ઈરાનની સત્તા મેળવવાના રઝા પહલવીના સપના પર ટ્રમ્પે ફેરવ્યું પાણી: અમેરિકાએ આપ્યો મો
વોશિંગ્ટન, 4 માર્ચ 2026 : ઈરાનના સુપ્રીમ લીડર અયાતુલ્લા અલી ખામેનેઈના મૃત્યુ બાદ ઈરાનની ગાદી સંભાળવાની આશા રાખીને બેઠેલા રઝા પહલવીને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મોટો આંચકો આપ્યો છે. ટ્રમ્પે સ્પષ્ટ કર્યું છે કે તેમનું પ્રશાસન ઈરાનની સત્તા પહલવીને સોંપવાનું સમર્થન કરતું નથી.
રઝા પહલવી, જેમના પિતા ખામેનેઈના શાસન પહેલા ઈરાનના શાસક હતા, તેઓ લાંબા સમયથી દેશનિકાલમાં રહી રહ્યા છે. ખામેનેઈ અને ઈઝરાયેલ-અમેરિકા વચ્ચેના સંઘર્ષ બાદ પહલવી ફરી સક્રિય થયા હતા. તાજેતરમાં ઈઝરાયેલના હુમલામાં ખામેનેઈના મોતના સમાચાર આવ્યા બાદ એવી અટકળો હતી કે ટ્રમ્પ વહીવટીતંત્ર પહલવીને ઈરાનના આગામી વડા બનાવી શકે છે. પહલવીએ તો આ સૈન્ય કાર્યવાહી માટે ટ્રમ્પનો આભાર પણ માન્યો હતો.
પોતાના સંબોધનમાં ટ્રમ્પે તમામ અટકળો પર વિરામ મુકતા જણાવ્યું હતું કે: રઝા પહલવી એક સારા વ્યક્તિ છે, પરંતુ હવે તેમને સત્તા સોંપવાનો કોઈ વિચાર નથી. અમેરિકી પ્રશાસન હાલમાં પહલવીના નામનું સમર્થન કરી રહ્યું નથી. લશ્કરી અભિયાન સમાપ્ત થયા બાદ ઈરાની શાસન સાથે જોડાયેલી જ કોઈ વ્યક્તિને સત્તા સોંપવામાં આવી શકે છે. “એક સમયે પહલવીને સત્તા સોંપવાનો વિચાર જરૂર હતો, પરંતુ હવે સ્થિતિ બદલાઈ ગઈ છે. અમારું પ્રશાસન આ બાબતે તેમનું સમર્થન નથી કરતું.”
રઝા પહલવી માટે આ નિવેદન કોઈ મોટા આંચકાથી ઓછું નથી. તેમના પિતાને ક્રાંતિ દ્વારા સત્તા પરથી હટાવવામાં આવ્યા હતા અને ત્યારથી તેમનો પરિવાર સત્તામાં વાપસીની રાહ જોઈ રહ્યો હતો. પરંતુ ટ્રમ્પના આ વલણથી હવે સ્પષ્ટ થઈ ગયું છે કે ઈરાનનું ભવિષ્ય પહલવીના હાથમાં નથી.


