1. Home
  2. ગુજરાતી
  3. ઘૂસણખોરો દેશના વડાપ્રધાન નક્કી કરશે?: અમિત શાહના લોકસભામાં વિપક્ષ પર આકરા પ્રહાર
ઘૂસણખોરો દેશના વડાપ્રધાન નક્કી કરશે?: અમિત શાહના લોકસભામાં વિપક્ષ પર આકરા પ્રહાર

ઘૂસણખોરો દેશના વડાપ્રધાન નક્કી કરશે?: અમિત શાહના લોકસભામાં વિપક્ષ પર આકરા પ્રહાર

0
Social Share

નવી દિલ્હી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે લોકસભામાં ચૂંટણી સુધારણા પરની ચર્ચા દરમિયાન વિપક્ષના આક્ષેપો પર આકરો પલટવાર કર્યો હતો. તેમણે કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા અને સ્પષ્ટ કહ્યું હતું કે જે વિદેશીઓ હોય તેમને શોધી-શોધીને ડીલીટ કરવા એ જ સ્પેશિયલ સમરી રિવિઝન (SIR) છે, અને દેશના વડાપ્રધાન કોણ હશે તે ઘૂસણખોરો નક્કી કરે તે ચલાવી લેવાશે નહીં. અમિત શાહે જણાવ્યું હતું કે, “ચૂંટણી પંચની રચના દેશના બંધારણના અનુચ્છેદ-324 હેઠળ થઈ છે અને તે એક બંધારણીય સંસ્થા છે, જેનું કાર્ય નિષ્પક્ષ ચૂંટણી કરાવવાનું અને મતદાર યાદી સુધારવાનું છે.”

વિપક્ષના આક્ષેપોનો જવાબ આપતા તેમણે કહ્યું કે, “બંધારણના અનુચ્છેદ-326માં મતદાર હોવાની શરતો નક્કી કરવામાં આવી છે, જેની સૌથી પહેલી શરત એ છે કે મતદાર ભારતનો નાગરિક હોવો જોઈએ, વિદેશી નહીં. વિપક્ષ કહી રહ્યો છે કે ચૂંટણી પંચ SIR શા માટે કરી રહ્યું છે? અરે! ચૂંટણી પંચની એ ફરજ છે, તેથી કરી રહ્યું છે. SIR લોકશાહીને સ્વસ્થ રાખવાની પ્રક્રિયા છે.” ઇતિહાસનો હવાલો આપતા શાહે કહ્યું, “આજકાલ એક ફેશન થઈ ગઈ છે, જ્યારે અમે ઇતિહાસ જણાવીએ છીએ તો તેઓ નારાજ થઈ જાય છે.” તેમણે આંકડા ગણાવતા કહ્યું: પંડિત નહેરુના શાસનમાં કુલ 3 વખત SIR થયું હતું. જ્યારે કોંગ્રેસના શાસનમાં 11 વખત SIR પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી.

ગૃહમંત્રીએ કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે, “ચૂંટણી પંચ એક સ્વતંત્ર સંસ્થા છે. SIR પર વિપક્ષ સતત જૂઠ ફેલાવી રહ્યું છે. જ્યારે નિયમો બન્યા હતા ત્યારે ભાજપની સરકાર નહોતી. જે લોકો મૃત્યુ પામ્યા છે, શું તેમનું નામ વોટ લિસ્ટમાં હોવું જોઈએ? SIR મતદાર યાદીનું શુદ્ધિકરણ છે. હું વિપક્ષનું દર્દ સમજી શકું છું કે તેમને દેશના મતદારો વોટ આપતા નથી, પરંતુ વિદેશીઓ આપે છે જેમને SIR દ્વારા બહાર કરવામાં આવી રહ્યા છે.”

અમિત શાહે રાહુલ ગાંધીની 5 નવેમ્બરની પ્રેસ કોન્ફરન્સનો ઉલ્લેખ કર્યો, જેમાં તેમણે ‘પરમાણુ બોમ્બ ફોડતા’ કહ્યું હતું કે હરિયાણામાં એક જ ઘરમાં 500 વોટ પડ્યા છે. શાહે કહ્યું કે, ચૂંટણી પંચે સ્પષ્ટતા કરી છે કે આ એક એકરના પૈતૃક પ્લોટમાં રહેતા લોકોનો મામલો છે, અને તે કોઈ નકલી મામલો નથી. કોંગ્રેસ પરના હુમલા વચ્ચે રાહુલ ગાંધીએ પડકાર ફેંક્યો કે તેઓ આ મુદ્દે ચર્ચા (ડિબેટ) કરવા તૈયાર છે. આના જવાબમાં શાહે આકરુ વલણ દર્શાવીને કહ્યું કે, “તમારી મુનસફગીરીથી ગૃહ નહીં ચાલે, મારા ભાષણનો ક્રમ હું નક્કી કરીશ.”

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code