Homeગુજરાતીગુજરાતચોટિલા પાસે ખાનગી લકઝરી બસમાં મધરાતે આગ લાગતા વૃદ્ધાનું મોત, મુસાફરોમાં નાસભાગ...

ચોટિલા પાસે ખાનગી લકઝરી બસમાં મધરાતે આગ લાગતા વૃદ્ધાનું મોત, મુસાફરોમાં નાસભાગ મચી ગઈ

અમદાવાદઃ રાજકોટ-અમદાવાદ હાઈવે પર ચોટિલા નજીક ગતરાત્રિએ ખાનગી ટ્રાવેલ્સની સ્લીપર બસમાં આગ લાગતા અફરાતફરી મચી હતી. સુરત તરફ જઈ રહેલી બસમાં આગ લાગવાના કારણે બસમાં ઊંઘી રહેલા મુસાફરોમાં નાસભાગ મચી હતી. બસમાં સવાર એક વૃદ્ધા ગંભીર રીતે દાઝી જતા મોત થયું હતુ. જ્યારે અન્ય મુસાફરો પણ દાઝી જતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

આ બનાવની વિગતો એવી જાણવા મળી છે કે, અમદાવાદ-રાજકોટ હાઈવે પર ચોટીલા પાસે ‘આપાગીગાના ઓટલા’ પાસેથી પસાર થઈ રહેલી એક ખાનગી ટ્રાવેલ્સની ચાલુ બસમાં અચાનક આગ લાગી હતી. જેના કારણે બસમાં સવાર મુસાફરોમાં નાસભાગ મચી ગઈ હતી. આગ લાગવાને કારણે બસ ઉભી રાખી દેવાતા મુસાફરો નીચે ઉતરવા લાગ્યા હતા. જો કે, બસમાં સવાર એક વૃદ્ધા ગંભીર રીતે દાઝી જતા મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય મુસાફરો દાઝી જતા તેઓને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. મૃતક 70 વર્ષીય વૃદ્ધા નોઈડાના રહેવાસી અને તેમનું નામ લત્તા પ્રભાકર મેનન હોવાનું જાણવા મળ્યું છે. આગનું કારણ FSLની તપાસ બાદ જાણવા મળશે.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ વાપીથી નીકળેલી અને સોમનાથ જતી બસ ચોટીલા નજીક આવેલા ધાર્મિક સ્થાન આપા ગીગાના ઓટલા પાસે પહોંચતા અચાનક શોર્ટ સર્કિટના કારણે આગ લાગી જતાં ચાલકે બસને હાઈવે પરથી સાઈડમાં લીધી હતી અને તુરંત જ પેસેન્જરોને ઉતારવા તજવીજ હાથ ધરી હતી.

અત્રે ઉલ્લેખનીય છે. કે, સુરેન્દ્રનગરના ચોટીલા પાસે ખાનગી ટ્રાવેલ્સની બસમાં આગ જેવી જ ઘટના એક વર્ષ પહેલા સુરતમાં બની હતી. એક વર્ષ પૂર્વે સુરતના કતારગામથી ભાવનગર જવા નીકળેલી બસ હીરાબાગ સર્કલ પાસે પહોંચતા આગ ફાટી નીકળી હતી. બસમાં આગના કારણે મુસાફરો નીચે ઉતરી ગયા હતા પરંતુ, એક મહિલાનું દાઝી જવાથી મોત નિપજ્યું હતું.

 

સંબંધિત લેખો

Most Popular