Site icon Revoi.in

અમદાવાદમાં બે જ્વેલર્સની શોપમાં સોનાની બંગડીઓ ચોરી નાસી ગયેલી મહિલા પકડાઈ

Social Share

અમદાવાદ, 17 મે 2026: Woman arrested for stealing gold bangles  શહેરના માણેકચોક અને ગીતામંદિરના જ્વેલર્સની શોપમાં સોનાની પાંચ બંગડીઓ નજર ચુકવીને ચોરી કરીને પલાયન થયેલી મહિલાને ખાડિયા પોલીસે ઝડપી લીધી છે. આરોપી મહિલા પેન્ટ અને ટી શર્ટ પહેરીને બની ઠનીને દુકાનમાં ગ્રાહક બનીને ગઈ હતી ત્યારબાદ બંગડીઓ બતાવવાનું કહી અને નજર ચૂકવીને બંને જવેલર્સમાંથી ચોરી કરીને નાસી ગઈ હતી. પોલીસની પૂછતાછમાં એવી હકિકત મળી છે કે, આરોપી મહિલા મુળ પોરબંદરની છે. આરોપી મહિલાના પુત્રની સ્કૂલની ફી બાકી હતી. જેના કારણે આર્થિક મુશ્કેલી હોવાથી સોનાની બંગડીઓની ચોરી કરી હતી.

આ બનાવની વિગત એવી હતી કે, શહેરના  માણેકચોકમાં માયશા નામના જ્વેલર્સમાં મહિલા નજર ચુકવીને ચાર જોડી સોનાની બંગડીઓ ચોરી કરી ફરાર થઈ ગઈ હતી. જ્યારે ગીતામંદિર પાસે કલ્યાણી ગોલ્ડ જ્વેલર્સમાં બંગડી તમે ઓછા વજનમાં ઓછી કિંમતમાં બતાવો એમ કહીને નજર ચૂકવીને સોનાની એક જોડી બંગડી ચોરી કરી ફરાર થઈ ગઈ હતી. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ કરી મૂળ પોરબંદરની રહેવાસી મહિલાને ઝડપી પાડી હતી.

 શહેરના ઈ  ડિવિઝન એસીપી વાણી દુધાતે જણાવ્યું હતું કે, સીસીટીવી ફૂટેજના આધારે મહિલાની ધરપકડ કરવામાં આવી છે. મહિલાના સંબંધી અમદાવાદના મીઠાખળી વિસ્તારમાં રહે છે અને તે તેમના ઘરે આવી હતી. ત્યારબાદ પોતે માણેકચોકમાં એક જ્વેલર્સની દુકાનમાં ગઈ હતી. જ્યાં નજર ચૂકવીને સોનાની બંગડીઓની ચોરી કરી હતી. આરોપી મહિલા પોરબંદરની છે અને પોતે કપડાની દુકાન ધરાવે છે. આરોપી મહિલાને એક પુત્ર છે જે ધોરણ 9માં પોરબંદરની એક જાણીતી સ્કૂલમાં અભ્યાસ કરે છે. મહિલાની પૂછપરછ કરતા તેણે જણાવ્યું હતું કે, પોતે આર્થિક સંકળામણમાં છે અને તેના પુત્રની સ્કૂલની ફી ભરવાની છે જેના કારણે થઈને તેણે આ ચોરી કરી છે. જો સ્કૂલની ફી ભરશે નહીં તો તેના પુત્રને સ્કૂલમાંથી કાઢી મૂકશે. જેના કારણે થઈને તેણે અમદાવાદમાં માણેકચોકમાં સૌ પ્રથમ ચોરી કરી હતી. ત્યારબાદ પોતે આ દાગીનાને વેચવા માટે ગઈ હતી અને બીજી જગ્યાએ ગીતામંદિર વિસ્તારમાં ચોરી કરી અને પોરબંદર જવાની ફિરાકમાં હતી. તે દરમિયાનમાં પોલીસે તેને ઝડપી પાડી હતી. ખરેખર આર્થિક સંકળામણના કારણે ચોરી કરી છે કે અન્ય કોઈ કારણ છે તે અંગે હાલ પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવી રહી છે.

Exit mobile version