1. Home
  2. ગુજરાતી
  3. ભારતીય લગ્નોમાં AI ની એન્ટ્રીઃ મેંદીની ડિઝાઇનથી લઈ મેનૂ કાર્ડ સુધી બધું જ થશે સ્માર્ટ
ભારતીય લગ્નોમાં AI ની એન્ટ્રીઃ મેંદીની ડિઝાઇનથી લઈ મેનૂ કાર્ડ સુધી બધું જ થશે સ્માર્ટ

ભારતીય લગ્નોમાં AI ની એન્ટ્રીઃ મેંદીની ડિઝાઇનથી લઈ મેનૂ કાર્ડ સુધી બધું જ થશે સ્માર્ટ

0
Social Share

ભારતમાં લગ્ન એટલે અવાજ, રંગો, ભીડ અને દોડધામનો મહોત્સવ. પરંતુ હવે આ આખા મેનેજમેન્ટને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (એઆઈ) ની મદદથી સરળ બનાવવામાં આવી રહ્યું છે. મેંદીની ડિઝાઇન પસંદ કરવાથી લઈને મહેમાનોનું લિસ્ટ, ફોટોગ્રાફી અને જમવાના મેનૂ સુધી, એઆઈ હવે ભારતીય લગ્નોને પહેલા કરતા વધુ હાઈટેક બનાવી રહ્યું છે. જોકે, સવાલ એ છે કે શું ટેકનોલોજી આ ઈમોશનલ ઈવેન્ટમાં માણસનું સ્થાન લઈ શકશે?

મેંદી સેરેમનીમાં પહેલા કલાકો સુધી આર્ટિસ્ટની રાહ જોવી પડતી હતી, પરંતુ હવે એઆઈએ તેમાં નવો વળાંક લાવ્યો છે. સ્માર્ટ ટૂલ્સ હવે તમારા આઉટફિટનો રંગ, હાથનો આકાર અને સોશિયલ મીડિયાના લેટેસ્ટ ટ્રેન્ડ મુજબ ડિઝાઇન સૂચવે છે. તેનાથી દુલ્હનોને પર્સનલાઈઝ્ડ પેટર્ન તરત મળી જાય છે. જોકે, નિષ્ણાતો માને છે કે ફાઈનલ ટચ તો હજી પણ માનવીય કલાકાર જ વધુ સારો આપી શકે છે.

કપડાની પસંદગી એ લગ્નનું સૌથી મોટું માથાનું ભારણ છે, પરંતુ એઆઈ સ્ટાઈલિસ્ટ આ કામ સરળ બનાવી રહ્યા છે. ‘વર્ચ્યુઅલ ટ્રાય-ઓન’ની મદદથી તમે કપડા પહેર્યા વગર જ તે કેવા લાગશે તે મોબાઈલ પર જોઈ શકો છો. જોકે, મોંઘા દાગીનાના વિઝ્યુઅલ્સ એઆઈ પર શેર કરતી વખતે સાવચેતી રાખવી જરૂરી છે, કારણ કે ડેટા લીક થવાનું જોખમ રહેલું છે.

લગ્નમાં હજારો ફોટા ખેંચાય છે, જેમાંથી શ્રેષ્ઠ ફોટા પસંદ કરવા એ મોટું કામ છે. હવે એઆઈ ફોટો ક્યુરેશન અને ઓટો એડિટિંગ દ્વારા ખરાબ ફોટા કાઢીને મિનિટોમાં હાઈલાઈટ વીડિયો બનાવી આપે છે. પરંતુ આ ટેકનોલોજી સાથે ‘ડીપફેક’નું જોખમ પણ જોડાયેલું છે. ફોટા કે વીડિયો સાથે છેડછાડ થઈ શકે છે, તેથી ડિજિટલ વેરિફિકેશન અનિવાર્ય બન્યું છે.

એઆઈ એલ્ગોરિધમ્સ મહેમાનોની પસંદગીનો અંદાજ લગાવીને મેનૂ નક્કી કરવામાં અને ખોરાકનો બગાડ ઘટાડવામાં મદદ કરી રહ્યા છે. સીટિંગ એરેન્જમેન્ટ અને આરએસવીપી ટ્રેકિંગ પણ હવે ઓટોમેટેડ થઈ રહ્યું છે. આ સિવાય ટ્રાફિક અને રૂટ ઓપ્ટિમાઈઝેશન દ્વારા મહેમાનોની મુસાફરીને પણ એઆઈ સરળ બનાવી રહ્યું છે.

કાગળની કંકોત્રીને બદલે હવે એઆઈ-ડિઝાઇન કરેલી ડિજિટલ કંકોત્રીઓ લોકપ્રિય થઈ રહી છે. મ્યુઝિકની વાત કરીએ તો, એઆઈ પ્લેલિસ્ટ ભીડના મૂડ મુજબ ગીતો વગાડે છે, જેથી ડાન્સ ફ્લોર ક્યારેય ખાલી રહેતો નથી.

એઆઈ લગ્નને વ્યવસ્થિત બનાવી શકે છે, પરંતુ તે રીત-રિવાજો વખતે થતી લાગણીઓને અનુભવી શકતું નથી. નિષ્ણાતોનું માનવું છે કે AI ને ‘બેકસ્ટેજ મેનેજર’ તરીકે વાપરવું જોઈએ, તેને સમારોહનું કેન્દ્ર ન બનાવવું જોઈએ. ટેકનોલોજી અને માનવીય સંવેદનાઓનું સંતુલન જ લગ્નને યાદગાર બનાવશે.

(PHOTO-FILE)

આ પણ વાંચોઃ વડોદરામાં ઉર્મી બ્રિજ અને ગોકૂલ ડૂપ્લેક્સ પાસે 10 ફુટના બે મગરોનું રેસ્ક્યુ કરાયું

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code