1. Home
  2. ગુજરાતી
  3. મિડલ ઇસ્ટમાં તણાવ: ઇરાને હોર્મુઝ સ્ટ્રેટ પર જહાજો માટે 2 મિલિયન ડોલરનો ટોલ લગાવ્યો
મિડલ ઇસ્ટમાં તણાવ: ઇરાને હોર્મુઝ સ્ટ્રેટ પર જહાજો માટે 2 મિલિયન ડોલરનો ટોલ લગાવ્યો

મિડલ ઇસ્ટમાં તણાવ: ઇરાને હોર્મુઝ સ્ટ્રેટ પર જહાજો માટે 2 મિલિયન ડોલરનો ટોલ લગાવ્યો

0
Social Share

તેહરાન, 23 માર્ચ 2026: મિડલ ઇસ્ટમાં તણાવ સતત ચરમસીમાએ પહોંચી રહ્યો છે. આ વૈશ્વિક ખેંચતાણ વચ્ચે ઇરાને હવે સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી પસાર થતા કેટલાક જહાજો પર આશરે 2 મિલિયન ડોલર (લગભગ 18.8 કરોડ રૂપિયા)ની ટ્રાન્ઝિટ ફી વસૂલવાનો મોટો નિર્ણય લીધો છે. નિષ્ણાતોના મતે, આ પગલું ઇરાન દ્વારા આ અત્યંત મહત્વપૂર્ણ વૈશ્વિક શિપિંગ રૂટ પર પોતાનું નિયંત્રણ અને વર્ચસ્વ મજબૂત રીતે દર્શાવવા માટે લેવામાં આવ્યું છે.

ઇરાની સંસદની રાષ્ટ્રીય સુરક્ષા અને વિદેશ નીતિ સમિતિના સભ્ય અલાદ્દીન બોરુજેર્દીએ રાજ્ય પ્રસારક આઈઆરઆઈબીને આપેલા એક ઇન્ટરવ્યુમાં સ્પષ્ટ કર્યું હતું કે, હોર્મુઝ જળસંધિમાંથી પસાર થતા કેટલાક જહાજો પર આ 2 મિલિયન ડોલરનો ટોલ પહેલેથી જ લાગુ કરી દેવામાં આવ્યો છે.

તેમણે આ પગલાંને દાયકાઓ પછી જળસંધિમાં ઇરાનના “નવા સાર્વભૌમ શાસન” ની શરૂઆત ગણાવી હતી. બોરુજેર્દીએ વધુમાં કહ્યું કે, “અમુક જહાજો પાસેથી 2 મિલિયન ડોલરની ટ્રાન્ઝિટ ફી લેવી તે ઇરાનની તાકાત દર્શાવે છે. હવે યુદ્ધનો ખર્ચ ઘણો વધી ગયો છે, તેથી અમારે આ પગલું ભરવું જરૂરી બની ગયું છે. હોર્મુઝમાંથી પસાર થતા જહાજો પાસેથી ફી વસૂલવી એ ઇસ્લામિક રિપબ્લિકની શક્તિ અને અધિકારનું પ્રતીક છે.”

ઇરાનનું આ નિવેદન અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તાજેતરની આકરી ચેતવણીના બરાબર બાદ આવ્યું છે. ટ્રમ્પે તાજેતરમાં જ ચીમકી આપી હતી કે જો ઇરાન 48 કલાકની અંદર સ્ટ્રેટ ઓફ હોર્મુઝને સંપૂર્ણપણે અને કોઈપણ પ્રકારની ધમકી વિના નહીં ખોલે, તો અમેરિકા ઇરાનના પાવર પ્લાન્ટ્સ પર હુમલો કરશે, અને તેની શરૂઆત સૌથી મોટા પ્લાન્ટથી કરવામાં આવશે.

ઇરાની સાંસદે ટ્રમ્પની આ ધમકીનો ઉલ્લેખ કરતા વળતી ચેતવણી આપી હતી કે ઇઝરાયેલના ઉર્જા કેન્દ્રો પણ ઇરાનની પહોંચમાં જ છે અને તેમને માત્ર એક જ દિવસમાં નષ્ટ કરી શકાય છે. આ ઘટનાક્રમ દર્શાવે છે કે આગામી દિવસોમાં મિડલ ઇસ્ટમાં તણાવ હજુ વધુ ઘેરો બની શકે છે, જેની સીધી અસર વૈશ્વિક અર્થવ્યવસ્થા અને ક્રૂડ ઓઇલના ભાવો પર પડવાની પૂરેપૂરી શક્યતા છે.

આ પણ વાંચોઃ ન્યૂયોર્કના લા ગાર્ડિયા એરપોર્ટ પર વિમાન-ટ્રક વચ્ચે જોરદાર ટક્કર: ફ્લાઈટ્સ સેવા ખોરવાઈ

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code