Homeગુજરાતીદેશ-વિદેશકોલકાતા આરજી કર કેસમાં પૂર્વ MLA નિર્મલ ઘોષ ઉપર ટોળાનો હુમલો, ઈંડા...

કોલકાતા આરજી કર કેસમાં પૂર્વ MLA નિર્મલ ઘોષ ઉપર ટોળાનો હુમલો, ઈંડા માર્યાં

કોલકાતો, 14 ઓગસ્ટ 2026: પશ્ચિમ બંગાળના ચર્ચિત આરજી કર હોસ્પિટલ દુષ્કર્મ-હત્યા કેસમાં પીડિતાના અંતિમ સંસ્કારમાં ઉતાવળ કરવાના મામલે હવે રાજકીય ગરમાવો આવ્યો છે. આ કેસમાં ધરપકડ કરાયેલા પૂર્વ ટીએમસી ધારાસભ્ય નિર્મલ ઘોષ પર શુક્રવારે ઉત્તર 24 પરગના જિલ્લામાં ઉશ્કેરાયેલી ભીડે હુમલો કર્યો હતો. પોલીસની ચુસ્ત સુરક્ષા વચ્ચે પણ લોકોએ તેમને ગડદા-પાટુનો માર્યો હતો અને તેમની પર ઈંડા તથા કાદવ ફેંક્યો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર, નિર્મલ ઘોષની એક દિવસ પહેલા જ ઓડિશાથી ધરપકડ કરવામાં આવી હતી. શુક્રવારે જ્યારે તેમને ખરદાહ પોલીસ સ્ટેશનથી બેરકપુર સબ-ડિવિઝનલ કોર્ટ લઈ જવામાં આવી રહ્યા હતા, ત્યારે બહાર એકઠી થયેલી ભીડે તેમને ઘેરી લીધા હતા. પોલીસ અને આરએએફના જવાનોએ સુરક્ષા કવચ બનાવ્યું હોવા છતાં, ટોળાએ તેમના પર હુમલો કર્યો હતો. ઘોષના માથા પર હેલ્મેટ પહેરાવવામાં આવ્યું હોવા છતાં ભીડે તેમને માર માર્યો હતો, જેના કારણે તેમના સફેદ કુર્તા પર કાદવ અને ઈંડાના નિશાન સ્પષ્ટ દેખાતા હતા. કોર્ટ પરિસરમાં પણ લોકોએ તેમને જોઈને ‘ચોર-ચોર’ ના નારા લગાવ્યા હતા.

આ કેસમાં ધરપકડ કરાયેલા બીજા આરોપી સંજીબ મુખર્જી સાથે પણ સમાન વર્તન જોવા મળ્યું હતું. મુખર્જી પાનીહાટી નગરપાલિકાના પૂર્વ કાઉન્સિલર છે અને નિર્મલ ઘોષના નજીકના સહયોગી માનવામાં આવે છે. આરોપ છે કે, જ્યારે પીડિતાના મૃતદેહને પોસ્ટમોર્ટમ બાદ પાનીહાટી સ્મશાન ઘાટ લઈ જવામાં આવી રહ્યો હતો, ત્યારે મુખર્જી ત્યાં હાજર હતા. આ કેસનો ત્રીજો આરોપી પાનીહાટી નગરપાલિકાનો પૂર્વ અધ્યક્ષ સોમનાથ ડે હાલ ફરાર છે અને પોલીસ તેની શોધ ચલાવી રહી છે.

  • શું છે ઉતાવળમાં અંતિમ સંસ્કારનો વિવાદ?

પીડિતાના પિતાએ સોમવારે નોંધાવેલી ફરિયાદમાં આક્ષેપ કર્યો છે કે, નિર્મલ ઘોષ સહિતના ત્રણ લોકોએ પોતાના રાજકીય પ્રભાવનો ઉપયોગ કરીને પરિવારની ઈચ્છા વિરુદ્ધ ખૂબ જ ઉતાવળમાં અંતિમ સંસ્કાર કરાવ્યા હતા. પીડિતાના માતા-પિતાનું માનવું છે કે, જો અંતિમ સંસ્કારમાં આટલી ઉતાવળ ન કરવામાં આવી હોત, તો ફરીથી પોસ્ટમોર્ટમ શક્ય બન્યું હોત, જેનાથી દુષ્કર્મ અને હત્યા સાથે જોડાયેલા મહત્વના તથ્યો બહાર આવી શક્યા હોત. પશ્ચિમ બંગાળમાં આ મામલે રાજકીય દબાણ વધતા પોલીસે આ નવી તપાસ શરૂ કરી છે.

સંબંધિત લેખો

Most Popular