ઘરે જ બનાવો રેસ્ટોરન્ટ જેવું ટેસ્ટી પનીર શિમલા મિર્ચ, જાણો રેસીપી
ઉત્તર ભારતીય વાનગીઓમાં પનીર શિમલા મિર્ચ એક એવી સબ્જી છે જે તેના રંગ, સુગંધ અને લાજવાબ સ્વાદ માટે જાણીતી છે. જ્યારે ઘરે જ રેસ્ટોરન્ટ જેવું જમવાનું બનાવવાની ઈચ્છા થાય, ત્યારે આ રેસીપી બેસ્ટ વિકલ્પ છે. મુલાયમ પનીર અને ક્રંચી શિમલા મિર્ચનું પરફેક્ટ કોમ્બિનેશન મસાલાઓ સાથે મળીને શાનદાર ફ્લેવર આપે છે. આ વાનગીની ખાસિયત એ છે કે તે ખૂબ જ ઓછા સમયમાં તૈયાર થઈ જાય છે અને રોટલી, પરાઠા કે નાન સાથે પીરસતા નાના-મોટા સૌને આંગળા ચાટતા કરી દે છે.
-
સામગ્રી
250 ગ્રામ પનીર (ચોરસ ટુકડામાં કાપેલુ), 2 નંગ કેપ્સિકમ (લાંબા ટુકડામાં કાપેલ), બે નંગ ટામેટા (પ્યુરી કરેલી), ઝીણા સમારેલા બે નંગ લીલા મરચા, એક ઈંચનો ટુકડો આદુ (છીણેલું), બે ચમચી તેલ, અડધી ચમચી જીરુ, પોણો ચમચી હળદર, એક ચમચી ધાણાજીરું, અડધી ચમચી લાલ મરચું પાવડર, પોણો ચમચી ગરમ મસાલો, મીઠુ સ્વાદ અનુસાર, સજાવટ માટે કોથમરી
-
બનાવવાની રીત
સૌ પ્રથમ એક પેનમાં તેલ ગરમ કરો. તેલ ગરમ થાય એટલે તેમાં જીરું નાખીને હળવું સાંતળો. ત્યારબાદ તેમાં ઝીણા સમારેલા લીલા મરચાં અને છીણેલું આદુ ઉમેરી સરસ સુગંધ આવે ત્યાં સુધી સાંતળો. હવે તેમાં ટામેટાની પ્યુરી ઉમેરો. ટામેટાની પ્યુરીમાં હળદર, ધાણાજીરું, લાલ મરચું પાવડર અને સ્વાદ મુજબ મીઠું નાખીને બરાબર મિક્સ કરો. આ મસાલાને ત્યાં સુધી ચઢવા દો જ્યાં સુધી તેમાંથી તેલ છૂટું ન પડવા લાગે. મસાલો તૈયાર થઈ જાય એટલે તેમાં લાંબી કાપેલી શિમલા મિર્ચ ઉમેરી 2-3 મિનિટ સુધી હળવું પકાવો. ખાસ ધ્યાન રાખવું કે શિમલા મિર્ચ વધુ પડતી નરમ ન થઈ જાય, તેને થોડી ‘ક્રંચી’ રાખવાથી જ રેસ્ટોરન્ટ જેવો સ્વાદ આવશે. ત્યારબાદ તેમાં પનીરના ટુકડા ઉમેરો અને હળવા હાથે મિક્સ કરો. પનીરમાં મસાલાનો સ્વાદ બરાબર બેસી જાય તે માટે 2-3 મિનિટ ધીમા તાપે થવા દો. અંતમાં ગરમ મસાલો ઉમેરો અને ઉપરથી તાજા લીલા ધાણા છાંટીને ગેસ બંધ કરી દો. તૈયાર છે ગરમાગરમ પનીર શિમલા મિર્ચ! આ શાકને રોટલી, નાન કે જીરા રાઈસ સાથે પીરસો.


