1. Home
  2. ગુજરાતી
  3. રાજસ્થાનઃ જયપુર-કિશનગઢ હાઈવે હવે સિક્સ લેન બનશે
રાજસ્થાનઃ જયપુર-કિશનગઢ હાઈવે હવે સિક્સ લેન બનશે

રાજસ્થાનઃ જયપુર-કિશનગઢ હાઈવે હવે સિક્સ લેન બનશે

0
Social Share

નવી દિલ્હી, 14 માર્ચ 2026: કેન્દ્ર સરકાર દ્વારા દેશના અતિ વ્યસ્ત ગણાતા નેશનલ હાઈવે-48ને વધુ આધુનિક અને સુરક્ષિત બનાવવા માટે મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ સોશિયલ મીડિયા પર જાહેરાત કરી હતી કે, રાજસ્થાનના જયપુર-કિશનગઢ સેક્શનના અપગ્રેડેશન અને મહારાષ્ટ્રના કોલ્હાપુર જિલ્લામાં નવા એલિવેટેડ કોરિડોર માટે કરોડો રૂપિયાના પ્રોજેક્ટ્સને લીલી ઝંડી આપી દેવામાં આવી છે.

રાજસ્થાનમાં જયપુર અને અજમેર જિલ્લાને જોડતા NH-48ના 89.78 કિમી લાંબો રોડ સિક્સ લેન કરવા માટે રૂ. 910.90 કરોડ મંજૂર કરાયા છે. આ પ્રોજેક્ટમાં નવા ફ્લાયઓવર અને સર્વિસ રોડનું નિર્માણ કરવામાં આવશે. આ હાઈવેને ‘એક્સેસ કંટ્રોલ્ડ’ બનાવવામાં આવતા વાહનોની સરેરાશ ઝડપ વધશે, જેના કારણે હાલમાં જે મુસાફરીમાં 2 કલાક લાગે છે તે ઘટીને માત્ર 1 કલાક થઈ જશે.

આ માર્ગ પર અકસ્માતોની સંખ્યા ઘટાડવા માટે લોકલ ટ્રાફિકને અલગ કરવામાં આવશે અને અકસ્માત સંભવિત ‘બ્લેક સ્પોટ્સ’નું નિરાકરણ લાવવામાં આવશે. બંને બાજુ સર્વિસ રોડ બનવાથી સ્થાનિક વાહનચાલકોને પણ મોટી રાહત મળશે અને સુરક્ષામાં વધારો થશે.

બીજી તરફ, મહારાષ્ટ્રના કોલ્હાપુર સ્થિત કાગલ શહેરમાં રૂ. 357.99 કરોડના ખર્ચે સિક્સ લેન એલિવેટેડ કોરિડોર બનાવવામાં આવશે. આ કોરિડોરની બંને બાજુ થ્રી-લેન કોંક્રિટ સર્વિસ રોડ પણ તૈયાર કરાશે. કાગલ વિસ્તારમાં ફાઈવ સ્ટાર MIDC ઇન્ડસ્ટ્રીયલ ઝોન હોવાથી ત્યાં ભારે માલવાહક વાહનોનો ધસારો રહે છે, જેના કારણે ટ્રાફિક જામ અને પ્રદૂષણની સમસ્યા રહેતી હતી.

નવો એલિવેટેડ કોરિડોર બનવાથી લાંબા અંતરનો ટ્રાફિક અને સ્થાનિક ટ્રાફિક અલગ થઈ જશે. આનાથી ઈંધણની બચત થશે અને ઈમરજન્સી સેવાઓ વધુ ઝડપથી પહોંચી શકશે. નીતિન ગડકરીના મતે, આ પ્રોજેક્ટ્સથી પ્રાદેશિક ઉત્પાદકતા વધશે અને આર્થિક સમૃદ્ધિના નવા દ્વાર ખુલશે.

આ પણ વાંચોઃ ગેસની તંગી વચ્ચે કાળાબજારનો પર્દાફાશ, વડોદરામાં 30 સિલિન્ડર સાથે એકની અટકાયત

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code