અમદાવાદ,12 જુન, 2026 : 2 killed in two accidents on SP Ring Road શહેરના એસપી રિંગ રોડ પર અકસ્માતના બે બનાવો બન્યા છે. જેમાં એસપી રિંગ રોડ પર કાકાના ધાબા નજીક સ્કૂલબસના ચાલકે રોડ ક્રોસ કરી રહેલા રાહદારીને ટક્કર મારતા તેનું મોત નિપજ્યું હતું. જ્યારે બીજા બનાવમાં સનાથળ-બાકરોલ રોડ પર એક્ટિવા પર જઈ રહેલા દંપત્તિને ડમ્પર ચાલકે ટક્કર મારતા વૃદ્ધનું મૃત્યુ થયું હતું. ટ્રાફિક પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
અકસ્માતના પ્રથમ બનાવની વિગત એવી છે કે, આજે સવારે એક ચાર્ટડ કંપનીની સ્કુલ બસના ચાલક અવેશ આસીફભાઇ મોકમજીવાલા (રહે. ફતેવાડી કેનાલ સરખેજ) YMCA કલબ તરફથી ચલાવી S.P. રિંગ રોડ કાકાના ઢાબા (મુમદપુરા) ઓવરબ્રિજના નીચે સર્કલ નીચેથી બોપલ તરફ બસને ટર્ન લેતા હતા ત્યારે રોડ ક્રોસ કરી રહેલા અજાણ્યા 28 વર્ષીય યુવકને ટક્કર મારી હતી, જેથી યુવક ટાયર નીચે આવી જતા શરીરે ઈજાઓ તેમજ છાતીના ભાગે ગંભીર ઇજા થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. વધુ સારવાર માટે અસારવા સિવિલ હોસ્પિટલ ખસેડાતા ત્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું હતું. આ બનાવમાં ટ્રાફિક પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
અકસ્માતના બીજા બનાવમાં સાણંદના ગરોડિયા ગામે રહેતા પ્રહલાદજી ઠાકોર તેમના પત્ની સાથે એક્ટિવા લઈને બાકરોલ ગામે જવા માટે નીકળ્યા હતાં, ત્યારે સનાથલ- બાકરોલ રોડ ઉપર અજાણ્યા ડમ્પર ચાલક દ્વારા પ્રહલાદજી ઠાકોરના એક્ટિવાને ટક્કર મારી હતી, જેથી તેઓ નીચે પડી ગયા હતા. ડમ્પરના પાછળનું ટાયર પ્રહલાદજીના ઉપર ફરી વળતા તેમનું સ્થળ પર જ મૃત્યુ થઈ ગયું હતું. આ બાબતે તેમના પરિવારજનોને જાણ કરવામાં આવતા તેઓ પણ સ્થળ પર દોડી આવ્યા હતાં. ટ્રાફિક પોલીસને જાણ કરવામાં આવતા એમ ડિવિઝન ટ્રાફિક પોલીસ પણ સ્થળ પર પહોંચ્યું હતું. પોલીસે ડમ્પરચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

