1. Home
  2. ગુજરાતી
  3. કોવિડના દર્દીઓના સગાઓનો તબીબો સાથે અમાનવીય વ્યવહારથી 104 ડોક્ટરોએ હોસ્પિટલ છોડી

કોવિડના દર્દીઓના સગાઓનો તબીબો સાથે અમાનવીય વ્યવહારથી 104 ડોક્ટરોએ હોસ્પિટલ છોડી

0
Social Share

અમદાવાદઃ કોરોનાના દર્દીઓની અવિરત સેવા કરતા તબીબો સાથે દર્દીઓના સગાઓ દ્વારા યોગ્ય વ્યવહાર કરાતો ન હોવાથી  એમબીબીએસના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતા 104 જેટલા તબીબોને ધન્વન્તરી હોસ્પિટલ છોડવાની ફરજ પડી હતી. શહેરના જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે ગુજરાત યુનિવર્સિટીના કોન્વોકેશન સેન્ટરમાં ડીઆરડીઓના સહયોગથી ઊભી કરવામાં આવેલી ધન્વન્તરી હોસ્પિટલમાં ફરજ બજાવતા બી. જે. મેડિકલ કોલેજના 104 એમબીબીએસના છેલ્લા વર્ષના વિદ્યાર્થીઓ માટે રાત ખૂબ જ માનસિક તાણ ભરી રહી હતી. આ વિદ્યાર્થીઓને હાલ ધન્વન્તરી હોસ્પિટલમાં નાઇટ ડ્યુટી પર મૂકવામાં આવ્યા હતા.  ત્યારે દર્દીઓના કેટલાક સંબંધીઓ પીપીઈ કીટ પહેરીને હોસ્પિટલમાં ઘુસી ગયા હતા અને ડોક્ટરને ધમકાવ્યા હતા. આ ઘટનાથી હોસ્પિટલની સુરક્ષા વ્યવસ્થા અને મેનેજમેન્ટ સામે મોટો પ્રશ્ન ઉભો થયો હતો.

નાઇટ ડ્યુટી પર ફરજ બજાવતા વિદ્યાર્થીઓએ આરોપ લગાવ્યો હતો કે દર્દીઓના કેટલાક સંબંધીઓએ પી.પી.ઇ કીટ પહેરીને હોસ્પિટલમાં પ્રવેશ કર્યો હતો અને તેમને માત્ર ધમકી આપી નહોતી, પરંતુ તેમની એક સાથી મહિલા ડોક્ટર કે જે રાત્રે 11 વાગ્યાની આસપાસ પોતાની ફરજ પૂરી કર્યા પછી પરત જઈ રહી હતી તેના પર હુમલો પણ કર્યો હતો. અહેવાલ મુજબ ગુસ્સે ભરાયેલું ટોળું કથિતરૂપે આઇસીયુ વોર્ડ પહોંચ્યું હતું અને હાજર જુનિયર તબીબોને ધમકી આપી હતી.

વિદ્યાર્થીઓએ જણાવ્યું કે પરિસ્થિતિ એટલી વિકટ હતી કે તેઓ મદદ માટે રડવા લાગ્યા, પરંતુ પોલીસ અને ફરજ પરની સિક્યુરિટી તરફથી કોઈ મદદ મળી ન હતી. વિદ્યાર્થીઓએ આક્ષેપ કર્યો હતો કે આક્રમક ભીડથી બચવા માટે તેઓએ હોસ્પિટલના પાછળના ભાગથી પોતાનો જીવ બચાવવા માટે ભાગવુ પડ્યું હતું. આ અફરાતફરી છતા ધનવંતરી હોસ્પિટલના મેનેજમેન્ટ તરફથી કોઈ મદદ ન થતાં. વિદ્યાર્થીઓ આ મુદ્દે ચર્ચા કરવા માટે જુનિયર ડોક્ટર એસોસિએશન (જેડીએ) ના સભ્યો અને બી જે મેડિકલ કોલેજમાં કોલેજના ડીનને મળ્યા હતા. તે બેઠક બાદ જ જેડીએ દ્વારા તેમની માંગણીઓ ન સંતોષાય ત્યાં સુધી ધન્વંતરી હોસ્પિટલમાં એમબીબીએસ અંતિમ વર્ષના 104 વિદ્યાર્થીઓની સેવા બંધ રાખવાનો નિર્ણય કર્યો છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code