Site icon Revoi.in

ગાંધીનગર નજીક નર્મદા કેનાલમાં ડૂબલા લોકોને શોધવા હવે વોટર રોબટ કામ કરશે

Social Share

ગાંધીનગર, 11 મે 2026Water robot will now work to search for people drowned પાટનગર ગાંધીનગર નજીકથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલમાં ડુબી જવાના બનાવો વધી રહ્યા છે. આવા બનાવોમાં ગાંધીનગર ફાયરબ્રિગેડને ડૂબી ગયેલા વ્યક્તિઓને શોધવા ખૂબ જહેમત ઊઠાવવી પડે છે. ત્યારે હવે મ્યુનિ.કોર્પોરેશન દ્વારા ફાયર બ્રિગેડને વોટર રોબટ અપાશે. આ વોટર રોબર્ટ કેનાલના તળિયે જઈને ડૂબેલા વ્યક્તિઓની શોધખોળ કરશે. કેનાલો અને નદીઓમાં ડૂબી જવાની ઘટનાઓ સમયે મૃતદેહ કે વ્યક્તિને શોધવા માટે હવે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ થશે. મ્યુનિએ અન્ડર વોટર રોબોટ (ROV) ખરીદવા માટે ટેન્ડર બહાર પાડ્યું છે. આ મશીન 200 મીટરની ઊંડાઈ સુધી જઈને કામ કરી શકશે, જેનાથી ફાયર બ્રિગેડની કામગીરી ઝડપી બનશે.

ગાંધીનગર જિલ્લામાં નર્મદાની મુખ્ય નહેર અને સાબરમતી નદી આવેલી છે. આ પાણીના સ્ત્રોતોમાં લોકોના ડૂબવાની અથવા આપઘાત કરવાની ઘટનાઓ વારંવાર બનતી હોય છે. ગણેશ વિસર્જન દરમિયાન અથવા અન્ય દિવસોમાં પણ સંત સરોવર અને નદીઓમાં લોકો પાણીમાં ગરકાવ થઈ જાય છે. આવી સ્થિતિમાં ગાંધીનગર ફાયર બ્રિગેડ પાસે આખું વર્ષ બચાવ કામગીરી માટેના અનેક ફોન આવતા હોય છે. કોઈ વ્યક્તિ પાણીમાં ડૂબે ત્યારે ફાયર વિભાગના તરવૈયાઓ પોતે નદી કે કેનાલમાં ઉતરીને તપાસ કરે છે. ઘણી વખત આ શોધખોળ બે દિવસ સુધી સતત ચલાવવી પડે છે. આ કામને વધુ ઝડપી બનાવવા માટે ગાંધીનગર મ્યુનિ.કોર્પોરેશને હવે વિજ્ઞાન અને ટેકનોલોજીની મદદ લેવાનું નક્કી કર્યું છે. જેના માટે ખાસ પ્રકારના અન્ડર વોટર રોબોટ ખરીદવામાં આવશે.

આ રોબોટના આગમન માટે હાલમાં ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આ મશીનને પાણીની અંદર રિમોટથી ચલાવી શકાશે. વોટર રોબોટ પાણીના તળિયે જઈને ત્યાંની સ્થિતિ જોઈ શકશે અને વ્યક્તિ કે મૃતદેહ કઈ જગ્યાએ છે તેનું ચોક્કસ સ્થાન જણાવશે. આ સાધન મળવાથી ફાયર બ્રિગેડના કર્મચારીઓને સીધું લોકેશન મળશે અને તેમની મહેનત ઘટશે. આ ઉપકરણની ક્ષમતાની વાત કરીએ તો, તે પાણીમાં 200 મીટરની ઉંડાઈ સુધી જઈને સર્ચ ઓપરેશન કરી શકે છે. રોબટમાં  અંધારામાં જોવા માટે એલઈડી લાઈટ અને વસ્તુઓને ઓળખવા માટે સેન્સર લગાવવામાં આવ્યા છે. આ ટેકનોલોજીનો મુખ્ય હેતુ એ છે કે જો કોઈ વ્યક્તિ પાણીમાં પડે તો તેને શરૂઆતના સમયમાં જ શોધીને તેનો જીવ બચાવી શકાય.

Exit mobile version