Homerevoinewsઅમદાવાદના ‘Mission Million Trees’ અભિયાનને મળ્યો આંતરરાષ્ટ્રીય ગ્રીન સિટી એવોર્ડ

અમદાવાદના ‘Mission Million Trees’ અભિયાનને મળ્યો આંતરરાષ્ટ્રીય ગ્રીન સિટી એવોર્ડ

  • AIPH World Green City Awards 2026માં ‘Living Green for Climate Change’ કેટેગરીમાં વિજેતા”

અમદાવાદ, 16 સપ્ટેમ્બર 2026: અમદાવાદ શહેરને આંતરરાષ્ટ્રીય સ્તરે વધુ એક મહત્વપૂર્ણ સિદ્ધિ પ્રાપ્ત થઈ છે. ઇન્ટરનેશનલ એસોસિએશન ઓફ હોર્ટીકલ્ચરલ પ્રોડ્યુસર્સ (AIPH) દ્વારા ઇટાલીના બારી શહેર ખાતે જાહેર કરાયેલા AIPH World Green City Awards 2026માં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની મહત્ત્વાકાંક્ષી ‘Mission Million Trees – Planting 14 Million Trees in Ahmedabad’ પહેલને ‘Living Green for Climate Change’ કેટેગરીમાં વિજેતા જાહેર કરવામાં આવી છે. અમદાવાદને આ સન્માન શહેરમાં આબોહવા પરિવર્તન સામે લડત, હરિયાળી વિસ્તારના વિસ્તરણ, જૈવ વૈવિધ્યના સંવર્ધન અને નાગરિક સહભાગિતાના અનોખા મોડલ બદલ પ્રાપ્ત થયું છે.

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી અને કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહના નેતૃત્વમાં તેમજ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં અને અમદાવાદના મેયરશ્રી હિતેશભાઈ બારોટ, ડેપ્યુટી મેયર શ્રીમતી અંજુબેન શાહ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી કમલેશભાઈ પટેલ, શાસક પક્ષના નેતા શ્રી જશુભાઈ ઠાકોર, દંડક શ્રી અતુલ મિશ્રા તથા મ્યુનિસિપલ કમિશનર શ્રી બંછાનિધિ પાનીના આગેવાનીમાં આ અભિયાનને ઐતિહાસિક સફળતા પ્રાપ્ત થઈ છે. એટલું જ નહીં ‘મિશન ફાઈવ મિલિયન ટ્રી’ અંતર્ગત 50 લાખ વૃક્ષારોપણનો ઐતિહાસિક લક્ષ્યાંક પણ ટૂંક સમયમાં પૂર્ણ કરવામાં આવશે.

Ahmedabad’s ‘Mission Million Trees’ campaign wins International Green City Award
Ahmedabad’s ‘Mission Million Trees’ campaign wins International Green City Award

AIPH દ્વારા અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરને મોકલાયેલા સત્તાવાર અભિનંદન સંદેશમાં જણાવાયું છે કે અમદાવાદને “Living Green for Climate Change Award” માટે કેટેગરી વિજેતા તરીકે પસંદ કરવામાં આવ્યું છે.

વર્ષ 2019માં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શરૂ કરાયેલ ‘Mission Million Trees’ આજે ભારતના સૌથી મોટા અને સતત અમલમાં રહેલા શહેરી વૃક્ષારોપણ અભિયાનોમાં સ્થાન પામ્યું છે. કાર્યક્રમ અંતર્ગત અત્યાર સુધીમાં શહેરભરમાં 1 કરોડ 43 લાખથી વધુ (14.3 મિલિયનથી વધુ) વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે. આ અભિયાન દ્વારા 4 લાખ ચોરસ મીટરથી વધુ બિનઉપયોગી અને ઉજ્જડ જમીનને બાયોડાયવર્સિટી પાર્ક, અર્બન ફોરેસ્ટ અને અન્ય હરિયાળા વિસ્તારોમાં રૂપાંતરિત કરવામાં આવી છે. શહેરમાં 184 જેટલી સ્થાનિક (નેટિવ) પ્રજાતિઓના વૃક્ષો અને વનસ્પતિનું સંવર્ધન કરવામાં આવ્યું છે, જેના કારણે જૈવ વૈવિધ્યમાં નોંધપાત્ર વધારો થયો છે.

AIPHના મુજબ, આ પહેલ માત્ર વૃક્ષારોપણ પૂરતી મર્યાદિત નથી, પરંતુ તેમાં ડેટા આધારિત મોનિટરિંગ, જનસહભાગિતા અને સંસાધનોના કાર્યક્ષમ ઉપયોગનો પણ સમાવેશ થાય છે. શુદ્ધ કરાયેલા ગંદાપાણીનો ઉપયોગ કરીને ડ્રિપ સિંચાઈ પદ્ધતિ અપનાવવામાં આવી છે, જ્યારે જિયો-ટેગિંગ, ડિજિટલ ડેશબોર્ડ, LiDAR અને RGB સેન્સર જેવી આધુનિક ટેકનોલોજી દ્વારા વૃક્ષોના વિકાસ અને જાળવણીનું સતત નિરીક્ષણ કરવામાં આવે છે. શહેરના તમામ ઝોનમાં અલગ મોનિટરિંગ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે અને વૃક્ષોનો વધુમાં વધુ સર્વાઇવલ રેટ જાળવાઈ રહે તેવા તમામ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.

