણી ઓસરવાના શરૂ થયા એ વખતે ઘોઘા બંદરેથી રાજવી પરિવારની ધજા હોડી મારફતે નિષ્કલંક મહાદેવના ઓટલે પહોંચી હતી. જેમાં રાજવી પરિવારના સભ્યોએ મહાદેવની પૂજા કરી પ્રથમ ધજા ચડાવી હતી. ત્યારબાદ પાણી હટતા પોલીસે દર્શન માટે શ્રદ્ધાળુઓને લીલીઝંડી આપતાં સેંકડો લોકોનો સમૂહ ઝડપભેર દર્શન કરવા આગળ વધ્યો હતો.

નિષ્કલંક મહાદેવના દર્શન માટે અને લોકમેળા માટે ઉમટેલા હજારો લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને 1 ASP, 8 PI, 14 PSI સાથે 1021 પોલીસ જવાનો, સાગર રક્ષક દળ (SRD), ગ્રામ રક્ષક દળ, હોમગાર્ડ્સ તેમજ તાલીમ બદ્ધ સ્વયંસેવકો ખડેપગે તહેનાત કરાયા હતા. મરીન પોલીસે પણ સમુદ્રમાં સ્પીડ બોટથી સતત પેટ્રોલિંગ કર્યુ હતું. સમગ્ર મેળા બંદોબસ્તનું સુપરવિઝન સી.સી.ટી.વી. અને ડ્રોનથી કરવામાં આવ્યું હતું.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular