અમદાવાદની સાબરમતી મધ્યસ્થ જેલમાં પહોંચ્યો કોરોનાઃ 35 દર્દીઓ થયા સંક્રમિત
અમદાવાદઃ ગુજરાતમાં કોરોના મહામારીએ હાહાકાર મચાવ્યો છે. અમદાવાદ અને સુરત કોરોનાનું એપી સેન્ટર બન્યું હોય તેમ બંને શહેરોમાં જ સૌથી વધારે પોઝિટિવ કેસ સામે આવ્યાં છે. દરમિયાન અમદાવાદની સારબમતી મધ્યસ્થ જેલમાં પણ કોરોનાએ પગપેસારો કર્યો છે. જેમાં બંધ 35 કેદીઓ કોરોના સંક્રમિત થતા તંત્ર દોડતું થઈ ગયું છે. હાલ જેલના કુલ 55 જેટલા કેદીઓ હોસ્પિટલમાં કોવિડની સારવાર લઈ રહ્યાં છે.
પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદ શહેરમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસ ચિંતાજનક રીતે વધી રહ્યાં છે. બીજી તરફ અમદાવાદની સાબરમતી મધ્યસ્થ જેલમાં બંધ કેદીઓની પણ કોરોનાને લઈને તપાસ કરવામાં આવી હતી. તેમજ કેદીઓના કોરોના રિપોર્ટ પણ કરાયાં હતા. જેમાં એક જ દિવસમાં 35 જેટલા પોઝિટિવ કેસ નોંધાયા હતા. જેથી જેલ તંત્ર અને આરોગ્ય વિભાગ પણ ચોંકી ઉઠ્યું હતું.
આ અંગે જેલના અધિકારી જણાવ્યું હતું કે જેલમાં હાલ કેદીઓનું ટેસ્ટીગ કરવામાં આવી રહ્યું છે જેમાં કેદીઓને પોઝિટિવ આવતા તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, કોરોનાની પ્રથમ લહેર વખતે પણ જેલમાં કેટલાક કેદીઓ અને જેલ કર્મચારીઓ કોરોના સંક્રમિત થયાં હતા. બીજી તરફ કેદીઓએ પ્રજાની સેવા માટે જેલમાં જ માસ્ક બનાવ્યાં હતા. આ માસ્કનું અમદાવાદની પ્રજામાં વિતરણ પણ કરવામાં આવ્યું હતું. હવે બીજી લહેરમાં પણ કોરોનાનું સંક્રમણ સાબરમતી જેલમાં પહોંચ્યું છે. હાલ જેલના લગભગ 35 જેટલા કેદીઓ હોસ્પિટલમાં કોરોનાની સારવાર લઈ રહ્યાં છે.