ભારતને ફૂડ બાસ્કેટ બનાવવાનું લક્ષ્ય ત્યારે જ પ્રાપ્ત થશે જ્યારે વૈજ્ઞાનિકો પ્રયોગશાળાથી ખેતર સુધી જ્ઞાન લઈ જશે: શિવરાજસિંહ
નવી દિલ્હી, 28 ફેબ્રુઆરી 2026: રાણી લક્ષ્મીબાઈ કેન્દ્રીય કૃષિ વિશ્વવિદ્યાલય, ઝાંસીએ તેનો ત્રીજો દીક્ષાંત સમારોહ ઐતિહાસિક ગરિમા અને ઉત્સાહ સાથે આયોજિત કર્યો હતો. કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ, અને ગ્રામીણ વિકાસ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે મુખ્ય અતિથિ તરીકે “ભારત માતા કી જય” અને “ઝાંસી કી રાણી લક્ષ્મીબાઈ કી જય”ના નારા લગાવીને પોતાના સંબોધનની શરૂઆત કરી હતી. તેમણે વ્યક્તિગત રીતે 365 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરી અને 15 તેજસ્વી વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ આપીને સન્માનિત કર્યા હતા.
જનમેદનીને સંબોધતા શિવરાજ ચૌહાણે કહ્યું, “દીક્ષાંત સમારોહ એ જીવનનો અંત નથી, પરંતુ રાષ્ટ્ર નિર્માણના નવા પ્રકરણની શરૂઆત છે.” વિદ્યાર્થીઓને આહવાન કરતા તેમણે કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત વૈશ્વિક સન્માન મેળવી રહ્યું છે અને હવે પોતાના જ્ઞાન, કૌશલ્ય અને મૂલ્યો દ્વારા રાષ્ટ્ર અને તેમની સંસ્થાનું ગૌરવ વધારવાની જવાબદારી યુવાનોની છે.
ગુરુ દ્રોણાચાર્ય અને ગુરુ-શિષ્ય પરંપરાનો ઉલ્લેખ કરતા કેન્દ્રીય મંત્રીએ પ્રામાણિકતા અને સમર્પણનો સંદેશ આપ્યો હતો. પ્રેરણાદાયી વિચારો ટાંકતા તેમણે જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓ અસીમ ક્ષમતા ધરાવે છે; જરૂર છે માત્ર એક લક્ષ્ય નક્કી કરવાની અને દ્રઢ નિશ્ચય સાથે આગળ વધવાની છે. કેન્દ્રીય મંત્રી શિવરાજ ચૌહાણે દેશની ખાદ્ય સુરક્ષા પર પ્રકાશ પાડ્યો અને જણાવ્યું કે આજે ભારત અનાજ માટે કોઈ પણ દેશ પર નિર્ભર નથી. તેમણે આ સિદ્ધિનો શ્રેય કૃષિ વૈજ્ઞાનિકો અને મહેનતુ ખેડૂતોને આપ્યો. ‘પોષણક્ષમ ભારત’ ના ખ્યાલ પર ભાર મૂકતા તેમણે જણાવ્યું હતું કે ઉત્પાદનની સાથે ગુણવત્તા અને પોષણ પણ એટલા જ મહત્વના છે.
તેમણે માહિતી આપી હતી કે સરકાર ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT) દ્વારા ખેડૂતોના ખાતામાં સીધી રીતે ખાતર સબસિડી ટ્રાન્સફર કરીને તેને પારદર્શક બનાવવા માટે કામ કરી રહી છે. અત્યાર સુધીમાં 8.5 કરોડ ખેડૂતોના ફાર્મર આઈડી બનાવવામાં આવ્યા છે, જેમાં 12 કરોડ સુધી પહોંચવાનો લક્ષ્યાંક છે. ‘ભારત એક્સ્ટેંશન પ્લેટફોર્મ’ દ્વારા ખેડૂતોને તેમના મોબાઈલ ફોન પર પાક સંબંધિત સંપૂર્ણ માહિતી પૂરી પાડવામાં આવી રહી છે.
શિવરાજ સિંહ ચૌહાણે જણાવ્યું હતું કે બુંદેલખંડની માટી કઠોળ ક્રાંતિનું કેન્દ્ર બનવાની ક્ષમતા ધરાવે છે. તેમણે પુનરોચ્ચાર કર્યો કે ભારતને વૈશ્વિક ‘ફૂડ બાસ્કેટ’ બનાવવાનું લક્ષ્ય ત્યારે જ પ્રાપ્ત થશે જ્યારે વૈજ્ઞાનિકો ખાતરી કરશે કે જ્ઞાન પ્રયોગશાળાઓથી ખેડૂતોના ખેતરો સુધી પહોંચે. તેમની વ્યક્તિગત પ્રતિબદ્ધતાનો ઉલ્લેખ કરતા તેમણે જણાવ્યું હતું ppકે તેઓ દરરોજ એક છોડ વાવે છે અને દરેકને તેમના જન્મદિવસ પર ઓછામાં ઓછો એક છોડ વાવવાની અપીલ કરી હતી.


