Homeગુજરાતીગુજરાતબાપુનગરની ESIC હોસ્પિટલમાં કોન્ટ્રાક્ટથી નોકરીના નામે લાંચનું કૌભાંડ, 4ની ધરપકડ

બાપુનગરની ESIC હોસ્પિટલમાં કોન્ટ્રાક્ટથી નોકરીના નામે લાંચનું કૌભાંડ, 4ની ધરપકડ

અમદાવાદ, 12 સપ્ટેમ્બર, 2026 : Bribery scam in the name of contract job at ESIC Hospital શહેરના બાપુનગરમાં આવેલી  ESICની  જનરલ હોસ્પિટલમાં કરાર આધારિત નોકરી અપાવવાના બહાને એજન્સી દ્વારા ઉમેદવારો પાસેથી રૂ. 30 હજારથી લઈને રૂ. 1.50 લાખ સુધીની લાંચ લેવામાં આવતી હોવાની ફરિયાદ ઊઠતા લાંચ રૂશ્વત વિરોધી શાખા (ACB)એ છટકું ગોઠવીને શહેરના વટવા જીઆઈડીસીમાં સિક્યોરિટી એજન્સીની ઓફિસમાંથી રૂપિયા 95 હજારની લાંચ લેતા બે ઓપરેશન મેનેજર સહિત કુલ 4 આરોપીને રંગેહાથ ઝડપી લીધા હતા.

લાંચ રૂશ્વત વિરોધી શાખાના સૂત્રોએ જણાવ્યું હતું કે, શહેરના બાપુનગર ખાતે કામદારો માટે ESIC જનરલ હોસ્પિટલમાં એક્સ-રે ટેકનિશિયન, ઈસીજી ટેકનિશિયન, નર્સિંગ આસિસ્ટન્ટ, હેડ નર્સ અને હાઉસકીપર જેવી પેરામેડિકલ સ્ટાફની લગભગ 70 જેટલી જગ્યાઓ માટે દિલ્હીની સિક્યોરશીલ્ડ સિક્યુરિટી સર્વિસીસ પ્રાઇવેટ લિમિટેડ એજન્સીને આઉટસોર્સિંગનો કોન્ટ્રાક્ટ મળેલો હતો. જૂના કર્મચારીઓની મુદત પૂરી થતાં એજન્સીએ ફરીથી 11 મહિનાના કરાર પર નોકરીએ રાખવા માટે બધા કર્મચારીઓ પાસે રૂપિયાની માંગણી કરી હતી.

 ACBના ટોલફ્રી નંબર 1064 પર કેટલાક ઉમેદવારોએ ફરિયાદ કરી હતી કે, કોન્ટ્રાકટ પર નોકરી આપવા માટે એજન્સી દ્વારા રૂપિયા 30 હજારથી લઈને રૂપિયા દોઢ લાખની માગણી કરવામાં આવી રહી છે. આથી એસીબીએ લાંચનું છટકું ગોઠવીને ચાર આરોપીને લાંચ લેતા રંગેહાથ ઝડપી લીધા હતા. તપાસ દરમિયાન મૂળ ઉત્તર પ્રદેશના બે મુખ્ય આરોપીઓ પ્રમોદ શંકર બંસીધર પાંડે અને પંકજ રામકુમાર મિશ્રા ઓફિસની અંદર ઉમેદવારો પાસે ફોર્મ ભરાવીને પૈસા એકત્ર કરતા હતા. જ્યારે અમદાવાદનો રાજીવ કાલિકા પ્રસાદ શુક્લા અને સાબરકાંઠાનો જયેશ ધીરુભાઈ ચૌધરી નામના 2 શખસો બહાર ચોકી કરતા હતા. જેમાં બને શખસો ઉમેદવારો પાસે મોબાઈલ કે રેકોર્ડર નથી તે ચેક કરીને અંદર મોકલતા હતા. ઉમેદવારો પાસેથી બે પગાર જેટલી લાંચ માંગવામાં આવતી હતી, જેમાં 42,000 રૂપિયાનો પગાર ધરાવતા ઈસીજી ટેકનિશિયન પાસે 95,000 રૂપિયા, તથા અન્ય લોકો પાસે 38,000 કે 50,000 રૂપિયા લાંચ પેટે લેવાતા હતા. એજન્સીએ પહેલેથી જ ઇંગ્લિશમાં ટાઇપ કરેલા ડિક્લેરેશન ફોર્મ પર ઉમેદવારોની સહી લઈ લીધી હતી, જેમાં લખ્યું હતું કે એમની પાસે કોઈ પૈસા માંગવામાં આવ્યા નથી, જેથી પુરાવો છુપાવી શકાય. એસીબીએ આરોપીઓને રિમાન્ડ પર લેવાની તજવીજ હાથ ધરી છે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular