1. Home
  2. revoinews
  3. આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ-2026માં 50 દેશોના 135 પતંગબાજ સહભાગી થશે
આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ-2026માં 50 દેશોના 135 પતંગબાજ સહભાગી થશે

આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ-2026માં 50 દેશોના 135 પતંગબાજ સહભાગી થશે

0
Social Share
  • જર્મનીના ચાન્સેલર ફ્રેડરીક મર્ઝની સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે 12 જાન્યુઆરીએ અમદાવાદ ખાતે પતંગ મહોત્સવનો પ્રારંભ
  • આ મહોત્સવમાં ભારતના 13 રાજ્યોમાંથી 65 અને ગુજરાતના 16 જિલ્લામાંથી 871 પતંગબાજો લેશે ભાગ

ગાંધીનગર, 8 જાન્યુઆરી, 2026 – International Kite Festival-2026 આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ-2026માં 50 દેશોના 135 પતંગબાજ સહભાગી થશે. આ પતંગ મહોત્સવ માટેની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ અમદાવાદ ઉપરાંત રાજ્યના મુખ્ય પ્રવાસી મથકો ઉપર પણ પતંગોત્સવ ઉજવાશે.

ગુજરાતમાં ઉત્તરાયણ એટલે કે મકરસંક્રાંતિના તહેવારનું આગવું મહત્ત્વ છે. સમગ્ર રાજ્યના પતંગ રસિયાઓ રંગબેરંગી પતંગો હવામાં ઉડાડીને ઉત્તરાયણનો તહેવાર ઉજવે છે. આ વર્ષે ‘આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ-2026’નો પ્રારંભ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે 12 જાન્યુઆરી 2026ના રોજ સવારે સાબરમતી રિવરફ્રન્ટ, અમદાવાદ ખાતે કરવામાં આવશે. આ સમારંભમાં જર્મનીના ચાન્સેલર ફ્રેડરીક મર્ઝની ઉપસ્થિત રહેશે.

પતંગોત્સવના મુખ્ય આકર્ષણો

અમદાવાદ ખાતે 12 થી 14 જાન્યુઆરી 2026 દરમિયાન યોજાનાર ‘આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ-૨૦૨૬’ના મુખ્ય આકર્ષણના કેન્દ્રોમાં આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય પતંગબાજો વિવિધ પ્રકારના શ્રેષ્ઠ મોટા પતંગોની ઉડાન કરશે. આ ઉપરાંત 13 જાન્યુઆરીના રોજ રાત્રિ પતંગ ઉડાન કરવામાં આવશે. અમદાવાદની વારસાગત સ્થાપત્ય પરંપરાને દર્શાવતી હેરિટેજ હવેલી અને પૌરાણિક પોળ, રંગબેરંગી હસ્તકલા બજાર, હેરિટેજ વોક-વે પર રચાયેલા પતંગ મ્યુઝિયમ, આકર્ષક આઈકોનિક ફોટો વોલ ઇન્સ્ટોલેશન્સની સાથોસાથ સાંજે ૦૭:૦૦ વાગ્યાથી વિશેષ સાંસ્કૃતિક કાર્યક્રમો નગરજનોને આકર્ષિત કરશે. જેમાં સુપ્રસિદ્ધ લોક ગાયિકા કિંજલબેન દવે પ્રસ્તુતિ કરશે.

આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ-2026માં 50 દેશોના 135 આંતરરાષ્ટ્રીય પતંગબાજો, ભારતના 13 રાજ્યોમાંથી 65 તથા ગુજરાતના 16 જિલ્લાઓમાંથી 871 પતંગબાજો એમ કુલ મળીને 1,071 પતંગ રસિયાઓ ભાગ લેશે. આ મહોત્સવ દરમિયાન 25 હસ્તકલા સ્ટોલ અને 15 ફૂડ સ્ટોલ કાર્યરત રહેશે, જે સ્થાનિક કલા, હસ્તકલા અને સ્થાનિક વ્યંજનોને પ્રોત્સાહન આપશે.

રાજ્યમાં બીજે ક્યાં ક્યાં ઉજવાશે પતંગોત્સવ?

આ વર્ષે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ-2026 અમદાવાદ ઉપરાંત રાજકોટ, સુરત અને કચ્છના ધોળાવીરામાં 10 જાન્યુઆરી 2026, વડનગર, શિવરાજપુર તથા સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં 11 જાન્યુઆરી, 2026 તેમજ વડોદરા ખાતે 13 જાન્યુઆરી, 2026ના રોજ યોજાશે.

વર્ષ-2025માં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવે સમગ્ર ગુજરાતમાં 3.83 લાખથી વધુ મુલાકાતીઓને આકર્ષ્યા હતા, ‘આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ’ દ્વારા ગુજરાત ટૂરિઝમ આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય સ્તરે અગ્રણી સાંસ્કૃતિક અને પ્રવાસન સ્થળોમાં પ્રવાસીઓને આકર્ષિત કરી રહ્યું છે. જેના પરિણામ સ્વરૂપે આ વર્ષે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ-2026માં અંદાજિત પાંચ લાખથી વધુ પ્રવાસીઓ ગુજરાતની મુલાકાતે આવશે તેમ ગુજરાત ટૂરિઝમની યાદીમાં જણાવાયું છે.

આ પણ વાંચોઃ VIDEO: સોમનાથ સ્વાભિમાન પર્વઃ આખું ગુજરાત આજથી ત્રણ દિવસ સુધી શિવમય બનશે

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code