ભૂજ, 16 ઓક્ટોબર, 2026 : Preparations for Kutch Ranotsav કચ્છમાં દિવાળી બાદ રણોત્સવનો રંગેચંગે પ્રારંભ થશે. રણોત્સવને માણવા માટે દેશ-વિદેશથી અનેક લોકો ધોરડોની મુલાકાતે આવતા હોય છે. અને સફેદ રણના નજારાને મનભરીને માણતા હોય છે. રણોત્સવને ગણતરીના દિવસ બાકી છે. ત્યારે જિલ્લા વહિવટી તંત્ર દ્વારા રણોત્સવની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આયોજનના ભાગરૂપે ધોરડો ખાતે કચ્છ જિલ્લા કલેક્ટર અનિલ રાણાવસિયાની અધ્યક્ષતામાં રણોત્સવ જિલ્લા કોર કમિટીની બેઠક યોજાઈ હતી. જેમાં પ્રવાસીઓની સુવિધા, સુરક્ષા, સ્વચ્છતા, પરિવહન, માળખાકીય સુવિધાઓ અને વિવિધ વિભાગો વચ્ચે સંકલન સહિતના મહત્ત્વના મુદ્દાઓની સમીક્ષા કરવામાં આવી હતી.
રણોત્સવ દરમિયાન દેશ-વિદેશમાંથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ કચ્છની મુલાકાત લેતા હોવાથી તેમની યાત્રા સરળ, સુરક્ષિત અને સુખદ બને તે માટે કલેક્ટરે સંબંધિત અધિકારીઓને આયોજનબદ્ધ રીતે કામગીરી કરવા સૂચના આપી હતી. ટેન્ટસિટી અને ગેટવે ટુ રણ રિસોર્ટમાં ઉપલબ્ધ સુવિધાઓની પણ સમીક્ષા કરવામાં આવી હતી. સફેદ રણ, રોડ ટુ હેવન અને ધોળાવીરા માટે અલગ-અલગ ટીમોની રચના કરીને કામગીરીમાં જવાબદારી અને સંકલન સુનિશ્ચિત કરવા ભાર મૂકાયો હતો. પ્રવાસનના આકર્ષણરૂપ રોડ ટુ હેવન અને ઐતિહાસિક ધોળાવીરા વિસ્તારમાં પ્રવાસીઓની અવરજવર વ્યવસ્થિત રહે તેમજ સુરક્ષા જળવાય તે માટે સઘન પેટ્રોલિંગ, ટ્રાફિક નિયંત્રણ અને અન્ય જરૂરી વ્યવસ્થાઓ અંગે ચર્ચા થઈ હતી.
કોર કમિટીની બેઠકમાં જિલ્લા કલેકટરે પ્રવાસન સ્થળો પર પ્લાસ્ટિકનો કચરો કે અન્ય ગંદકી ન ફેલાય તે માટે સતત દેખરેખ રાખવા અને સ્વચ્છતા જાળવવા ખાસ તાકીદ કરી હતી. પર્યાવરણની જાળવણી સાથે અનધિકૃત દબાણો સામે પણ નિયમ મુજબ તાત્કાલિક કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી. બેઠકમાં ઇન્ટરનેટ કનેક્ટિવિટી, રસ્તાઓની મરામત, વીજ પુરવઠો, શૌચાલય અને સેનિટેશન સુવિધાઓ, ઘન કચરાનો વૈજ્ઞાનિક નિકાલ, કાયદો અને વ્યવસ્થા, એડવેન્ચર સ્પોર્ટ્સમાં સલામતીના નિયમો તથા પ્રવાસીઓ માટે હેલ્પ ડેસ્કની વ્યવસ્થાની સમીક્ષા કરવામાં આવી હતી. ઊંટગાડી સહિતનાં પરિવહનનાં નિયત ભાડાં, ટિકિટ વ્યવસ્થા અને પ્રવાસીઓની ફરિયાદોનું યોગ્ય નિરાકરણ આવે તે માટે પણ માર્ગદર્શન અપાયું હતું.


