ઈરાનના સુપ્રીમો ખામેનેઈએ અમેરિકા સામે ઝુકવાનો કર્યો ઈન્કાર
તહેરાન, 9 જાન્યુઆરી 2026: ઈરાનમાં મોંઘવારી સામે શરૂ થયેલું આંદોલન હવે સર્વોચ્ચ નેતા આયતુલ્લા અલી ખામેનેઈની સત્તાને ઉખેડી ફેંકવા માટેના પ્રચંડ બળવામાં ફેરવાઈ ગયું છે. દેશના અનેક શહેરોમાં પ્રદર્શનકારીઓ રસ્તા પર ઉતરી આવ્યા છે અને નિર્વાસિત ક્રાઉન પ્રિન્સ રઝા પહલવીને સત્તા સોંપવાની માંગ કરી રહ્યા છે. સ્થિતિ એટલી ગંભીર છે કે ગુરુવારે રાત્રે સમગ્ર ઈરાનમાં ઈન્ટરનેટ અને ટેલિફોન સેવાઓ ઠપ કરી દેવામાં આવી હતી. દરમિયાન દેશને સંબોધતા સર્વોચ્ચ નેતા આયતુલ્લા અલી ખામેનેઈએ પ્રદર્શનકારીઓ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે આક્ષેપ કર્યો હતો કે, “કેટલાક તોફાની તત્વો અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને ખુશ કરવા માટે દેશમાં તોડફોડ કરી રહ્યા છે. અમે વિદેશી શક્તિઓના ઈશારે કામ કરતા ભાડૂતી સૈનિકોને જરાય સહન નહીં કરીએ.” ખામેનેઈના ભાષણ દરમિયાન તેહરાનમાં ભીડે ‘અમેરિકા મુર્દાબાદ’ના નારા લગાવ્યા હતા.
ખામેનેઈએ જૂન 2025માં ઈરાનના પરમાણુ પ્લાન્ટ્સ પર થયેલા અમેરિકી હુમલાનો ઉલ્લેખ કરતા કહ્યું કે, “ડોનાલ્ડ ટ્રમ્પના હાથ હજારો ઈરાનીઓના લોહીથી ખરડાયેલા છે. અમે લાખો બલિદાન આપીને આ સત્તા મેળવી છે અને અમે આટલી સરળતાથી ઝૂકવાના નથી. જો અમેરિકાને દેશ ચલાવતા આવડતું હોત તો તે પોતાનો દેશ સંભાળતું હોત.” બીજી તરફ, પૂર્વ ક્રાઉન પ્રિન્સ રઝા પહલવીએ સોશિયલ મીડિયા પર ઈરાનની જનતાને સંબોધતા કહ્યું કે, “આખી દુનિયાની નજર તમારા પર છે, રસ્તાઓ પર ઉતરો.” આ આહવાન બાદ પ્રદર્શનમાં ભારે ઉછાળો જોવા મળ્યો હતો. ‘ક્લાઉડફ્લેર’ અને ‘નેટબ્લોક્સ’ જેવી સંસ્થાઓએ પુષ્ટિ કરી છે કે ઈરાન સરકારે વિરોધને દબાવવા માટે ઈન્ટરનેટ પર પ્રતિબંધ લાદી દીધો છે.
ઈરાનના સરકારી ટીવી પર પહેલીવાર આ હિંસાના દ્રશ્યો બતાવવામાં આવ્યા હતા. જેમાં મેટ્રો સ્ટેશનો, બેંકો, બસો અને ખાનગી કારો સળગતી જોવા મળી હતી. સરકારે આ અશાંતિ પાછળ વિપક્ષી જૂથ ‘પીપલ્સ મુજાહિદ્દીન ઓર્ગેનાઈઝેશન’ (MKO) અને અમેરિકા-ઈઝરાયેલના એજન્ટોનો હાથ હોવાનો દાવો કર્યો છે.


