
જમ્મુ-કાશ્મીરમાં આર્ટીકલ 370 દૂર કરાયાને 3 વર્ષ પુરાઃ આતંકવાદી ઘટનાઓમાં ઘટાડો
નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાંથી 3 વર્ષ પહેલા આર્ટીકલ 370 દૂર કરવામાં આવી હતી. એટલું જ નહીં જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ એમ બે કેન્દ્ર શાસિત રાજ્યોની સ્થાપના કરાઈ હતી. આ ત્રણ વર્ષના સમયગાળામાં જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી ઘટના ઘટવાની સાથે લો એન્ડ ઓર્ડરની ઘટનામાં કોઈ પણ નાગરિક કે જવાનનું મોત થયું નથી. એટલું જ નહીં આતંકવાદી ઘટનાઓમાં પણ મૃત્યુની સંખ્યા પણ ઘટી હોવાનું જાણવા મળે છે.
શ્રીનગરમાં ભાજપના નેતા શાહનવાજ હુસૈનએ કહ્યું હતું કે, જમ્મુ-કાશ્મીરમાં આર્ટીકલ 370 દૂર થયા બાદ આતંકવાદી ઘટનાઓ ઘટી છે, જેથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ કોઈ પણ પ્રકારના ડર વિના અહીં ફરવા આવી રહ્યાં છે. મોટાભાગની હોટલો પ્રવાસીઓથી ફુલ થઈ ગઈ છે. રાજ્યમાં સામાન્ય સ્થિતિ પરત ફરી છે. જમ્મુ-કાશ્મીરમાં ચૂંટણીની પ્રજા અને રાજકીય પક્ષો રાહ જોઈ રહ્યાં છે. જમ્મુ-કાશ્મીરમાં ચૂંટણી અંગે ચૂંટણીપંચ નિર્ણય લેશે.
કાશ્મીરમાં 5મી ઓગસ્ટ 2016થી 4 ઓગસ્ટ 2019 સુધીમાં 930 જેટલી આતંકવાદી ઘટનાઓ બની હતી. જો કે, આર્ટીકલ 370 દૂર થયા બાદ 3 વર્ષમાં આતંકવાદી ઘટના ઘટી છે 3 વર્ષમાં 617 જેટલી ઘટનાઓ બની છે. આર્ટીકલ 370 દૂર કર્યા પહેલા 290 જવાનો અને 191 નાગરિકોના મોત થયાં હતા. જ્યારે આર્ટીકલ 370 દૂર કરાયા બાદ 174 જવાનો શહીદ થયાં છે જ્યારે 110 વ્યક્તિઓના મોત થયાં છે.
કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે 5મી ઓગસ્ટ 2019ના રોજ જમ્મુ-કાશ્મીરનો વિશેષ દરરજો આપતા આર્ટીકલ 370 દૂર કરી હતી. જેનો કોંગ્રેસ સહિતની વિપક્ષી પાર્ટીઓ વિરોધ કર્યો હતો. જ્યારે મહેબુબા મુફ્તી અને ફારૂખ અબ્દુલ્લાહ સહિતના સ્થાનિક રાજકીય નેતાઓ ફરીથી આર્ટીકલ 370 લાગુ કરવાની માંગણી કરી રહ્યાં છે.