1. Home
  2. ગુજરાતી
  3. દેશમાં લોકડાઉનની અફવાઓ સંપૂર્ણપણે પાયાવિહોણી: હરદીપસિંહ પુરી
દેશમાં લોકડાઉનની અફવાઓ સંપૂર્ણપણે પાયાવિહોણી: હરદીપસિંહ પુરી

દેશમાં લોકડાઉનની અફવાઓ સંપૂર્ણપણે પાયાવિહોણી: હરદીપસિંહ પુરી

0
Social Share

નવી દિલ્હી, 27 માર્ચ 2026: કેન્દ્રીય મંત્રી હરદીપસિંહ પુરીએ શુક્રવારે સ્પષ્ટતા કરી છે કે દેશવ્યાપી લોકડાઉનની અફવાઓ સંપૂર્ણપણે ખોટી છે અને હાલમાં સરકાર સમક્ષ આવો કોઈ જ પ્રસ્તાવ વિચારણા હેઠળ નથી. આ સાથે જ તેમણે દેશવાસીઓને આશ્વાસન આપતાં જણાવ્યું હતું કે, પેટ્રોલિયમ અને LPG (રાંધણ ગેસ) ના સપ્લાયની સ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણમાં છે. દેશમાં ક્યાંય પણ પેટ્રોલ, ડીઝલ કે એલપીજીની કોઈ અછત નથી. રિટેલ પંપો અને ડીલરો પાસે પૂરતો સ્ટોક છે અને કોઈપણ જાતની અડચણ વિના ઈંધણનું વિતરણ થઈ રહ્યું છે.

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘એક્સ’ પર માહિતી આપતા મંત્રી પુરીએ જણાવ્યું હતું કે, “વૈશ્વિક પરિસ્થિતિમાં સતત ફેરફારો થઈ રહ્યા છે અને અમે ઊર્જા, સપ્લાય ચેન તેમજ આવશ્યક ચીજવસ્તુઓ સંબંધિત ઘટનાક્રમ પર વાસ્તવિક સમય (રિયલ-ટાઇમ) ના આધારે બારીકાઈથી નજર રાખી રહ્યા છીએ. માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના નેતૃત્વમાં, આપણા નાગરિકો માટે ઈંધણ, ઊર્જા અને અન્ય મહત્વપૂર્ણ ચીજવસ્તુઓની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા માટે તમામ જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે. અમે ઉભરતા પડકારોનો સામનો કરવા માટે સંપૂર્ણપણે સજ્જ છીએ.”

તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, “ભારતમાં લોકડાઉનની અફવાઓ બિલકુલ પાયાવિહોણી છે. હું સ્પષ્ટપણે કહેવા માંગુ છું કે ભારત સરકાર સમક્ષ આવો કોઈ જ પ્રસ્તાવ વિચારણા હેઠળ નથી. આવા સમયે એ મહત્વપૂર્ણ છે કે આપણે શાંત, જવાબદાર અને એકજૂથ રહીએ. આવી સ્થિતિમાં અફવાઓ ફેલાવવી અને ડરનો માહોલ ઊભો કરવો એ બિનજવાબદારીભર્યું અને નુકસાનકારક છે.” અત્રે ઉલ્લેખનીય છે કે, મંત્રી પુરીની આ ટિપ્પણીઓ એવા સમયે આવી છે જ્યારે વૈશ્વિક સ્તરે તેલ અને ગેસની અછતને કારણે ભારતમાં સંભવિત લોકડાઉનની અટકળો વહેતી થઈ હતી, સાથે જ LPGના સપ્લાયને લઈને પણ અમુક અહેવાલોમાં ચિંતાઓ વ્યક્ત કરવામાં આવી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, આ સપ્તાહની શરૂઆતમાં જ કેન્દ્ર સરકારે દેશવ્યાપી લોકડાઉનની અટકળોને સીરેથી ફગાવી દેતા સ્પષ્ટ કર્યું હતું કે જાહેર અવરજવર કે આર્થિક ગતિવિધિઓ પર પ્રતિબંધ લગાવવાની કોઈ જ યોજના નથી. અધિકારીઓએ સ્પષ્ટ કર્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના તાજેતરના નિવેદનોનો ખોટો અર્થ કાઢવામાં આવ્યો હતો. વાસ્તવમાં આ મૂંઝવણ વડાપ્રધાને તાજેતરમાં સંસદમાં આપેલા ભાષણમાં ‘તૈયારી’ ના સંદર્ભને લઈને શરૂ થઈ હતી, જે પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવ અને તેની સંભવિત આર્થિક અસરોને ધ્યાનમાં રાખીને કહેવામાં આવ્યું હતું.

આ અફવાઓમાં અચાનક આવેલો ઉછાળો 2020ના કોવિડ-19 લોકડાઉનની છઠ્ઠી વર્ષગાંઠ સાથે એકરૂપ થતો હોવાથી ઓનલાઇન ચિંતાઓ વધુ વકરી હતી. જોકે, સરકારે ભારપૂર્વક જણાવ્યું છે કે કોવિડ જેવી ‘તૈયારી’ નું આહ્વાન માત્ર વહીવટી સજ્જતા અને આકસ્મિક આયોજન પૂરતું સીમિત છે, તેનો અર્થ ઘરમાં રહેવાના આદેશો કે અવરજવર પરના પ્રતિબંધો બિલકુલ નથી.

આ પણ વાંચોઃ કેન્દ્ર સરકારનો નિર્ણય: પેટ્રોલ-ડીઝલ પર એક્સાઈઝ ડ્યુટીમાં રૂ. 10નો ઘટાડો

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code