એ માણસ જોજે હોં.. આ એકાંત લેવાના ચક્કરમાં એકલતામાં ન જતો રહેતો…
loneliness – solitude આપણી આસપાસ સવાર-સાંજ એક એવી દોડ લાગી છે તે જોતાં તો ક્યાંક એવું લાગે છે કે માનવીને પોતાની જાત માટે પણ હવે સમય નથી રહ્યો. મુંબઈ, દિલ્હી, બેંગ્લુરુ જેવાં મોટાં મેટ્રો શહેરોમાં તો મોટી ભીડ રેલવે – બસમાં ચઢે છે અને સાંજે ઉતરે છે અને રાત પડતાં જ આ ભાગદોડ ક્યાંક શાંત થઈ જાય છે. પહેલા તો એવું હતું કે ગામના પાદરે કે શહેરોના રસ્તા પર સાંજ પડતાની સાથે જ લોકો અલગ અલગ જૂથમાં એકત્ર થતા અને કેટલીક સુખ દુઃખની વાતો કરતા અને રાત્રે ઘરે જઈને ભોજન કરીને શાંતિથી સૂઈ જતા. આજે તો આ ઘટનાક્રમ બદલાઈ જ ગયો છે. જીવનની અંદર ભાગદોડ એટલી વધી ગઈ છે જેમાં આપણે પોતાને પણ સમજી શકતા નથી.
પર્સનલ સ્પેસ
આપણી આ ઝડપી ભાગદોડ દુનિયાની વચ્ચે હવે આપણે પોતાના માટે ‘પર્સનલ સ્પેસ’ શોધતા થઈ ગયા છીએ. જ્યારે કોઈ કાર્યથી કંટાળી જવાય છે કે પછી કેટલાક સંબંધથી થોડોક બ્રેક લેવો હોય છે ત્યારે આપણે કાર્યની અંદર ‘પર્સનલ સ્પેસ’ એટલે કે ‘એકાંત’ શોધીએ છીએ. ખરેખર આ ‘સ્પેસ’ તો બહુ સારી છે જેમાં તમે પોતાની જાતને મળો છો, તમે તેમાં પોતાનું સ્વ મૂલ્યાંકન કરો છો, પોતાની કેટલીક વિશિષ્ટ શક્તિઓ વિશેની ઓળખ મેળવો છો, તમારા દ્વારા થયેલી પોતાની ભૂલોને સુધારવા માટેનું આત્મમંથન કરો છો અને પોતાની અંદર નવી ઊર્જાનો સંચય કરીને પાછા સંબંધ અને રોજિંદા કાર્યની અંદર પોતાની શક્તિઓને જોડવાનો પ્રયત્ન કરીએ છીએ. આ સ્વમૂલ્યાંકન આપણને ક્યાંક ખોવાયેલો આત્મવિશ્વાસ પાછો મેળવવા માટે મદદ કરે છે. સંબંધો સુધારવા અને મહત્ત્વના કાર્ય નિર્ણયો લેવા માટે એકાંત એ પોતાની જાત માટે કરેલી ગોઠવણ કરી આપે છે. આપણે બધાએ બુદ્ધિની મદદથી તેનું આત્મમંથન કરવા માટેની યોગ્ય મદદ કેળવતા શીખવું જરૂરી છે.
એકલતાનું પરિણામ
હાલ, તો આ પર્સનલ સ્પેસ મેળવવાની પદ્ધતિની અંદર મોટો બદલાવ આવી ગયો છે. યુવાનોને એકાંત ગમે છે. પણ આ એકાંત તો ક્યાંક સ્માર્ટફોનની અંદર રીલ્સ જોવામાં, ઓનલાઈન ગેમ્સ રમવામાં પોતાનો મોટાભાગનો સમય પસાર કરી દેતા હોય છે. તેમ છતાં તેઓ હળવાશ અનુભવી શકતા નથી. આ એકાંત જ એકલતાનું પરિણામ બની જતું હોય છે. પછી કેટલાક વિચાર આવવા લાગે છે કે લોકો મને સમજતા નથી, હું એકલો છું, મારા વ્યક્તિત્વને સામાજિક રૂપે સ્થાન નથી, પરિણામે તે ક્યારેક ઉદાસીનતા, નારાજગી, ઈમોશનલ અનસ્ટેબિલિટી અનુભવવા વાળો વર્ગ વધી ગયો છે. સામાજિક સંચાર માધ્યમ વધુ છે પરંતુ તેનો સાચો ઉપયોગ કરવાની પદ્ધતિમાં ક્યાંક જ્ઞાનનો પ્રભાવ ઓછો જોવા મળે છે. દુનિયાભરની અંદર ડિપ્રેશન, ચિંતા, નશીલા પદાર્થોના સેવનની આદત જેવી માનસિક સમસ્યાના વ્યક્તિઓની અંદરની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. એટલે જ તો માણસ જો જે હો તારી આ એકાંતના ચક્કરમાં તું એકલતાની અંદર ન જતો રહેતો.
આ પણ વાંચોઃ ઓટિઝમ : સામાજિક અવકાશની અંદર સામાજિક મહત્ત્વ
સાચું કહું તો આપણા મનને એકલતાના ઘરમાં પ્રવેશતું જતું અટકાવવાનું કામ કરવાનું છે. એકાંતમાં હોઈએ ત્યારે મોટિવેશનની પ્રક્રિયા સાથે પોતાની જાતને એક સાચી દિશા તરફ લઈ જવાનું કાર્ય કરવાનું છે. એકાંત તો સ્વમૂલ્યાંકન કરવાની સાચી પદ્ધતિ શીખવી જરૂરી છે, જેમાં ડાયરી લખવી, સર્જનાત્મક શક્તિઓ વિકસાવવી, કુદરત સાથે સમય પસાર કરવો જેવી ઘણી પદ્ધતિઓની મદદથી આપણે પોતાના મનની અંદર રહેલા ‘ખાલીપા’ને દૂર કરી શકીએ છીએ. અને પોતાના માટેની એક સાચી સમજ મેળવી શકીએ છીએ. જેથી આપણી અંદર રહેલી એકલતા આગળ જતા અટકી જતી હોય છે હવે નક્કી આપણે કરવાનું સમયને લંબાવવો છે કે ખરેખર આ સમયનો સદ્દઉપયોગ કરવો છે અને પોતાની મન માટેની તંદુરસ્તી જાળવી રાખવી છે.
સવાર સાંજની ભાગદોડના સંઘર્ષથી થાક્યો છું હું,
ક્યાંક થોડોક વિસામો લઈને મારે
એકાંતને મળવું છે, મારી જાતને મળવું છે…
અંદર બેઠેલા ખાલીપા સાથે સંવાદ
કરવો છે, લોકો માટે નહીં પરંતુ
મારા માટેની ‘આત્મઓળખ’ કેળવવી છે…
—————
મન: મર્મ: જ્યારે હળવાશ અનુભવવા બેસીએ છીએ ત્યારે એકાંતની અંદર પોતાને સમજવાનો પ્રયત્ન કરવાનો છે. સાથોસાથ એકાંત અને એકલતાની વચ્ચેના તફાવતને સમજવાનો છે.



