1. Home
  2. ગુજરાતી
  3. બિહારમાં પાંચ સંતાનો સાથે પિતાએ ગળાફાંસો ખાઈને સામુહિક આત્મહત્યા કરી, ચારના મોત
બિહારમાં પાંચ સંતાનો સાથે પિતાએ ગળાફાંસો ખાઈને સામુહિક આત્મહત્યા કરી, ચારના મોત

બિહારમાં પાંચ સંતાનો સાથે પિતાએ ગળાફાંસો ખાઈને સામુહિક આત્મહત્યા કરી, ચારના મોત

0
Social Share

મુઝફ્ફરપુર: બિહારના મુઝફ્ફરપુર જિલ્લાના સકરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જ્યાં એક પિતાએ પોતાના ત્રણ દીકરીઓ સાથે ગળે ફાંસો લગાવીને આત્મહત્યા કરી લીધી. આ ઘટનામાં કુલ ચાર લોકોનાં મોત થયા છે, જ્યારે તેના અન્ય બે બાળકોનો આબાદ બચાવ થયો છે. પોલીસના જણાવ્યા અનુસાર, આ ઘટના સકરા પોલીસ સ્ટેશન વિસ્તારના નવલપુર મિશ્રૌલિયા વોર્ડ નંબર ૪ની છે. અમરનાથ રામ નામના વ્યક્તિએ પોતાના પાંચ સંતાનો સાથે ગળે ફાંસો લગાવીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. આ દુર્ઘટનામાં કુલ ચાર લોકોનાં મોત થયા છે, જ્યારે બે બાળકો કોઈક રીતે બચી ગયા છે.

સુત્રોના જણાવ્યા અનુસાર, અમરનાથે પહેલા બાળકોના ગળામાં ફાંસો લગાવ્યો હશે અને પછી પોતે પણ ફાંસી લગાવીને જીવન ટુંકાવ્યું હતું. મૃતકોમાં અમરનાથ રામ અને તેની ત્રણ દીકરીઓ અનુરાધા, શિવાની અને રાધિકાનો સમાવેશ થાય છે. જ્યારે તેના બે માસૂમ પુત્રો શિવમ અને અભિરાજનો ચમત્કારિક બચાવ થયો છે. અમરનાથ રામ મજૂરીનું કામ કરતો હતો અને છેલ્લા ઘણા દિવસોથી માનસિક રીતે પરેશાન હતો. એક વર્ષ પહેલા તેની પત્નીનું અવસાન થયું હતું, ત્યારથી તે ચૂપચાપ અને ઉદાસ રહેવા લાગ્યો હતો. સ્થાનિક ગ્રામજનોના મતે, અમરનાથની માનસિક પરેશાનીના કારણે આખો પરિવાર આર્થિક સમસ્યાઓનો પણ સામનો કરી રહ્યો હતો. આ ઘટના બાદ ગામના લોકો પણ સ્તબ્ધ છે અને અનેક પ્રકારની ચર્ચાઓ કરી રહ્યા છે.

ઘટનાની જાણ થતા સોમવારે પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને મામલાની તપાસ શરૂ કરી હતી. જોકે, પોલીસ અધિકારીઓ હજી આ મામલે કંઈ પણ કહેવાનું ટાળી રહ્યા છે. પોલીસે તમામ મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે. ઘટનાસ્થળે એફએસએલ (ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી)ની ટીમને પણ બોલાવવામાં આવી છે. પોલીસ આ ઘટના પાછળના ચોક્કસ કારણો જાણવા માટે તપાસ કરી રહી છે.

 

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code