નવી દિલ્હી: કેન્દ્રીય તપાસ બ્યુરોએ દેશભરમાં સાયબર ઠગાઈ ફેલાવતા એક મોટા સંગઠિત નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. આ નેટવર્ક દ્વારા લોકોને ડિજિટલ અરેસ્ટ, ફેક લોન, રોકાણ સ્કેમ અને અન્ય ઠગાઈને અંજામ આપતા નકલી એસએમએસ મોટા પાયે મોકલવામાં આવતા હતા. CBIએ આ મામલે સોનવીર સિંહ, મનીષ ઉપ્રેતી અને હિમાલય નામના ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે.
સીબીઆઈની આ કાર્યવાહી ‘ઓપરેશન ચક્ર-વી’ હેઠળ કરવામાં આવી છે, જેનો મુખ્ય હેતુ સાયબર ક્રાઇમની જડ પર પ્રહાર કરવાનો છે. તપાસમાં સામે આવ્યું છે કે દિલ્હી-એનસીઆર અને ચંદીગઢ વિસ્તારમાંથી આ સંગઠિત ગેંગ સાયબર ગુનેગારોને બલ્ક એસએમએસ સર્વિસ પૂરી પાડી રહી હતી. ચોંકાવનારી વાત એ છે કે આ સિસ્ટમનો ઉપયોગ વિદેશી સાયબર ઠગ પણ ભારતીય નાગરિકોને છેતરવા માટે કરી રહ્યા હતા.
CBIની તપાસમાં ખુલાસો થયો છે કે આ ટોળકીએ DoT (દૂરસંચાર વિભાગ)ના નિયમોનું ઉલ્લંઘન કરીને લગભગ 21 હજાર સિમકાર્ડ્સ ગેરકાયદેસર રીતે મેળવ્યા હતા. આ સિમકાર્ડ્સને એક ઓનલાઈન પ્લેટફોર્મ દ્વારા નિયંત્રિત કરવામાં આવતા હતા. આ જ સિમકાર્ડ્સમાંથી મોટા પાયે નકલી મેસેજ મોકલીને લોકોને સસ્તી લોન, વધુ નફાવાળા રોકાણ અને અન્ય લાલચ આપીને તેમની વ્યક્તિગત અને બેંક સંબંધિત માહિતી ચોરી કરવામાં આવતી હતી.
સીબીઆઈએ દૂરસંચાર વિભાગ (DoT) સાથે મળીને અને ‘સંચાર સાથી’ પોર્ટલમાંથી મળેલા ઇનપુટના આધારે એક ખાનગી કંપની વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. આ કંપની પર સમગ્ર ગેરકાયદે સિસ્ટમ ચલાવવાનો આરોપ છે, જેનાથી દેશભરમાં લાખો લોકોને છેતરપિંડીના મેસેજ મોકલાઈ રહ્યા હતા. સીબીઆઈની ટીમોએ દિલ્હી, નોઇડા અને ચંદીગઢમાં અનેક ઠેકાણાઓ પર એક સાથે દરોડા પાડ્યા હતા. દરોડા દરમિયાન એક સંપૂર્ણ એક્ટિવ સેટઅપ મળી આવ્યું હતું. આ સેટઅપમાંથી સર્વર, કમ્યુનિકેશન ડિવાઇસ, USB હબ, ડોંગલ અને હજારો સિમ કાર્ડ મળી આવ્યા હતા. આ જ સિસ્ટમમાંથી દરરોજ લાખો નકલી SMS મોકલવામાં આવી રહ્યા હતા.
આ કાર્યવાહી દરમિયાન CBIએ મહત્ત્વના ડિજિટલ પુરાવા, હિસાબ વગરની રોકડ અને ક્રિપ્ટોકરન્સી પણ જપ્ત કરી છે. પ્રાથમિક તપાસમાં કેટલીક ટેલિકોમ કંપનીઓના ચેનલ પાર્ટનર્સ અને તેમના કર્મચારીઓની ભૂમિકા પણ સામે આવી છે, જેમણે ગેરકાયદેસર રીતે સિમકાર્ડ્સ ઉપલબ્ધ કરાવવામાં મદદ કરી હતી. આ મામલે તપાસ હજી ચાલુ છે અને CBIનું કહેવું છે કે આગામી સમયમાં વધુ ધરપકડો થઈ શકે છે.


