Homeગુજરાતીગુજરાતખેડા, મહિસાગર, બોટાદ અને ગીર સોમનાથમાં 4 મેડિકલ કોલેજો PPP ધોરણે શરૂ...

ખેડા, મહિસાગર, બોટાદ અને ગીર સોમનાથમાં 4 મેડિકલ કોલેજો PPP ધોરણે શરૂ કરાશે

ગાંધીનગર, 16 ઓક્ટોબર, 2026 : 4 medical colleges to be started on PPP basis રાજ્યમાં તબીબી શિક્ષણ અને આરોગ્ય સેવાઓને વધુ સુદ્રઢ બનાવવા માટે રાજ્ય સરકારે મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો છે. ખેડા, મહિસાગર, બોટાદ અને ગીર-સોમનાથ જિલ્લામાં આવેલી સરકારી હોસ્પિટલોને અપગ્રેડ કરીને નવી બ્રાઉનફીલ્ડ મેડિકલ કોલેજો સ્થાપવા માટે ચાર સંસ્થાઓને મંજૂરી આપવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા લેવાયેલા આ નિર્ણયથી રાજ્યમાં તબીબી શિક્ષણની બેઠકો વધવાની સાથે ગ્રામ્ય અને અંતરિયાળ વિસ્તારોમાં આરોગ્ય સેવાઓનો વ્યાપ વધારવાનો પ્રયાસ કરાશે.

આ નિર્ણય અંતર્ગત જાહેર-ખાનગી ભાગીદારી (PPP) મોડલ પર મેડિકલ કોલેજો અને આધુનિક સુવિધાઓ ધરાવતી હોસ્પિટલો વિકસાવવામાં આવશે. તેનો મુખ્ય હેતુ નાગરિકોને પોતાના જ જિલ્લામાં ગુણવત્તાયુક્ત તબીબી સારવાર ઉપલબ્ધ કરાવવાનો અને સરકારી હોસ્પિટલોમાં નિષ્ણાત તબીબોની ઉપલબ્ધતા વધારવાનો છે.

રાજ્ય સરકારની મંજૂરી મુજબ ખેડા જિલ્લામાં અમદાવાદ સ્થિત  ગયાપ્રસાદ જૈન ચેરીટેબલ ટ્રસ્ટ મેડિકલ કોલેજ અને હોસ્પિટલનું નિર્માણ કરશે. મહિસાગર જિલ્લામાં કલોલ સ્થિત  સ્વામિનારાયણ વિશ્વમંગલ ગુરુકુળ (સ્વામિનારાયણ યુનિવર્સિટી), ગીર-સોમનાથ જિલ્લામાં વેરાવળ સ્થિત  ચાણક્ય એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ અને બોટાદ જિલ્લામાં મોરબીના ભડિયાદ સ્થિત ડેલ્ટા મિલેનિયમ મેડિકેર પ્રાઇવેટ લિમિટેડ દ્વારા મેડિકલ કોલેજ અને હોસ્પિટલ વિકસાવવામાં આવશે. આ પ્રોજેક્ટમાં પસંદગી પામેલી સંસ્થાઓ માટે રાજ્ય સરકારે દર્દીઓના હિતમાં કેટલીક મહત્ત્વપૂર્ણ શરતો નક્કી કરી છે. હોસ્પિટલમાં હાલમાં નાગરિકોને મળતી તમામ નિઃશુલ્ક સુવિધાઓ યથાવત્ રાખવાની રહેશે. આ ઉપરાંત, સગર્ભા મહિલાઓની પ્રસૂતિ બાદ 20 દિવસથી એક વર્ષ સુધીનાં બાળકોને સંપૂર્ણ નિઃશુલ્ક સારવાર આપવાની રહેશે. દર્દીઓને જરૂરી સારવાર સમયસર મળી રહે તે માટે ડાયાલિસિસ સેવાઓમાં ઓછામાં ઓછા 10 પથારીનું યુનિટ શરૂ કરવાનું રહેશે. ટ્રોમા અને અકસ્માતના દર્દીઓને તાત્કાલિક નિઃશુલ્ક સારવાર આપવાની જવાબદારી પણ સંબંધિત સંસ્થાઓની રહેશે. આ શરતોનો હેતુ નવી વ્યવસ્થામાં પણ સામાન્ય અને જરૂરિયાતમંદ દર્દીઓને સારવારનો લાભ મળતો રહે તે સુનિશ્ચિત કરવાનો છે.

આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર નાગરિકોને પોતાના જિલ્લામાં જ આધુનિક ટેકનોલોજીથી સજ્જ તબીબી સારવાર ઉપલબ્ધ કરાવવા માટે પ્રતિબદ્ધ છે. ચારેય મેડિકલ કોલેજોના પ્રોજેક્ટ અમલમાં આવવાથી તબીબી શિક્ષણની તકો વધશે અને સ્થાનિક સ્તરે આરોગ્ય સેવાઓ વધુ મજબૂત બનશે. ખાસ કરીને ગ્રામ્ય અને અંતરિયાળ વિસ્તારોના લોકોને અદ્યતન સારવાર માટે અન્ય શહેરોમાં જવાની જરૂરિયાત ઘટાડવામાં મદદ મળી શકે છે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular