સુરત, 12 સપ્ટેમ્બર, 2026 : Evidence of arson found in Surat’s textile market શહેરમાં કડોદરા રોડ પર આવેલા સારોલી વિસ્તારમાં કૂંભારિયા ત્રણ રસ્તા પાસે શ્યામ સંગીની ટેક્ષટાઇલ માર્કેટમાં ગત બુધવારની મોડી રાત્રે લાગેલી ભીષણ આગ 38 કલાક બાદ કાબુમાં આવી હતી. વિકરાળ આગને લીધે બ્રિગેડ કોલ જાહેર કરાયો હતો. આ આગને લીધે વેપારીઓને કરોડો રૂપિયાનું નકસાન થયુ છે. માર્કેટમાં લાગેલી આગ આકસ્મિત નહીં પણ કોઈ વ્યક્તિએ લગાવી હોવાના સીસીટીવી કૂટેજ મળતા સારોલી પોલીસે ગુનો નોંધી અજાણ્યા આરોપીની ધરપકડ કરવા તપાસ હાથ ધરી છે. પોલીસે CCTV ફૂટેજની તપાસ કરતાં એક અજાણ્યો શખસ માર્કેટના છઠ્ઠા માળે પાર્સલ પર જ્વલનશીલ પ્રવાહી છાંટી આગ ચાંપતો હોવાના કૂટેજ મળ્યા છે.
આ બનાવ અંગે સારોલી પોલીસ સ્ટેશનના સૂત્રોના કહેવા મુજબ કૂંભારિયા ત્રણ રસ્તા પાસે શ્યામ સંગીની ટેક્ષટાઇલ માર્કેટમાં ગત બુધવારની મોડી રાત્રે વિકરાળ આગ લાગી હતી. ફાયરના જવાનોએ ભારે જહેમત ઊઠાવીને 38 કલાકે આગને કાબુમાં લીધી હતી. આગ લાગવાના કારણની તપાસ કરવા સીસીટીવી કૂટેજ જોતા આગ કોઈએ લગાવી હોવાનો પડદાફાશ થયો હતો. આગ લાગ્યા પહેલા રાત્રે 8:57 વાગ્યે ખભા પર બેગ લટકાવી અને મોઢા પર સફેદ રૂમાલ બાંધેલો એક અજાણ્યો શખસ માર્કેટમાં પ્રવેશ્યો હતો. ત્યારબાદ મધરાતે 12:20 વાગ્યે તે છઠ્ઠા માળના પેસેજમાં પહોંચ્યો હતો. જ્યાં તેણે પોતાની બેગમાંથી બોટલ જેવી વસ્તુ બહાર કાઢી પેસેજમાં પડેલા કાપડના પાર્સલો પર કોઈ જ્વલનશીલ પ્રવાહી છાંટ્યું હતું અને આગ લગાવી દીધી હતી. જોતજોતામાં જ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા 4 મિનિટમાં એટલે કે 12:24 વાગ્યે તે ત્યાંથી રફુચક્કર થઈ ગયો હતો.
ઘટનાસ્થળે પહોંચેલા ASI અજીતભાઇ ઠાકોરભાઇની ફરિયાદના આધારે સારોલી પોલીસ મથકે અજાણ્યા શખસ સામે BNSની કલમ 326(જી) (આગ કે વિસ્ફોટક પદાર્થ વડે નુકસાન કરવું) અને કલમ 54 મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. આરોપી ક્યાંથી આવ્યો હતો અને તેની પાછળ કોઈ અંગત અદાવત કે ષડયંત્ર છે કે કેમ તે દિશામાં PSI યુ.બી.મેંદપરા તપાસ ચલાવી રહ્યા છે.પોલીસ દ્વારા આ ગુનાનો ભેદ ઉકેલવા ટેકનિકલ સર્વેલન્સની મદદ લેવામાં આવી રહી છે. ઘટનાસ્થળ નજીક રહેલા લોકોની માહિતી મેળવવા પોલીસ મોબાઈલ ટાવર ડમ્પ ડેટા મેળવી રહી છે. આ ઉપરાંત, માર્કેટના સિક્યોરિટી ગેટ પર રજિસ્ટરમાં નોંધાયેલી એન્ટ્રીઓ તપાસીને આગ લાગી તે સમયે કેટલા લોકો અંદર હાજર હતા તેની કડી મેળવવામાં આવી રહી છે.


