1. Home
  2. ગુજરાતી
  3. જરૂર પડશે તો ઇરાન પર ત્રીજો હુમલો કરીશું, ટ્રમ્પની ચેતવણી છતાં નેતન્યાહુ આક્રમક વલણ
જરૂર પડશે તો ઇરાન પર ત્રીજો હુમલો કરીશું, ટ્રમ્પની ચેતવણી છતાં નેતન્યાહુ આક્રમક વલણ

જરૂર પડશે તો ઇરાન પર ત્રીજો હુમલો કરીશું, ટ્રમ્પની ચેતવણી છતાં નેતન્યાહુ આક્રમક વલણ

0
Social Share

તેલ અવીવ, 1 જુલાઈ 2026: ઇરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલી રાજદ્વારી વાટાઘાટોની વચ્ચે ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ એક મોટું અને વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે ખુલ્લી ચેતવણી આપતા જણાવ્યું છે કે જો જરૂર પડશે તો ઇઝરાયેલ ઇરાન પર ફરીથી (ત્રીજી વાર) લશ્કરી હુમલો કરી શકે છે. નેતન્યાહુનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ તેમને આવા ઉશ્કેરણીજનક નિવેદનો આપવાથી અને લેબનાન પર હુમલા રોકવા માટે સતત દબાણ કરી રહ્યા છે.

તુર્કીની ન્યૂઝ એજન્સી ‘અનાદોલુ’ ના અહેવાલ અનુસાર, નેતન્યાહુએ ઇરાન પર અગાઉ કરવામાં આવેલા હુમલાઓનો બચાવ કરતા દાવો કર્યો હતો કે આ કાર્યવાહી ઇઝરાયેલને પરમાણુ વિનાશથી બચાવવા માટે જરૂરી હતી. તેમણે જાહેરાત કરી કે ઇરાનને પરમાણુ હથિયારો મેળવતા રોકવા માટે ઇઝરાયેલ વૈશ્વિક દબાણથી મુક્ત રહીને સ્વતંત્ર રીતે પગલાં લેશે. જો ઇઝરાયેલની સુરક્ષા માંગણીઓ પૂરી કરવામાં નહીં આવે, તો ઇરાન વિરુદ્ધ વધુ એક મોટું સૈન્ય અભિયાન શરૂ કરવામાં આવી શકે છે.

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે નેતન્યાહુને સંયમ રાખવા વિનંતી કરી છે અને મિડલ ઈસ્ટમાં નવેસરથી તણાવ વધારવા સામે કડક શબ્દોમાં ચેતવણી આપી છે. મીડિયા રિપોર્ટ અનુસાર, ટ્રમ્પે જણાવ્યું હતું કે મોટા પાયે કરવામાં આવતા હુમલા ઇઝરાયેલને રાજદ્વારી રીતે દુનિયાથી અલગ-અલગ કરી શકે છે અને હાલમાં ચાલી રહેલી શાંતિ વાટાઘાટોને નબળી પાડી શકે છે. ટ્રમ્પે પોતાના નિવેદનમાં કહ્યું, “મેં નેતન્યાહુને સ્પષ્ટ કહી દીધું છે કે, બિબી (નેતન્યાહુનું હુલામણું નામ), તું સાવધ રહેજે, નહીંતર બહુ જલ્દી તું દુનિયામાં એકલો પડી જઈશ.” જો કે, ઇઝરાયેલે વારંવાર સંકેત આપ્યા છે કે તે એવા કોઈ પણ આંતરરાષ્ટ્રીય કરારથી બંધાયેલું નથી જે ઇરાનની પરમાણુ ક્ષમતાઓને યથાવત રાખતું હોય.

  • ઇરાનનો અમેરિકા-ઇઝરાયેલને જડબાતોડ જવાબ: “અમે યુદ્ધ માટે પણ તૈયાર છીએ”

બીજી તરફ, ઇરાને પણ મંગળવારે અમેરિકા અને ઇઝરાયેલને સ્પષ્ટ શબ્દોમાં જવાબ આપ્યો છે. તેહરાને જણાવ્યું કે જો અમેરિકા સાથેની વાતચીત નિષ્ફળ જશે તો તે યુદ્ધ કરવા માટે સંપૂર્ણપણે સજ્જ છે. ઇરાનના મતે, વાતચીત તેની પ્રથમ પસંદગી છે અને તેથી જ બંને દેશો સહમતિ પત્રને આગળ ધપાવવા માટે બેઠકો કરી રહ્યા છે.

ઇરાનની સરકારી ટીવીને આપેલા ઇન્ટરવ્યુમાં ઇરાની સંસદના સ્પીકર મોહમ્મદ બાગેર ગાલિબાફે જણાવ્યું કે, “અમે શાંતિપૂર્ણ વાતચીત માટે પ્રયત્નશીલ છીએ, પરંતુ જો વાટાઘાટો સફળ નહીં થાય તો અમે યુદ્ધ માટે પણ તૈયાર છીએ અને તે જ શૈલીમાં ઈંટનો જવાબ પથ્થરથી આપીશું.”

ગાલિબાફે ઇરાનના પરમાણુ કાર્યક્રમ અંગે દેશના વલણને દોહરાવતા કહ્યું કે, “ઇસ્લામિક રિપબ્લિક ઓફ ઇરાન પરમાણુ અપ્રસાર સંધિનું સભ્ય છે અને આંતરરાષ્ટ્રીય પરમાણુ ઉર્જા એજન્સીની દેખરેખ હેઠળ કામ કરે છે. ઇરાન ન્યુક્લિયર ઇનરિચમેન્ટ (પરમાણુ સંવર્ધન) ને પોતાનો સાર્વભૌમ અધિકાર માને છે અને અમે તમામ આંતરરાષ્ટ્રીય નિયમોનું પાલન કરી રહ્યા છીએ.”

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code