અમદાવાદ, 31 મે, 2026 : Weather changes in Gujarat રાજ્યના કેટલાક વિસ્તારોમાં ગઈ મધરાત બાદ વાતાવરણમાં પલટો આવતા વરસાદી માહોલ સર્જાયો હતો. મહીસાગર, સાબરકાંઠા, અરવલ્લી, અમરેલી, ગીર સોમનાથ અને અમદાવાદ સહિતના જિલ્લાઓના 45 તાલુકામાં ઝાપટાથી લઈને એક ઈંચથી વધુ વરસાદ પડ્યાના વાવડ મળ્યા છે. જ્યારે આજે રવિવારે સવારે વલસાડ અને જુનાગઢ અને વંથલીમાં વરસાદના ભારે ઝાપટાં પડ્યા હતા.
સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરે છેલ્લા 24 કલાકના સત્તાવાર આંકડા સામે આવ્યા છે. રાજ્યના અલગ-અલગ જિલ્લાના કુલ 45 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. મહીસાગરનું વીરપુર 29 મીમી તેમજ અરવલ્લીના મોડાસામાં 25mm વરસાદ પડ્યો હતો.
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થવાના કારણે રાજ્યમાં આ પ્રી-મોન્સૂન સિસ્ટમ ઊભી થઈ છે. છેલ્લા કેટલાક સમયથી અસહ્ય ઉકળાટ અને કાળઝાળ ગરમીથી ત્રાહિમામ પોકારી ગયેલી જનતાને તાપમાનમાં 3થી 5 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો નોંધાતા મોટી રાહત મળી છે, પરંતુ તોફાની પવનના કારણે અનેક શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં વીજ પુરવઠો સંપૂર્ણપણે ખોરવાઈ જતાં અંધારપટ છવાયો હતો. સુરતમાં વાતાવરણમાં પલટો આવ્યો હતો વરસાદને કારણે રોડ પર પાણી વહેતાં થયા હતાં. ઘણા સમયથી થતી અસહ્ય ગરમી અને અકળામણથી લોકોને રાહત મળી છે.
મહીસાગર જિલ્લાના મુખ્ય મથક લુણાવાડા શહેર ઉપરાંત ખાનપુર, સંતરામપુર, ગોધર અને કડાણા સહિતના તમામ તાલુકા વિસ્તારોમાં મધરાત બાદ તોફાની વરસાદ વરસ્યો હતો. ભારે પવનના કારણે કડાણાથી લીંબોડા ગામ વચ્ચેના માર્ગ પર એક વિશાળ ઝાડ રસ્તાની વચ્ચોવચ ધરાશાયી થતાં વાહન વ્યવહાર સંપૂર્ણપણે અટકી પડ્યો હતો. બીજી તરફ, મલેકપુર-કડાણા હાઈવે માર્ગ પર પણ એક વિશાળ વૃક્ષ ધરાશાયી થઈ ગયું હતું. આ ઘટનાની જાણ થતાં જ મહીસાગર પોલીસની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) ની ટીમ તુરંત એક્શનમાં આવી હતી. SOG પીઆઈ વી.ડી. ધોરડા અને તેમના સ્ટાફે જેસીબીની રાહ જોયા વિના, જાતે જ ભારે જહેમત ઉઠાવીને રસ્તા પરથી વૃક્ષના તૂટેલા ભાગોને હટાવ્યા હતા. પોલીસની આ ઝડપી અને પ્રશંસનીય કામગીરીને કારણે હાઇવે પર વાહન વ્યવહાર ટૂંક સમયમાં ફરી કાર્યરત થઈ શક્યો હતો, જેને સ્થાનિકોએ ભારે બિરદાવી હતી.

