રાજકોટ, 12 સપ્ટેમ્બર, 2026 : licenses of 48 drivers suspended for not paying fine despite 50 e-memos શહેરમાં ટ્રાફિકથી ભરચક હોય એવા ચાર રસ્તાઓ પર સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. અને ટ્રાફિકના નિયમોનો ભંગ કરનારા વાહનચાલકોને ઈ-મેમો આપવામાં આવી રહ્યા છે. શહેરમાં ઘણાબધા વાહનચાલકો ઈ-મેમો છતાં દંડ ભરતા નથી. અને વારંવાર ટ્રાફિકના નિયમોનો ભંગ કરી રહ્યા છે. આવા વાહનચાલકોને પાઠ ભણાવવા માટે ટ્રાફિક પોલીસે લાલઆંખ કરી છે. અને 50થી વધુ ઈ-મેમો મળ્યા હોવા છતાંયે દંડ ન ભર્યો હોય તેવા 48 વાહનચાલકોના લાયસન્સ રદ કરવાની આરટીઓને દરખાસ્ત કરતા આરટીઓએ 48 વાહનચાલકોના ડ્રાઈવિંગ લાયસન્સ સસ્પેન્ડ કર્યા છે. ઉપરાંત 250 વાહન ચાલકોના લાયસન્સ સસ્પેન્ડ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.
રાજકોટ આરટીઓ કચેરીના એઆરટીઓ આર.એમ. રાવલિયાના કહેવા મુજબ રાજકોટ સિટી ટ્રાફિક પોલીસ દ્વારા જેટલા-જેટલા વાહન ચાલકોને વારંવાર ગુનાઈત પ્રવૃત્તિ કરતા હોય મોટર વ્હિકલને લગતી અથવા તો વધુ મેમો આવેલા હોય એ તમામનું લિસ્ટ અમને સોંપેલું છે. લગભગ આવા 250 જેટલા નામો અમને સોંપ્યા છે. ટ્રાફિક પોલીસ દ્વારા આ તમામના લાયસન્સ સસ્પેન્ડ કરવા માટેનો પત્ર લખવામાં આવ્યો હતો. આ વાહનચાલકોના લાયસન્સ સસ્પેન્ડ કરવા માટેની પ્રક્રિયા ચાલુ છે. લાયસન્સ સસ્પેન્ડ કરવાની પ્રોસેસમાં સૌ પ્રથમ જે – તે વાહન ચાલકોને નોટિસ બજાવી અને એમને લેખિત અથવા તો મૌખિક ખુલાસા માટે રજૂઆતનો એક મોકો આપીએ છીએ. જે બાદ એ રજૂઆત માટે આવે છે. ત્યારબાદ અમારા દ્વારા લાયસન્સ સસ્પેન્ડ કરવાનો આખરી હુકમ કરવામાં આવે છે. હાલમાં જ્યારે લગભગ માર્ચ કે એપ્રિલ મહિનામાં અમને આ લિસ્ટ સોંપવામાં આવ્યું છે તો એ તમામને અમે નોટિસ બજાવી દીધી છે. બધા જ જેટલા લાયસન્સધારકો છે એમને નોટિસ જેવી રીતે મળે છે એ લોકો આવે છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, અત્યારસુધીમાં 48 લોકોના લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યું છે અને બાકીનાની પ્રોસેસ ચાલુ છે. લાયસન્સ અત્યારે 90 દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જેનું ખાસ કારણ એ છે કે આ તમામ લાયસન્સધારકો રીપીટેટીવ એટલે કે એકના એક ટાઈપના ગુનાઓ કરતા જોવા મળ્યા છે. જેમાં હેલ્મેટ ન પહેરવું, સીટ બેલ્ટ ન બાંધવો, રોંગ સાઈડમાં વાહન ચલાવવું, નો પાર્કિંગમાં ગાડી પાર્ક કરવી જેવા ટ્રાફિકના નિયમનો વારંવાર ભંગ કરતા લાયસન્સ ધારકોના લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવે છે.


