ISI માટે જાસૂસી કરતો નેવીનો જવાન ઝડપાયો: યુદ્ધ જહાજોના લોકેશન પાકિસ્તાન મોકલ્યા હતા
લખનૌ, 11 માર્ચ 2026: પાકિસ્તાની ગુપ્તચર એજન્સી આઈએસઆઈ માટે જાસૂસી કરવાના આરોપમાં ઉત્તર પ્રદેશ એન્ટી ટેરરિઝમ સ્ક્વોડએ ભારતીય નૌકાદળના એક જવાનની ધરપકડ કરી છે. આગ્રાના ચીતપુર ગામનો રહેવાસી આદર્શ કુમાર ઉર્ફે લકી, જે કેરળના કોચીમાં દક્ષિણ નેવલ કમાન્ડમાં તૈનાત હતો, તે ભારતની ગુપ્ત માહિતીઓ સરહદ પાર મોકલતો હતો. દરમિયાન તેની ધરપકડ બાદ કોર્ટે તેને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં જેલ મોકલી આપ્યો છે.
ATS ની તપાસમાં ખુલાસો થયો છે કે, આદર્શ કુમાર પાકિસ્તાની હેન્ડલરના સંપર્કમાં હતો. તેણે ભારતીય નૌકાદળના અનેક યુદ્ધ જહાજોની તસવીરો અને તેમના ચોક્કસ લોકેશન ISI ને મોકલ્યા હતા. આ દેશદ્રોહી કામના બદલામાં પાકિસ્તાની એજન્ટો દ્વારા તેના બેંક ખાતામાં મોટી રકમ પણ ટ્રાન્સફર કરવામાં આવી હતી. આર્થિક વ્યવહારો અને ડિજિટલ પુરાવા મળ્યા બાદ ATS એ વધુ તપાસ તેજ કરી હતી.
7 વર્ષ પહેલા નૌકાદળમાં ભરતી થયેલા આદર્શના લગ્ન 19 ફેબ્રુઆરીએ મથુરાની યુવતી સાથે થયા હતા. લગ્ન બાદ તે હનીમૂન માટે દુબઈ ગયો હતો. તે ગામનો પહેલો એવો યુવાન હતો જે લગ્ન પછી વિદેશ ફરવા ગયો હતો, જેની ચર્ચા આખા ગામમાં હતી. બે દિવસ પહેલા જ તે દુબઈથી પરત ફર્યો હતો. યોગ્ય પુરાવા મળ્યા બાદ ATS એ તેને આગ્રાથી ઝડપી લીધો હતો.
આદર્શના પિતા દારૂના કોન્ટ્રાક્ટર છે અને તે પરિવારમાં સૌથી નાનો પુત્ર છે. નૌકાદળમાં નોકરી હોવા છતાં તેનો વૈભવી ખર્ચ જોઈને ગામના લોકોને પહેલાથી જ શંકા થતી હતી. તેની ધરપકડના સમાચાર વાયુવેગે ફેલાતા ગામમાં ચર્ચાનો બજાર ગરમ છે. પરિવારના સભ્યો આ કરતૂતથી અત્યંત શરમીંદા છે અને ઘરના દરવાજા બંધ કરીને મીડિયાથી અંતર જાળવી રહ્યા છે.
આગ્રામાં જાસૂસીનો આ કોઈ પહેલો કિસ્સો નથી. અગાઉ માર્ચ 2023 માં ફિરોઝાબાદ ઓર્ડિનન્સ ફેક્ટરીના ચાર્જમેન રવિન્દ્ર કુમારની પણ અહીંથી ધરપકડ કરવામાં આવી હતી, જે ફેસબુક પર નેહા નામની પ્રોફાઈલ ધરાવતી ISI હેન્ડલર સાથે ચેટ કરતો હતો. તે સિવાય 2015 માં બાંગ્લાદેશી એજન્ટ મોહમ્મદ એજાઝને પણ એરફોર્સ સ્ટેશનની રેકી કરતા ઝડપી લેવામાં આવ્યો હતો. હાલમાં નૌકાદળના ઉચ્ચ અધિકારીઓ પણ આ કેસમાં આદર્શની સંડોવણીની ઊંડી તપાસ કરી રહ્યા છે કે તેણે અન્ય કઈ કઈ મહત્વની માહિતીઓ પાકિસ્તાન સાથે શેર કરી છે.
આ પણ વાંચોઃ સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: 12 વર્ષથી કોમામાં રહેલા યુવાનને આપી ઇચ્છામૃત્યુની મંજૂરી


