1. Home
  2. ગુજરાતી
  3. વર્લ્ડ કપ દરમિયાન પાક ખેલાડીએ મહિલા સાથે કર્યું ગેરવર્તન, મેનેજરે માંગી માફી
વર્લ્ડ કપ દરમિયાન પાક ખેલાડીએ મહિલા સાથે કર્યું ગેરવર્તન, મેનેજરે માંગી માફી

વર્લ્ડ કપ દરમિયાન પાક ખેલાડીએ મહિલા સાથે કર્યું ગેરવર્તન, મેનેજરે માંગી માફી

0
Social Share

કોલંબો, 5 માર્ચ 2026: ટી20 વર્લ્ડ કપ 2026માં કંગાળ પ્રદર્શન બાદ પાકિસ્તાની ક્રિકેટ ટીમ પહેલેથી જ ટીકાઓનો સામનો કરી રહી છે, ત્યારે હવે એક ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. શ્રીલંકામાં રમાયેલા વર્લ્ડ કપ દરમિયાન પાકિસ્તાની ટીમના એક ખેલાડીએ હોટલના મહિલા હાઉસકીપિંગ સ્ટાફ સાથે ગેરવર્તણૂક કરી હોવાના ગંભીર આરોપો લાગ્યા છે. આ ઘટનાને પગલે ટીમ મેનેજર નવીદ ચીમાએ તાત્કાલિક એક્શન લઈ ખેલાડીને દંડ ફટકાર્યો હોવાનું જાણવા મળ્યું છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ શરમજનક ઘટના શ્રીલંકાના કેન્ડી સ્થિત ‘ગોલ્ડન ક્રાઉન’ હોટલમાં બની હતી, જ્યાં પાકિસ્તાની ટીમ રોકાઈ હતી. આરોપ છે કે ટીમના એક ખેલાડીએ મહિલા હાઉસકીપિંગ સ્ટાફ સાથે અત્યંત ખરાબ વ્યવહાર કર્યો હતો. ‘ટેલિકોમ એશિયા સ્પોર્ટ’ના અહેવાલ મુજબ, મહિલા સ્ટાફે ડરીને મદદ માટે બૂમો પાડી હતી, જેના પછી હોટલના અન્ય કર્મચારીઓ દોડી આવ્યા હતા.

હોટલ મેનેજમેન્ટ દ્વારા આ મામલે ટીમ મેનેજર નવીદ ચીમાને ફરિયાદ કરવામાં આવી હતી. મામલાની ગંભીરતા જોઈને મેનેજરે તુરંત હોટલ સત્તાધીશોની માફી માંગી હતી અને સંબંધિત ખેલાડી પર આકરો દંડ લાદ્યો હતો. જોકે, આ વિવાદ અહીં શમ્યો નથી. દંડ હોવા છતાં, આ ખેલાડીને હવે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડની શિસ્ત સમિતિ સમક્ષ હાજર થવું પડી શકે છે, જ્યાં તેના પર લાંબા ગાળાનો પ્રતિબંધ કે અન્ય કડક સજા થઈ શકે છે.

આ ઘટના પાકિસ્તાનની છેલ્લી સુપર-8 મેચની આસપાસ બની હોવાનું કહેવાય છે. જોકે પાકિસ્તાને શ્રીલંકાને 5 રનથી હરાવ્યું હતું, પરંતુ નેટ રન રેટના કારણે ટીમ સેમીફાઈનલમાં પહોંચી શકી નહોતી. વર્લ્ડ કપમાંથી બહાર ફેંકાવાની નિરાશા વચ્ચે આ શિસ્તભંગની ઘટનાએ પાકિસ્તાન ક્રિકેટની આબરૂના ધજાગરા ઉડાડ્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાની ખેલાડીઓ માટે આવા વિવાદો નવા નથી. અગાઉ પણ વિદેશી પ્રવાસો દરમિયાન ખેલાડીઓ કે સપોર્ટ સ્ટાફ પર શિસ્તભંગ અને ગેરવર્તણૂકના આરોપો લાગતા રહ્યા છે. હાલમાં સુરક્ષા અને ગુપ્તતાના કારણોસર ગેરવર્તણૂક કરનાર ખેલાડીનું નામ જાહેર કરવામાં આવ્યું નથી, પરંતુ પાકિસ્તાની મીડિયામાં આ મામલે ભારે ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે.

આ પણ વાંચોઃ વસતિ ગણતરી 2027 માં 30 લાખથી વધુ ગણતરીકારો, સુપરવાઇઝર અને અધિકારીઓ જોડાશે

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code