Homeગુજરાતીદેશ-વિદેશ9/11 આતંકી હુમલાના 25 વર્ષ: PM મોદીએ આતંકવાદ વિરુદ્ધ મજબૂત સંકલ્પ ફરીથી...

9/11 આતંકી હુમલાના 25 વર્ષ: PM મોદીએ આતંકવાદ વિરુદ્ધ મજબૂત સંકલ્પ ફરીથી ઉચ્ચાર્યાં

નવી દિલ્હી, 11 સપ્ટેમ્બર 2026: અમેરિકામાં થયેલા અત્યંત ભયાવહ અને હૃદયદ્રાવક 9/11 આતંકવાદી હુમલાને આજે 25 વર્ષ પૂરા થયા છે. આ દુઃખદ અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ હુમલામાં પોતાની જાન ગુમાવનાર નિર્દોષ લોકોને શ્રદ્ધાંજલિ આપી હતી અને શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરી હતી. વડાપ્રધાને સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે આતંકવાદે વિશ્વભરમાં અનેક નિર્દોષ લોકોનો ભોગ લીધો છે, અને સીમાપાર (ક્રૉસ-બોર્ડર) આતંકવાદનો ભોગ બનવાને કારણે ભારતે દાયકાઓથી આ વૈશ્વિક લડાઈમાં સૌથી મોખરે રહીને સંઘર્ષ કર્યો છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘એક્સ’ (અગાઉ ટ્વિટર) પર પોતાની ભાવસભર પોસ્ટમાં લખ્યું હતું કે, “ભયાનક 9/11 હુમલાના 25 વર્ષ બાદ આજે આપણે સૌ પીડિતોને યાદ કરીએ છીએ, તેમને નમન કરીએ છીએ અને તે પરિવારોની પડખે ઊભા છીએ જેમની આખી જિંદગી આ ત્રાસવાદી ઘટનાથી હંમેશ માટે બદલાઈ ગઈ છે.”

ભારતના પૂર્વ અનુભવો વિશે વાત કરતા તેમણે ઉમેર્યું હતું કે દેશ દાયકાઓથી સીમાપારના આતંકવાદનો સામનો કરી રહ્યો છે અને આ લડાઈમાં અત્યંત મજબૂતાઈથી ઊભો છે. આતંકવાદનો ખતરો સતત વધી રહ્યો છે ત્યારે તેના દરેક સ્વરૂપ અને નાપાક હરકતો સામે આપણો વિરોધ અને સંકલ્પ સંપૂર્ણપણે મક્કમ છે. ભારત આ વૈશ્વિક સમસ્યા સામે લડવા માટેના તમામ પ્રયાસો અને સહયોગમાં હંમેશાં અગ્રેસર રહ્યું છે. આ સાથે પીએમ મોદીએ વર્ષ 2014માં ન્યૂયોર્ક સ્થિત 9/11 મેમોરિયલ એન્ડ મ્યુઝિયમની પોતાની યાદગાર મુલાકાતની તસવીરો અને ઝલકો પણ સોશિયલ મીડિયા પર શેર કરી હતી. આ સ્મારક ન્યૂયોર્ક શહેરના લોઅર મેનહટ્ટનમાં આવેલા વર્લ્ડ ટ્રેડ સેન્ટર પરિસરમાં આવેલું એક શ્રદ્ધાંજલિ સ્થળ છે.

  • શું થયું હતું 11 સપ્ટેમ્બર 2001 ના રોજ?

ઇતિહાસના પાનાઓમાં કાળા દિવસ તરીકે નોંધાયેલો 11 સપ્ટેમ્બર 2001 નો દિવસ અમેરિકા અને સમગ્ર વિશ્વ માટે આઘાતજનક હતો. આ દિવસે ખૂંખાર આતંકવાદી સંગઠન અલ-કાયદાના 19 આતંકવાદીઓએ અત્યંત યોજનાબદ્ધ રીતે અમેરિકામાં અત્યાર સુધીના સૌથી ઘાતક હુમલાને અંજામ આપ્યો હતો. આતંકવાદીઓએ ચાર કોમર્શિયલ વિમાનોનું હાઈજેક કરીને આ વિનાશક કૃત્ય આચર્યું હતું.

ટ્વીન ટાવર્સ પર પ્રહાર: બે વિમાનોને ન્યૂયોર્કના પ્રખ્યાત વર્લ્ડ ટ્રેડ સેન્ટરના ભવ્ય ટ્વીન ટાવર્સ સાથે અથડાવવામાં આવ્યા હતા, જેના પરિણામે બંને વિશાળ ઇમારતો ધૂળધાણી થઈને ધરાશાયી થઈ ગઈ હતી.
પેંટાગન પર હુમલો: ત્રીજા વિમાનને વર્જીનિયામાં અમેરિકી રક્ષણ મંત્રાલયના મુખ્યાલય ‘પેન્ટાગોન’ સાથે ટક્કર મારવામાં આવી હતી.
ચોથા વિમાનનું દુર્ઘટનાગ્રસ્ત થવું: ચોથું વિમાન યુનાઈટેડ એરલાઈન્સની ફ્લાઈટ 93 હતું, જેને આતંકવાદીઓના નિયંત્રણમાંથી મુક્ત કરાવવા માટે વિમાનમાં સવાર સાહસી મુસાફરોએ જબરદસ્ત પ્રતિકાર કર્યો હતો, જેના કારણે આ વિમાન પૅન્સિલવેનીયામાં દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયું હતું.

સત્તાવાર આંકડાઓ અનુસાર, આ ભીષણ આતંકવાદી હુમલામાં આશરે 3,000 નિર્દોષ લોકોએ પોતાના પ્રાણ ગુમાવ્યા હતા. આ સમગ્ર ષડયંત્રના માસ્ટરમાઇન્ડ તરીકે કુખ્યાત આતંકવાદી ઓસામા બિન લાડેનનું નામ સામે આવ્યું હતું, જેને લાંબી શોધખોળ બાદ અમેરિકી નૌકાદળના કમાન્ડોએ મે 2011માં પાકિસ્તાનના એબટાબાદમાં એક ગુપ્ત ઓપરેશન દરમિયાન ઠાર માર્યો હતો. 9/11 ની આ 25મી પુણ્યતિથિએ આખો વિશ્વ સમુદાય આતંકવાદ સામે એક થઈને લડવાની પોતાની પ્રતિબદ્ધતાને ફરીથી તાજી કરી રહ્યો છે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular