હોર્મુઝ સ્ટ્રેટમાંથી દક્ષિણ કોરિયાના વધુ 5 જહાજો સુરક્ષિત રીતે બહાર નીકળ્યા
તેહરાન, 25 જૂન 2026: અમેરિકા અને ઈરાન વચ્ચે ગયા સપ્તાહે થયેલા યુદ્ધવિરામ કરાર બાદ દક્ષિણ કોરિયા દ્વારા સંચાલિત વધુ પાંચ જહાજો હોર્મુઝની સામુદ્રધુનીમાંથી સુરક્ષિત રીતે બહાર નીકળ્યા છે. આમ, આ વિસ્તારમાંથી બહાર નીકળનારા કુલ જહાજોની સંખ્યા 11 પર પહોંચી ગઈ છે, તેમ ગુરુવારે(25 જૂન) કોરિયાના દરિયાઈ મંત્રાલયે જણાવ્યું હતું.
મંત્રાલયના જણાવ્યા અનુસાર, આ તમામ જહાજો વ્યૂહાત્મક જળમાર્ગમાંથી સુરક્ષિત રીતે પસાર થઈ ગયા છે અને હવે સામાન્ય ગતિએ આગળ વધી રહ્યા છે. આ જહાજો પર કુલ 21 દક્ષિણ કોરિયન ખલાસીઓ સવાર હતા, જેમાંથી એક જહાજ દક્ષિણ કોરિયા તરફ જઈ રહ્યું છે. આ નવીનતમ સ્થળાંતર બાદ હવે સામુદ્રધુનીની અંદર દક્ષિણ કોરિયા સાથે સંકળાયેલા માત્ર 13 જહાજો બાકી રહ્યા છે, તેમ ‘યોનહાપ’ સમાચાર સંસ્થાના અહેવાલમાં જણાવાયું છે. હાલમાં પર્શિયન ગલ્ફમાં 87 દક્ષિણ કોરિયન ખલાસીઓ કાર્યરત છે.
અમેરિકા સાથે થયેલા યુદ્ધવિરામ કરાર હેઠળ, ઈરાને હસ્તાક્ષર કર્યા બાદ 60 દિવસ સુધી કોઈ પણ પ્રકારની ફી વગર જહાજોને હોર્મુઝની સામુદ્રધુનીમાંથી પસાર થવા દેવાની મંજૂરી આપી છે. આ દરમિયાન, અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયોએ બુધવારે(24 જૂન) સ્પષ્ટ કર્યું હતું કે હોર્મુઝની સામુદ્રધુનીમાં કોઈ ટોલ કે ફી વસૂલવાની મંજૂરી આપવામાં આવશે નહીં. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે આ એક “આંતરરાષ્ટ્રીય જળમાર્ગ” છે અને વિશ્વનો કોઈ પણ દેશ આ પ્રકારની ફીના વિચારનું સમર્થન કરતું નથી.
ગયા અઠવાડિયે થયેલા પ્રાથમિક શાંતિ કરારમાં માત્ર 60 દિવસ માટે જ વિનામૂલ્યે પસાર થવાની જોગવાઈ હોવાથી ઈરાન ભવિષ્યમાં આ વ્યૂહાત્મક જળમાર્ગ પર પોતાનું નિયંત્રણ મજબૂત કરી શકે છે તેવી ચિંતાઓ યથાવત છે. ઉલ્લેખનીય છે કે, દક્ષિણ કોરિયા સહિત અનેક દેશો ઉર્જા આયાત માટે આ જળમાર્ગ પર નિર્ભર હોવાથી ત્યાંની પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છે.


