Site icon Revoi.in

ભાવનગરની મેડિકલ કોલેજમાં રેગિંગની ફરિયાદ બાદ 7 સસ્પેન્ડેડ ડોકટરો ફરાર

Social Share

ભાવનગર, 23 જુન, 2026 : Ragging complaint in medical college શહેરની મેડિકલ કોલેજમાં સિનિયર તબીબ વિદ્યાર્થીઓ દ્વારા જુનિયર તબીબોનું રેગિંગ કરાતું હોવાની ફરિયાદ 20મી જુને શહેરના નિલમબાગ પોલીસ સ્ટેશનમાં નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે. આ કેસમાં અગાઉ 7 સિનિયર તબીબી વિદ્યાર્થીઓને સસ્પેન્ડ કરી દેવાયા હતા. હવે પોલીસ ફરિયાદ નોંધાતા તમામ 7 સસ્પેન્ડેડ ડોક્ટરો મેડિકલ કોલેજની હોસ્ટેલ છોડી ફરાર થયા છે. ત્યારે તેને ઝડપી લેવા નિલમબાગ પોલીસે બે ટીમો બનાવી તેને ઝડપી લેવા ચક્રોગતિમાન કર્યા છે. જ્યારે ફરિયાદીએ પોલીસને વીડિયો ફૂટેજ, મોબાઈલ સ્ક્રીન શોટ્સ સહિતના પુરાવા સોંપ્યા છે.

આ બનાવની વિગત એવી છે કે, શહેરમાં સરકારી મેડીકલ કોલેજના ઓર્થોપેડીક વિભાગમાં મદદનીશ પ્રાધ્યાપક ડો.અજયભાઇ જસમતભાઈ સેંતાએ નિલમબાગ પોલીસ મથકમાં તા.20 જૂન 2026ના રોજ ડો.વીર ઉર્ફે વિરેન્દ્રસિંહ જાડેજા, ડો.જયંત દેવાણી, ડૉ પ્રવીણ વર્મા, ડૉ ધર્મેન્દ્ર દયાળ, ડૉ. વિશાલ ડાભી, ડૉ. અમન વર્મા, ડૉ. દિવ્ય મોદી સામે ફરિયાદ નોંધાવી હતી. ગત તા.1 માર્ચથી 14 જૂન સુધી ભાવનગર સર.ટી હોસ્પિટલ ટ્રોમા સેન્ટર ખાતે પ્રથમ વર્ષના 13 રેસીડન્ટ ડોકટરોને બીજા વર્ષના 7 રેસીડન્ટ ડોકટરોએ શારીરિક અને માનસિક ત્રાસ આપતાં હતાં. જુનિયર તબીબ વિદ્યાર્થીઓને એકને એક વસ્તુ હજારથી વધુ વખત લખવા આપવી, આખી રાત ઓ.ટી.ડીપાર્ટમેન્ટ અને વોર્ડ બહાર ઉભા રાખી, ઓ.ટી. અને ડીપાર્ટમેન્ટમાં કુકડા અને મૂરઘા બનાવીને તેનો ફોટો અને વીડિયો ઉતારતાં હતાં. તેઓને સ્નાયુનો દુખાવો ના આવી જાય અને બેભાન ના થઈ જાય ત્યાં સુધી લાંબા સમય સુધી ઉભા રાખતાં હતાં. દિવસ દરમિયાન જમવા માટે કે સુવા માટેનો ફિકસ કલાકોનો સમય ન આપી અને જુનિયર રેસિડેન્ટ ડોકટરોને કોઇપણ જગ્યાએ જમતા કે સુતા કોઇ રીતે જોઇ જાય અથવા તેને જાણ થાય તો જુનિયર ડોકટરોને બોલાવીને અલગ અલગ રીતે સજા કરતા હતાં.

આ ઉપરાંત જુનિયરોને ઓ.ટી.ડીપાર્ટમેન્ટ અને વોર્ડમા તેમજ જાહેરમાં અપશબ્દો બોલી તથા કોઈ ભુલ ધ્યાનમા આવે તો રાત્રે ત્રણ વાગ્યે રૂબરૂ બોલાવીને ઉઠક બેઠક કરાવીને માર મારવાની ધાક ધમકીઓ આપતા હતાં. તેમજ અલગ અલગ પ્રકારની ધમકીઓ આપી 13 જુનિયર તબીબ વિદ્યાર્થીઓ સાથે અવાર-નવાર રેગીંગ કરતાં હતા. જે ફરિયાદના અનુસંધાને પોલીસે તમામ બીજા વર્ષના 7 સિનિયર રેસિડેન્ટ ડોક્ટરો સામે BNS એક્ટ 115(2), 352, 351(1), 296, 54 મુજબ ગુનો નોંધ્યો છે.

Exit mobile version