1. Home
  2. ગુજરાતી
  3. ભારતમાં દર 3 માંથી 1વ્યક્તિનું મોત દિલની બીમારીથી, બદલાતી લાઈફસ્ટાઈલ બની આફત
ભારતમાં દર 3 માંથી 1વ્યક્તિનું મોત દિલની બીમારીથી, બદલાતી લાઈફસ્ટાઈલ બની આફત

ભારતમાં દર 3 માંથી 1વ્યક્તિનું મોત દિલની બીમારીથી, બદલાતી લાઈફસ્ટાઈલ બની આફત

0
Social Share

નવી દિલ્હી, 28 મે 2026: ભારતમાં બદલાતી જતી જીવનશૈલી, ભારે માનસિક તણાવ, ખામીયુક્ત ખાનપાન અને શારીરિક શ્રમનો અભાવ હવે દેશ માટે એક અત્યંત ગંભીર સ્વાસ્થ્ય કટોકટી બની ચૂક્યો છે. તાજેતરમાં જાહેર થયેલા સત્તાવાર આંકડાઓ દેશમાં સ્વાસ્થ્ય સુવિધાઓ વધવા છતાં લાઈફસ્ટાઈલ જન્ય રોગોના જોખમ તરફ આંગળી ચીંધે છે. રજિસ્ટ્રાર જનરલ ઓફ ઈન્ડિયાના ‘કોઝ ઓફ… ડેથ ઇન ઇન્ડિયા’ (ભારતમાં મૃત્યુના કારણો) ના અહેવાલમાં એક અત્યંત ચોંકાવનારો ખુલાસો થયો છે. રિપોર્ટ અનુસાર, દેશમાં થતા કુલ મૃત્યુમાંથી સૌથી વધુ 32.1 ટકા મૃત્યુ માત્ર હૃદય સંબંધિત રોગોના કારણે થઈ રહ્યા છે. આનો અર્થ એ થયો કે દેશમાં દર ત્રણમાંથી એક વ્યક્તિ પોતાનો જીવ દિલની બીમારીના કારણે ગુમાવી રહી છે. આ અહેવાલે ખાસ કરીને ઉત્તર ભારતના રાજ્યોમાં સ્વાસ્થ્ય ક્ષેત્રે રેડ એલર્ટ જેવી સ્થિતિ જાહેર કરી દીધી છે.

તબીબી નિષ્ણાતો અને કાર્ડિયોલોજિસ્ટ્સના જણાવ્યા અનુસાર, હૃદય રોગ હવે દેશમાં અકાળે મૃત્યુનું સૌથી મોટું કારણ બની ગયું છે. ભૌગોલિક દ્રષ્ટિએ જોઈએ તો ઉત્તર ભારતમાં હૃદય રોગથી થતા મૃત્યુનો આંકડો રાષ્ટ્રીય સરેરાશ કરતાં પણ વધુ એટલે કે 35.1 ટકા સુધી પહોંચી ગયો છે, જ્યારે મધ્ય ભારતમાં આ પ્રમાણ 21.1 ટકા નોંધાયું છે. ડોક્ટરોના મતે, સતત વધતો માનસિક તણાવ, ધૂમ્રપાન, આલ્કોહોલનું સેવન, જંક ફૂડ પ્રત્યેનું આકર્ષણ, મેદસ્વીપણું અને શારીરિક કસરતનો બિલકુલ અભાવ આ રોગ વધવા પાછળના મુખ્ય પરિબળો છે. આજના સમયમાં નાની ઉંમરના યુવાનોમાં પણ હાઈ બ્લડ પ્રેશર અને ડાયાબિટીસ ખૂબ જ ઝડપથી વધી રહ્યા છે, જેની સીધી નકારાત્મક અસર હૃદય પર પડે છે. ચિંતાજનક બાબત એ છે કે જે રોગ પહેલા માત્ર શહેરો પૂરતો મર્યાદિત ગણાતો હતો, તે હવે ભારતના ગ્રામીણ વિસ્તારોમાં પણ પગપેસારો કરી ચૂક્યો છે.

હૃદય રોગ સિવાય કઈ બીમારીઓ સૌથી વધુ ઘાતક?

આ અહેવાલમાં હૃદય રોગ ઉપરાંત અન્ય કેટલીક ગંભીર બીમારીઓનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે જે ભારતીયો માટે જીવલેણ સાબિત થઈ રહી છે. હૃદય રોગ પછી શ્વસનતંત્રના રોગો 6 ટકા મૃત્યુ સાથે બીજા ક્રમે છે. આ સિવાય પાચનતંત્રના રોગોના કારણે 5.9 ટકા અને શ્વસન માર્ગના ચેપના કારણે 5.7 ટકા લોકો જીવ ગુમાવી રહ્યા છે. બીજી તરફ સાયલન્ટ કિલર ગણાતી ડાયાબિટીસ (મધુપ્રમેહ) ના કારણે થતા મૃત્યુમાં પણ મોટો ઉછાળો આવ્યો છે. દક્ષિણ ભારતમાં ડાયાબિટીસના કારણે સૌથી વધુ 4.8 ટકા મૃત્યુ નોંધાયા છે. આ ઉપરાંત અજ્ઞાત તાવ, અકસ્માત કે ઈજાઓ અને મૂત્રાશય સંબંધિત રોગો પણ મૃત્યુના મોટા કારણોમાં સામેલ છે. વર્ષોથી દેશ માટે પડકાર બનેલી તપેદિક એટલે કે ટીબીની બીમારી હજુ પણ દેશમાં 2.6 ટકા મૃત્યુ માટે જવાબદાર છે.

પુરુષો અને મહિલાઓ પર બીમારીની અસરમાં મોટો તફાવત

રિપોર્ટના ચોંકાવનારા આંકડા દર્શાવે છે કે પુરુષો અને મહિલાઓ પર વિવિધ રોગોની અસર અલગ-અલગ જોવા મળી છે. પાચનતંત્રના રોગોના કારણે પુરુષોમાં મૃત્યુનું પ્રમાણ 7.7 ટકા નોંધાયું છે, જેની સામે મહિલાઓમાં આ આંકડો માત્ર 3.4 ટકા છે. તેવી જ રીતે, જનન-મૂત્ર સંબંધી રોગોને કારણે પુરુષોમાં 3.8 ટકા અને મહિલાઓમાં 2.9 ટકા મૃત્યુ થયા છે. નિષ્ણાતોનું માનવું છે કે પુરુષોમાં ધૂમ્રપાન, ગુટખા અને આલ્કોહોલનું વધુ પડતું સેવન તેમજ આર્થિક કે વ્યાવસાયિક તણાવ વધુ હોવાને કારણે તેમનામાં આ રોગોનું જોખમ વધી જાય છે. બીજી તરફ, ભારતીય પરિવારોમાં મહિલાઓ પોતાના સ્વાસ્થ્ય અને નિયમિત તપાસ પ્રત્યે ભારે બેદરકારી દાખવતી હોવાથી તેમનામાં રોગનું નિદાન મોડું થાય છે જે ચિંતાનો વિષય છે.

આ નકારાત્મક આંકડાઓ વચ્ચે રિપોર્ટમાં એક આશાસ્પદ પાસું પણ સામે આવ્યું છે. દેશમાં તબીબી સુવિધાઓ, સમયસર રસીકરણ અને બહેતર સારવારના કારણે નાની ઉંમરે થતા મૃત્યુના પ્રમાણમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. ભારતીયોની સરેરાશ આયુષ્ય મર્યાદા વધી છે અને લોકો હવે લાંબુ આયુષ્ય ભોગવી રહ્યા છે. જો કે, આ સુધારાની સાથે વરિષ્ઠ નાગરિકોમાં મૃત્યુનો આંકડો વધ્યો છે. 70વર્ષ કે તેથી વધુ ઉંમરના વૃદ્ધોમાં અસ્પષ્ટ અથવા અજ્ઞાત કારણોસર થતા મૃત્યુનું પ્રમાણ વધારે જોવા મળ્યું છે. નિષ્ણાતો ચેતવણી આપે છે કે તબીબી સેવાઓ આધુનિક બની રહી છે પરંતુ જો આપણી રોજિંદી જીવનશૈલી નહીં સુધરે, તો આ સુવિધાઓ પણ ટૂંકી પડશે.

આ સ્વાસ્થ્ય સંકટમાંથી ઉગારવા માટે હેલ્થ એક્સપર્ટ્સે તાત્કાલિક ધોરણે મજબૂત અને પ્રભાવશાળી વ્યુહરચના અપનાવવાની ભલામણ કરી છે. સરકારી સ્તરે જાગૃતિ કાર્યક્રમો વધારવાની સાથે વ્યક્તિગત સ્તરે લોકોએ સજાગ થવું પડશે. દર વર્ષે બોડી ચેકઅપ કરાવવું, આહારમાં લીલા શાકભાજી અને ફળોનો સમાવેશ કરવો, રોજ ૩0 મિનિટ વ્યાયામ કે યોગ કરવા અને મેડિટેશન દ્વારા તણાવ મુક્ત રહેવું ખૂબ જ જરૂરી છે. જો સમય રહેતા નિવારક પગલાં લેવામાં આવે તો લાખો નાગરિકોને અકાળ મૃત્યુના મુખમાંથી બચાવી શકાય તેમ છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code