આ પહેલના પરિણામે શહેરના પર્યાવરણ પર પણ સ્પષ્ટ અને માપી શકાય તેવી સકારાત્મક અસર જોવા મળી છે. ઘન વૃક્ષારોપણ વિસ્તારોમાં સ્થાનિક સ્તરે 2 થી 2.5 ડિગ્રી સેલ્સિયસ સુધી તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. વર્ષ 2020થી 2024 દરમિયાન શહેરમાં અનહેલ્ધી એર ક્વોલિટી ઇન્ડેક્સ (AQI) દિવસોમાં 43 ટકા ઘટાડો નોંધાયો છે. તે જ સમયગાળા દરમિયાન પ્રતિ વ્યક્તિ હરિયાળો વિસ્તાર 8.4 ચોરસ મીટર સુધી પહોંચ્યો છે, જે શહેરના ગ્રીન કવર વધારાની દિશામાં મહત્વપૂર્ણ સિદ્ધિ માનવામાં આવે છે.

AIPHના આંતરરાષ્ટ્રીય જ્યુરીએ અમદાવાદની પહેલને બિરદાવતાં જણાવ્યું હતું કે, “અમદાવાદે વિશાળ સ્તરે શહેરી વૃક્ષારોપણ, જમીન પુનઃસ્થાપન, અદ્યતન મોનિટરિંગ ટેક્નોલોજી, પરિપત્ર સંસાધન વ્યવસ્થા અને વ્યાપક નાગરિક સહભાગિતાના સમન્વય દ્વારા ઝડપી વિકસતા મહાનગરમાં આબોહવા સ્થિતિસ્થાપકતા અને જૈવ વૈવિધ્યના માપી શકાય તેવા લાભો સર્જ્યા છે.”

AIPH World Green City Awards વિશ્વભરના એવા શહેરોને સન્માનિત કરે છે, જે શહેરી વિકાસમાં હરિયાળી, વનસ્પતિ અને કુદરતી આધારિત ઉકેલોને કેન્દ્રસ્થાને રાખીને આબોહવા પરિવર્તન, આરોગ્ય, જળ વ્યવસ્થાપન, જૈવ વૈવિધ્ય અને જીવન ગુણવત્તા જેવા પડકારોનો સામનો કરી રહ્યા છે. વર્ષ 2026ની સ્પર્ધામાં વિશ્વભરના 21 ફાઇનલિસ્ટ શહેરોમાંથી વિવિધ કેટેગરીના વિજેતાઓની પસંદગી કરવામાં આવી હતી, જેમાં અમદાવાદે ‘Living Green for Climate Change’ કેટેગરીમાં વિજેતા બનીને ભારત અને ગુજરાતનું ગૌરવ વધાર્યું છે.

અમદાવાદને મળેલું આ આંતરરાષ્ટ્રીય સન્માન શહેરના પર્યાવરણલક્ષી વિકાસ, આબોહવા પરિવર્તન સામેની પ્રતિબદ્ધતા અને લાખો નાગરિકોની સહભાગિતાથી સફળ બનેલા ‘Mission Million Trees’ અભિયાનની વૈશ્વિક સ્તરે થયેલી નોંધપાત્ર માન્યતા તરીકે જોવામાં આવી રહ્યું છે.

ઇન્ટરનેશનલ એસોસિએશન ઓફ હોર્ટીકલ્ચરલ પ્રોડ્યુસર્સ (AIPH)ની સ્થાપના વર્ષ 1948માં સ્વિટ્ઝર્લેન્ડના ઝ્યુરિચ ખાતે યુરોપના વિવિધ હોર્ટીકલ્ચર ઉત્પાદક સંગઠનો દ્વારા કરવામાં આવી હતી. હાલમાં યુકેના ઓક્સફોર્ડશાયર ખાતે મુખ્ય મથક ધરાવતી AIPH વિશ્વભરના હોર્ટીકલ્ચર ક્ષેત્રના ઉત્પાદકો અને સંગઠનોનું આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિત્વ કરતી સંસ્થા છે. વિશ્વભરમાં ફૂલ, છોડ અને વૃક્ષોના ઉત્પાદન તથા હરિયાળી વિકાસને પ્રોત્સાહન આપવાની સાથે AIPH આંતરરાષ્ટ્રીય હોર્ટીકલ્ચર પ્રદર્શનોને મંજૂરી અને માર્ગદર્શન આપતી મુખ્ય સંસ્થા તરીકે પણ કાર્ય કરે છે. શહેરી જીવનમાં હરિયાળી અને કુદરતના મહત્વને પ્રોત્સાહન આપવા તેમજ છોડ અને કુદરતી આધારિત ઉકેલો દ્વારા શહેરોના પર્યાવરણ અને જીવન ગુણવત્તામાં સુધારો લાવવાના ક્ષેત્રે AIPH વૈશ્વિક સ્તરે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular