મહેસાણાના ૨૯ વર્ષીય યુવકે અંગદાન થકી ત્રણ વ્યક્તિઓને આપ્યું નવજીવન
- અંગદાનના સેવા યજ્ઞમાં છેલ્લા છ વર્ષોમાં ૨૪૦ દાતાઓ દ્વારા ૧૦૩૨ અંગો-પેશીઓનું દાન કરાયું
અમદાવાદ, 16 મે, 2026 – મહેસાણાના ૨૯ વર્ષીય યુવકે અંગદાન થકી ત્રણ વ્યક્તિઓને નવજીવન આપ્યું છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલ આજે અંગદાન ક્ષેત્રે સમગ્ર દેશમાં અગ્રેસર બની છે. સિવિલ હોસ્પિટલના આંગણે ફરી એકવાર માનવતા મહેકી ઊઠી છે, જ્યાં મહેસાણાના એક ૨૯ વર્ષીય બ્રેઈનડેડ યુવાનના પરિવારે અંગદાનનો ઉમદા નિર્ણય લઈને ત્રણ જરૂરિયાતમંદ દર્દીઓને નવજીવનની ભેટ આપી છે.
મહેસાણા જિલ્લાના વતની અને વ્યવસાયે ડ્રાઈવર ૨૯ વર્ષીય ધર્મેન્દ્ર દરબારને ગત ૪ મે ૨૦૨૬ના રોજ કડી પાસે માર્ગ અકસ્માત નડ્યો હતો. ગંભીર ઈજાઓને કારણે તેમને અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. મેડિસિન વિભાગના ડૉ. જીતુ પરીખ અને તેમની ટીમ દ્વારા સઘન પ્રયત્નો કરવા છતાં, ૧૪ મેના રોજ તેમને ‘બ્રેઈન ડેડ’ જાહેર કરવામાં આવ્યા હતા.
આ પણ વાંચોઃ મહિલા દિવસ વિશેષઃ અંગદાન માનવતાની સર્વોત્તમ સેવા અને સાચું ‘મહાદાન’ છે: રિવાબા જાડેજા
આ દુઃખની આ ઘડીમાં જાગૃત નાગરિક શ્રી પી.એસ. પટેલ અને પરિવારના સભ્યો મહેન્દ્રભાઈ ઝાલા તથા લાલસિંહ ઝાલાની સમજાવટથી, ધર્મેન્દ્રભાઈના પત્ની અને ભાઈ-બહેને અંગદાન માટે સંમતિ આપી હતી. આ નિર્ણયને પગલે એક લીવર અને બે કિડનીનું દાન પ્રાપ્ત થયું છે, જે ત્રણ ગંભીર દર્દીઓને નવું જીવન આપશે.
સિવિલ હોસ્પિટલના મેડિકલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડૉ. રાકેશ જોશીએ આ અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે, “સિવિલ હોસ્પિટલમાં છેલ્લા છ વર્ષોમાં કુલ ૨૪૦ અંગદાતાઓ દ્વારા ૭૯૪ અંગોનું દાન પ્રાપ્ત થયું છે. આ ઉપરાંત ૧૯૪ ચક્ષુ અને ૪૪ ત્વચા (સ્કીન) સહિત કુલ ૨૩૮ પેશીઓનું દાન મળ્યું છે આમ, કુલ ૧૦૩૨ અંગો અને પેશીઓનું દાન મેળવીને સિવિલ હોસ્પિટલ દ્વારા અનેક પરિવારોમાં ખુશીઓ પાછી લાવવામાં નિમિત્ત બની છે.
આ પણ વાંચોઃ અંગદાન ક્ષેત્રે ભારતની ઐતિહાસિક સિદ્ધિ: ટ્રાન્સપ્લાન્ટની સંખ્યા 20 હજાર પર પહોંચી
સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધી પ્રાપ્ત થયેલા અંગોમાં ૪૪૩ કિડની, ૨૧૪ લીવર, ૭૬ હૃદય, ૩૪ ફેફસાં, ૧૯ સ્વાદુપિંડ, ૦૬ હાથ તેમજ ૦૨ નાના આંતરડાના દાનનો સમાવેશ થાય છે. આ અંગદાનના માધ્યમથી અનેક જરૂરિયાતમંદ પરિવારોમાં જીવન જીવવાની નવી આશાનો સંચાર થયો છે.


