અમદાવાદ, 28 મે, 2026 : 3 patients got life-saving treatment through organ donation શહેરની સિવિલ હોસ્પિટલના મેડિકલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડૉ. રાકેશ જોષીએ જણાવ્યું હતું કે, “કહેવાય છે કે ‘ગુપ્તદાન’ એ સૌથી મોટું દાન છે, અને જ્યારે આ દાન કોઈની જિંદગી બચાવવા માટે થાય ત્યારે તે ઈશ્વરીય કાર્ય બની જાય છે.” અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં આવો જ એક હૃદયસ્પર્શી કિસ્સો સામે આવ્યો છે, જ્યાં ઉત્તર ગુજરાતના એક પરિવારે પોતાની વ્હાલસોયી દીકરીના મૃત્યુના દુઃખદ સમયે પણ ‘ગુપ્તદાન’ સ્વરૂપે અંગદાન કરવાનો સાહસિક અને માનવતાવાદી નિર્ણય લીધો છે. આ ઉમદા નિર્ણયના પગલે હોસ્પિટલમાં કુલ અંગદાનનો આંકડો ૨૪૧ પર પહોંચી ગયો છે.
વધુ વિગતો આપતાં ડૉ. રાકેશ જોષીએ જણાવ્યું હતું કે, ઉત્તર ગુજરાતના રહેવાસી એક ૩૧ વર્ષીય મહિલા સિવિલ હોસ્પિટલના ICUમાં સારવાર હેઠળ હતાં. તબીબોના અથાગ પ્રયત્નો છતાં ગત તા. ૨૭ મે ૨૦૨૬ના રોજ તેમને ‘બ્રેઈનડેડ’ જાહેર કરવામાં આવ્યા હતાં. યુવાન વયે સ્વજન ગુમાવવાનું આઘાતજનક દુઃખ હોવા છતાં, હોસ્પિટલની કાઉન્સિલિંગ ટીમના ડૉ. જીનેન પંડ્યા અને ડૉ. ભાવેશ પ્રજાપતિની સમજાવટથી પરિવારે મોટું દિલ રાખ્યું હતું. પરિવારે પોતાની ઓળખ છૂપી રાખવાની શરતે, ગુપ્તદાન સ્વરૂપે અંગદાનની મંજૂરી આપીને સમાજ સામે એક ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
આ અંગદાન દ્વારા બ્રેઈનડેડ મહિલાના શરીરમાંથી એક લીવર અને બે કિડની મળી કુલ ૦૩ મહત્વપૂર્ણ અંગો મેળવવામાં આવ્યા છે. આ ત્રણેય અંગોને સિવિલ મેડિસિટી કેમ્પસ સ્થિત કિડની હોસ્પિટલ ખાતે મોકલવામાં આવ્યા છે, જ્યાં કિડની અને લીવરની ગંભીર બીમારીથી પીડાતા અને લાંબા સમયથી પ્રત્યારોપણની રાહ જોતા ત્રણ જરૂરિયાતમંદ દર્દીઓમાં તેનું પ્રત્યારોપણ કરવામાં આવશે.
ડૉ. રાકેશ જોષીના જણાવ્યા અનુસાર, અમદાવાદ સિવિલ હોસ્પિટલ આજે પશ્ચિમ ભારતનું અંગદાનનું એક મોટું કેન્દ્ર બની ચૂકી છે. હોસ્પિટલ દ્વારા અત્યાર સુધીમાં કુલ ૨૪૧ અંગદાતાઓ થકી ૭૯૭ અંગો તેમજ કુલ ૨૩૮ પેશીઓ મેળવવામાં આવી છે, જેમાં ૧૯૪ ચક્ષુ અને ૪૪ ચામડીનો સમાવેશ થાય છે. આમ, અમદાવાદ સિવિલ હોસ્પિટલને અત્યાર સુધીમાં કુલ ૧,૦૩૫ અંગો તેમજ પેશીઓનું દાન મેળવવામાં ઐતિહાસિક સફળતા મળી છે.


