1. Home
  2. ગુજરાતી
  3. બિહારના રાજકારણમાં નવો અધ્યાય: કપૂરી ઠાકુર પછી સમ્રાટ ચૌધરી DyCM બાદ CM બન્યાં
બિહારના રાજકારણમાં નવો અધ્યાય: કપૂરી ઠાકુર પછી સમ્રાટ ચૌધરી DyCM બાદ CM બન્યાં

બિહારના રાજકારણમાં નવો અધ્યાય: કપૂરી ઠાકુર પછી સમ્રાટ ચૌધરી DyCM બાદ CM બન્યાં

0
Social Share

પટણા, 14 એપ્રિલ 2026: બિહારના રાજકીય ફલક પર એક મોટું પરિવર્તન આવી રહ્યું છે. સમ્રાટ ચૌધરી બિહારના 24મા મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કરવા જઈ રહ્યા છે. આ સાથે જ તેમણે રાજ્યના રાજકારણમાં દાયકાઓ જૂના એક એવા મિથકને તોડી નાખ્યું છે, જે અત્યાર સુધી માત્ર જન નાયક કપૂરી ઠાકુરના નામે હતું. સમ્રાટ ચૌધરી બિહારના બીજા એવા નેતા બન્યા છે જે ડેપ્યુટી સીએમ રહ્યા બાદ મુખ્યમંત્રી પદ સુધી પહોંચ્યા હોય.

16 નવેમ્બર 1968ના રોજ જન્મેલા સમ્રાટ ચૌધરીને રાજનીતિ વારસામાં મળી છે. તેમના પિતા શકુની ચૌધરી રાજ્યના દિગ્ગજ સમાજવાદી નેતા રહ્યા છે. રસપ્રદ વાત એ છે કે, આજે સમ્રાટ ચૌધરી જે આરજેડી અને લાલુ પ્રસાદ યાદવનો વિરોધ કરી રહ્યા છે, તે જ લાલુ પ્રસાદની પાઠશાળામાંથી તેમણે રાજકારણના ‘કક્કા’ શીખ્યા હતા. તેમના પિતા પણ એક સમયે લાલુ પ્રસાદના અત્યંત નજીકના સાથી ગણાતા હતા, જોકે બાદમાં તેઓ નીતિશ કુમાર સાથે જોડાયા હતા.

બિહારમાં અત્યાર સુધી એવો ઈતિહાસ રહ્યો છે કે ડેપ્યુટી સીએમ બન્યા બાદ કોઈ નેતા મુખ્યમંત્રીની ખુરશી સુધી પહોંચી શક્યું નથી. અનુગ્રહ નારાયણ સિંહથી લઈને સુશીલ મોદી, વિજય સિંહા કે તેજસ્વી યાદવ જેવા અનેક મોટા નામો આ રેકોર્ડ તોડી શક્યા નહોતા. રાજ્યમાં અત્યાર સુધી માત્ર કપૂરી ઠાકુર જ એકમાત્ર એવા નેતા હતા જે પહેલા નાયબ મુખ્યમંત્રી અને બાદમાં મુખ્યમંત્રી બન્યા હોય. હવે સમ્રાટ ચૌધરીએ આ યાદીમાં પોતાનું નામ નોંધાવી દીધું છે.

સમ્રાટ ચૌધરીની રાજકીય સફર ખૂબ જ વૈવિધ્યસભર રહી છે, રાજકીય કારદિર્દીનો પ્રારંભ આરજેડીથી કર્યો હતો. ત્યાર બાદ તેઓ જેડીયુમાં જોડાયાં હતા. વર્ષ 2014માં જ્યારે જીતન રામ માંઝી મુખ્યમંત્રી બન્યાં ત્યારે સમ્રાટ ચૌધરી તેમની સરકારમાં મંત્રી પણ રહી ચુક્યાં છે. જેડીયુ છોડ્યા બાદ તેઓ ભાજપામાં જોડાયા હતા અને પોતાની આક્રમક શૈલીથી પક્ષમાં સ્થાન બનાવ્યું છે. સમ્રાટ ચૌધરીના પત્નીનું નામ મમતા કુમારી છે અને તેમને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. તેમની માતા પાર્વતી દેવી અને પિતા શકુની ચૌધરીના માર્ગદર્શન હેઠળ તેમણે જાહેર જીવનની શરૂઆત કરી હતી.

આ પણ વાંચોઃ સમ્રાટ ચૌધરી બનશે બિહારના નવા મુખ્યમંત્રી, આવતીકાલે શપથવિધિ સમારોહ યોજાશે

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code